કયા દિવસે કયું કામ કરવું ન જોઈએ એ જ વિષયને આ વખતે પણ આગળ વધારીએ, જે લાભદાયી પુરવાર થાય એવી છે
પ્રતીકાત્મક તસવીર
ગયા રવિવારે કહ્યું હતું એમ ચોક્કસ દિવસે અમુક પ્રકારનાં કામ ન કરવાં જોઈએ. એ જ વાત આ વખતે પણ કહેવાની છે અને આગળ જણાવવાનું છે કે અઠવાડિયાના સાત દિવસ દરમ્યાન પ્રયાસ કરવો જોઈએ કે અમુક કામ અમુક દિવસે ન કરવામાં આવે. એ કામ કયાં છે એ જાણવા જેવું છે.
સોમવાર
ADVERTISEMENT
આજના દિવસે કોઈની સાથે પહેલી મીટિંગ ન કરવી, પણ જો અગાઉ મીટિંગ થઈ હોય તો સોમવારના દિવસે એ મીટિંગને કન્ટિન્યુ કરવામાં કોઈ વાંધો નથી. સોમવારે કરવામાં આવેલી પહેલી મીટિંગ રિઝલ્ટને લંબાવે છે પણ જો એ બીજી મીટિંગ હોય તો એનું પરિણામ ઝડપથી આવે છે. પ્રયાસ કરો કે જો સોમવારે પહેલી વાર અપૉઇન્ટમેન્ટ મળે તો રિક્વેસ્ટ કરીને એને ગુરુવાર કે શુક્રવાર પર લઈ જાઓ. ગુરુ-શુક્રના દિવસે થયેલી મીટિંગનું રિઝલ્ટ મહદ અંશે તમારી તરફેણમાં આવે છે.
મંગળવાર
જો કોઈની સાથે બોલાચાલી થઈ હોય અને કોઈની પાસે માફી માગવા જવાની હોય તો બહેતર છે કે એ કામ મંગળવારે ન કરો. કમ્પલ્સરી હોય અને જવું જ પડે તો ધ્યાન રાખો કે સામેની વ્યક્તિ કંઈ પણ બોલે, સંભળાવે, તમારું મન શાંત રહેવું જોઈએ. મંગળ ગ્રહની ખાસિયત છે, એ શૌર્ય બહાર લાવે છે. પણ જો માફી માગવા કે સંબંધો સુધારવા ગયા હો તો મંગળના શૌર્યને દબાવી રાખવો અનિવાર્ય છે. ધારો કે મંગળવાર ટાળી શકાય તો અતિ ઉત્તમ. આ કામ પણ ગુરુ કે શુક્રવારના દિવસે કરવું હિતાવહ છે.
બુધવાર
ગયા રવિવારે કહી હતી એ જ વાત આજે પણ કરવી છે. બુધવારે બધાં કામ બેવડાય એટલે જો શક્ય હોય તો બુધવારે એક પણ પ્રકારની મીટિંગ રાખવી નહીં, એવું જ સર્જરીમાં પણ છે. ઇમર્જન્સીમાં તમે કોઈ દિવસ ન જોઈ શકો, પણ જો સામાન્ય સર્જરી હોય કે તમે એકાદ દિવસ રાહ જોઈ શકતા હો તો પ્રયાસ કરવો કે બુધવારને બદલે ગુરુ-શુક્રવારના દિવસોમાં સર્જરી હોય. હવે તો ઘણા ડૉક્ટર પણ ઇમર્જન્સી ન હોય એવી સર્જરી બુધવારે કરવાનું ટાળે છે એ તમારી જાણ ખાતર. બુધવારે ઇલેક્ટ્રિક સામાન લેવાનું પણ ટાળવું જોઈએ.
ગુરુવાર
સપ્તાહનો સૌથી સરસ દિવસ હોય તો એ ગુરુવાર છે. ગુરુવારના દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવાનું બને તો એનું પરિણામ સર્વોત્તમ મળે છે, પણ ગુરુવારના દિવસે પ્રયાસ કરવો કે અશુભ કહેવાય એવું કામ ન કરવું. ગુરુવારના દિવસે રોકડ દાન આપવાને બદલે ભીક્ષા માગનારાને ખાવાનું લઈ આપવું જોઈએ તો સાથોસાથ એ પણ પ્રયાસ કરવા જોઈએ કે ગુરુવારે કોઈને તમે બુક ન આપો. પછી ભલે એ વાર્તાની ચોપડી હોય કે ધર્મ ગ્રંથ હોય. ગુરુવારના દિવસે આપેલું જ્ઞાન પાછું આવતું નથી એટલે આજના દિવસે કોઈને જ્ઞાનરૂપી પુસ્તક આપવું નહીં.
શુક્રવાર
પ્રયાસ કરો કે શુક્રવારે ઘરની કોઈ મહિલા સભ્ય સાથે બિલકુલ ઝઘડો ન થાય કે પછી તેમને ઉડાઉ કે તોછડા જવાબ ન આપી બેસો. શુક્ર ગ્રહ પ્રસિદ્ધિ અને સમૃદ્ધિનો કારક છે અને શુક્રવાર એનું પ્રતિનિધિત્વ કરે છે. મહિલાઓનું અપમાન શુક્ર કોઈ કાળે સહન કરતો નહીં હોવાથી શુક્રવારે પરિવારના સભ્ય સાથે થયેલી બોલાચાલીનું વિપરીત પરિણામ એ તરત જ આપે છે. આમ તો ક્યારેય પરિવારના સભ્યો અને ખાસ કરીને મહિલા સભ્યો સાથે ખરાબ વર્તન ન કરવું જોઈએ એ પણ મહત્ત્વનું છે. ધારો કે શુક્રવારે એવું અજાણતાં પણ બની જાય તો બે હાથ જોડીને માફી માગતાં સહેજ પણ ખચકાશો નહીં.
શનિવાર
શનિવારે શરૂ કરેલું કામ અડચણ વિના પૂરું થાય નહીં માટે શનિવારે ક્યારેય નવો પ્રોજેક્ટ કે નવો ટાસ્ક શરૂ કરવા નહીં. બીજા નંબરે શનિવારે ક્યારેય કોઈનામાં મધ્યસ્થી બનવું નહીં કે લોનમાં ગૅરન્ટર પણ થવું નહીં. એવું કરવાથી એ આખી પ્રક્રિયા તમારા ગળાનો સાપ બનવાની શક્યતા રહે છે એટલે પ્રયાસ કરવો કે શનિવારના દિવસે આવેલું એવું કામ ગુરુ-શુક્ર પર લઈ જવું. ત્યાં સુધીમાં તમને અનુભવ પણ થઈ જશે કે તમારે એમાં આગેવાની લેવી કે નહીં. નવું કામ કે નવો ટાસ્ક શરૂ કરવા માટે સૌથી બેસ્ટ જો કોઈ દિવસ હોય તો એ શુક્રવાર છે, કારણ કે શુક્રવારે શરૂ કરેલા કામ-ટાસ્કમાં સફળતા મળવાની ટકાવારી બહુ ઊંચી રહે છે અને એ કામ પ્રસિદ્ધિ આપવાની સાથોસાથ ઓછાંમાં ઓછાં વિઘ્ન સાથે પાર પડે છે.
રવિવાર
રવિવાર નામ મુજબ જ સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે. આજના દિવસે શક્ય હોય તો ફૅમિલીના તમામ મોટા મેમ્બરોએ એક વખત કિચનમાં જઈને કામ કરવું જોઈએ અને ગૅસ પર કંઈક બનાવવું જોઈએ. આગની નજીક રહેવાનું આ સૌભાગ્ય જે પ્રાપ્ત કરે છે તેના જન્માક્ષરમાં રહેલો સૂર્ય મજબૂત થાય છે અને સાથોસાથ તેને કામમાં પણ મોટી સફળતા મળે છે. બાળકો પાસે કિચનમાં કામ કરાવવું ન જોઈએ પણ પતિથી માંડીને શારીરિક રીતે સક્ષમ હોય એવાં દાદા કે દાદીએ પણ આ કામ કરવું જોઈએ.

