° °

આજનું ઇ-પેપર
Wednesday, 27 October, 2021


વિકારનો નાશ કરવો હોય તો તપનો સ્વીકાર કરવો પડે

03 September, 2021 07:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સ્વનું જ નહીં, પણ સૌ કોઈનું કલ્યાણ કરે એ ધર્મ, સૌને પોતાનામાં સમાવે એ ધર્મ અને સૌને સાથે લઈને ચાલે એ ધર્મ ઃ પર્યુષણ મહાપર્વમાં તપ પણ એક કર્તવ્ય છે

મિડ-ડે લોગો

મિડ-ડે લોગો

પ્રભુ મહાવીર સ્વામીએ જાતને જીતવાનો માર્ગ બતાવ્યો છે અને આત્મકલ્યાણનો સંદેશ આપતા પ્રભુએ જીવમાત્રમાં અનાદિકાળથી રહેલાં ચાર કુસંસ્કાર પરિગ્રહ, અબ્રહ્મ, આહાર અને ભયને દૂર કરવા ધર્મરૂપી ઔષધીઓ બતાવી છે, જેમાં દાન, શીલ, તપ અને ભાવનો સમાવેશ થાય છે.
પર્યુષણ મહાપર્વમાં  તપ પણ એક કર્તવ્ય પણ છે અને એમાંયે સૌને તારવાની તીવ્ર તમન્નાથી મહાવીરે સૌ યથાશકિત જોડાઈ શકે તેવો ૧૨ પ્રકારનો વિવિધ તપ બતાવ્યા છે. આ બાર તપમાંથી છ બાહ્યતપ છે તો છ અભ્યંતર તપ છે. પહેલાં વાત કરીએ છ બાહ્યતપની. આ બાહ્યતપમાં અણસણ, ઉણોદરી, વૃતિ સંક્ષેપ, રસ-ત્યાગ, કાય-કલેશ અને સંલીનતાનો સમાવેશ થાય છે જ્યારે અભ્યંતર તપમાં પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સજઝાય, કાયોત્સર્ગ અને ધ્યાન છે.
તપના આ બન્ને પ્રકાર પરસ્પર સંકળાયેલા છે. જે રોટલી, ભાત, મીઠાઈ જેવા ભારે અન્ન ત્યાગ કરી અનશન કરી શકે તે એ તપ દ્વારા પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરી શકે છે. જેઓ ભૂખથી થોડું ઓછું ખાવારુપ ઉણોદરી કરી શકે તે પોતાના ભાગમાંથી બીજાને આપવા રૂપ વિનય આચરી શકે. જેઓ ઓછી વસ્તુ ખાવારૂપ વૃત્તિસંક્ષેપ કરે તે બાકીની વસ્તુ આપી બીજાની ભક્તિરૂપ વૈયાવચ્ચ કરી શકે. જેઓ દૂધ – દહી – ઘી – તેલ – મીઠાઈ – તળેલું જેવા ૬ પ્રકારનાં ભોજન રસત્યાગ કરી શકે તેઓ 
હળવા પેટે સ્વાધ્યાય, યોગ દ્વારા  હિતપણ સાધી શકે. જેઓ કાયાને કષ્ટ આપી, કાય-કલેશ સહન કરી શકે તે કાયાની માયાનો મોહ છોડવા રૂપ સાચા અર્થનો કાયોત્સર્ગ કરી શકે અને જેઓ મન – વચન – કાયાને સ્થિર રાખવા રૂપ સંલીનતાનો અભ્યાસ કરે તે જ ધ્યાનની અખંડતા જાળવી શકે.
જન–જનના મન સુધી ભગવાન મહાવીરનો કલ્યાણકારી સંદેશ પહોંચાડવાનું કાર્ય દરેકેદરેક વ્યક્તિ કરે. સર્વ ધર્મમાં તપનો મહિમા સમજાવવા ઉપર ભાર મૂક્યો છે, સોનાને અગ્નિમાં તપાવવાથી એ વધારે શુદ્ધ બની ચમકી ઊઠે છે એવી જ રીતે મનુષ્યનું 
જીવન પણ મુશ્કેલીઓમાંથી પસાર થઈને, પાર પડીને નિખાર મેળવે છે. સમતાપૂર્વક આ તકલીફોનો સામનો કરવો એ જ તપ છે અને જે આ તપમા સંયમ જાળવી 
શકે એ જીતી જાય છે. શબ્દથી અર્થ ભિન્ન નથી તેમ જીવનથી સાધના ભિન્ન નથી. 
આત્માની ઉન્નતિ કરનાર તપ મનુષ્યના જીવનને વિશુદ્ધ કરે છે અને તેજસ્વી બનાવે છે.
તપ જીવનનો શ્રોત છે,
તપ જીવનની પ્રજ્વલિત જ્યોત છે.
તપથી થાય છે કર્મનિર્જરા,
તપ મોક્ષમાર્ગનો સ્તોત્ર છે.
રસનેન્દ્રિયો પર મેળવી વિજય,
દ્રઢતા પૂર્વક કર્મો ખપાવાય.
તપથી કપાય ભવોભવના બંધન

