ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થીના લેટેસ્ટ પ્રોમોમાં તુલસીનો દેખાયો નવો અંદાજ
સ્મૃતિ ઈરાની ફરીથી તુલસી વીરાણીના પાત્રમાં
ટીવી-શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની બીજી સીઝન ૨૯ જુલાઈથી રાતે ૧૦.૩૦ વાગ્યે સ્ટાર પ્લસ પર અને જિયોહૉટસ્ટાર પર શરૂ થવાની છે. આમાં સ્મૃતિ ઈરાની ફરીથી તુલસી વીરાણીના પાત્રમાં જોવા મળશે. હવે આ શોનો એક નવો પ્રોમો રિલીઝ થયો છે જેમાં તુલસી ભાવપૂર્વક દિવંગત બા (સુધા શિવપુરી)ને શ્રદ્ધાંજલિ આપે છે. આ વિડિયોની શરૂઆતમાં તુલસી લૅપટૉપ પર કામ કરતી દેખાય છે. ત્યાર બાદ તે પોતાના પરિવારના સભ્યો સામે આવેલા પડકારજનક સમય વિશે વાત કરે છે. ક્યારેક તે જૂની તસવીરોમાં પોતાના વીરાણી પરિવારને બતાવે છે, તો ક્યારેક રંગોળી બનાવતી જોવા મળે છે.
આ વિડિયોમાં સ્મૃતિ ઈરાની શોનાં બા એટલે કે સુધા શિવપુરીની તસવીર સામે દીવો પ્રગટાવતાં જોવા મળે છે અને સંસ્કારો તથા બદલાતા સમયમાં એના મહત્ત્વ વિશે વાત કરે છે. કૅપ્શનમાં લખ્યું છે, ‘બદલાતા સમયમાં નવા દૃષ્ટિકોણ સાથે પાછી ફરી રહી છે તુલસી. તેની આ નવી સફરમાં જોડાવા માટે તમે તૈયાર છો?’
ADVERTISEMENT
મૌની રૉય અને પુલકિત સમ્રાટ તથા કરિશ્મા તન્નાની એન્ટ્રી?
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની નવી સીઝનની દરેક બાબતની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. હવે રિપોર્ટ છે કે આ શોમાં પુલકિત સમ્રાટ અને મૌની રૉયની પણ એન્ટ્રી થઈ શકે છે, કારણ કે આ બન્ને શોના પહેલા ભાગનો ખાસ હિસ્સો હતાં. મૌનીએ શોમાં ક્રિષ્ના તુલસીનું પાત્ર ભજવ્યું હતું, જ્યારે પુલકિતે લક્ષ્ય વીરાણીનું પાત્ર ભજવ્યું હતું. મૌની અને પુલકિત ઉપરાંત કરિશ્મા તન્ના પણ શોમાં કૅમિયો કરવાની છે એવા રિપોર્ટ છે.