વંદન વખતના ભાવથી પણ ચમત્કાર થાય

કૃષ્ણ ભગવાન જ્યારે નેમીનાથ ભગવાનને વંદન કરવા સમવસરણમાં ગયા ત્યાં બિરાજમાન ૧૮ હજાર સાધુ-સાધ્વીજીઓને તેમણે ભાવપૂર્વક વંદન કર્યા. વંદન કરીને ભગવાન કૃષ્ણ, નેમીનાથ ભગવાન પાસે આવ્યા અને આવીને તેમણે નેમીનાથ પ્રભુએ કહ્યું કે, ભગવાન મેં જેટલા યુધ્ધ લડ્યા, જેટલાં યુદ્ધ કર્યા એમાં નથી થાક્યો એના કરતાં વધુ થાક મને અત્યારે આ સાધુ-સાધ્વીજીઓને વંદન કર્યા એમાં લાગ્યો છે ત્યારે નેમીનાથ ભગવાનને સ્મિત સાથે કૃષ્ણ ભગવાનને સ્પષ્ટતા કરતાં કહ્યું હતુંઃ ભાઈ તે જે આ ૧૮ હજાર સાધુ-સાધ્વીજીઓની હ્રદયપૂર્વક વંદના કરી એનાથી તારા જે સાત નારકીના બંધ હતા એ પૈકીની ચાર નારકી ટળી ગઈ છે એટલે થાક તો સ્વભાવિક રીતે લાગવાનો.
આ પ્રસંગમાં વંદનથી કેટલો 
ફાયદો થયો તે જણાવવામાં આવ્યું છે અને વંદન વખતે ભાવ કેવા હોવા એ દર્શાવવામાં આવ્યું છે. 
ગુજરાતમાં એક યુવાનને દીક્ષા લેવાનું મન થયું પણ ઘરવાળાઓએ ના પાડી. એ યુવાને જ્યારે કૃષ્ણ ભગવાનનો આ પ્રસંગ વાંચ્યો ત્યારે તેને પણ થયું કે, હું પણ આવું કરું અને તેણે એ વાતને અમલમાં મૂકી. જે ગુરુ ભગવંત તેના ગામમાં આવે કે પછી પોતે ક્યાંય પણ બહાર જાય એને ગુરુ ભગંવતનો મેળાપ થાય ત્યારે હૃદયપૂર્વક ભાવ સાથે તે તેમને વંદન કરે. દરેક વંદન સમયે તે મનમાં વિચારે કે મને સંયમ ક્યારે મળશે? મનમાં ભાવ આવો જ. આ જ ભાવ સાથે તે એક નોટબુકમાં વંદનની ગણતરી પણ કરતો જાય. જ્યારે ૧૮ હજાર વંદના પૂરા થયા ત્યારે તેણે આખા પરિવારને વાત કરી અને ઘરવાળાઓએ મીટિંગ બોલાવી તેને દીક્ષા લેવાની રજા આપી. 
આમ આજના કાળમાં પણ ચમત્કાર થાય છે અને એ વંદનથી આવી શકે છે. બસ, આપણા ભાવ હોવા જોઈએ. આ પર્યુષણ પર્વનો આ જ સંદેશ છે અને આ જ સંદેશને આપણે જીવનપર્યંત સાથે રાખવાનો છે.
 ભાવે ભાવના ભાવિએ ,ભાવે દિજે દાન, ભાવે જિનવર પૂજીએ , ભાવે કેવળજ્ઞાન.શુદ્ધ ભાવ એજ શુદ્ધ ધર્મનો મુખ્ય ભાગ છે.

03 September, 2021 07:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

એટલું યાદ રાખજે કે તું સુખ દેવા માટે પરણી છે, સુખ લેવા માટે નહીં

પરણ્યાના એક જ વર્ષમાં ડૉક્ટર સાથે એ બહેનનું વ્યક્તિત્વ એટલું સમાઈ ગયું કે ઘરના વડીલો સહિત ડૉક્ટર-પતિએ તિજોરીની ચાવી, બૅન્કોની પાસબુક બધું તેમને સોંપી દીધું. 

25 October, 2021 01:10 IST | Mumbai | Swami Sachidanand
એસ્ટ્રોલૉજી

મનમાંથી હુંકાર કાઢે એના હૈયે જ સમર્પણભાવ આવે

સાગર પણ સરિતાનું સ્વાગત કરવા ઘુઘવાટ કરીને ભરતીનાં પ્રચંડ મોજાંઓના બાહુ દ્વારા દૂર-દૂર સુધી સામૈયું લઈ જાય છે. જેમ સરિતા તથા સાગરની કુદરતી પ્રક્રિયા છે એમ સ્ત્રી-પુરુષની પણ કુદરતી પ્રક્રિયા છે.

24 October, 2021 12:17 IST | Mumbai | Swami Sachidanand
એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

24 October, 2021 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK