મોટી ઉંમરના વૃદ્ધો જો તમારી સાથે રહેતા હોય તો તેમની રૂમનું ધ્યાન બહુ ચીવટપૂર્વક રાખવું જોઈએ, કારણ કે વાસ્તુશાસ્ત્રમાં મોટી ઉંમરના વડીલોને લક્ષ્મી કે નારાયણ સમાન ગણવામાં આવ્યા છે
પ્રતીકાત્મક તસવીર
વાત આગળ વધારતાં પહેલાં વડીલોની શાસ્ત્રોક્ત વ્યાખ્યા સમજી લેવી જોઈએ. જેમણે પોતાનાં તમામ સંતાનોને પરણાવી દીધાં છે અને જે હવે આર્થિક ઉપાર્જન માટે કશું કરતા નથી અને નિવૃત્ત જીવન વિતાવે છે તેમને શાસ્ત્રોમાં વડીલ કહેવામાં આવ્યા છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે જે વડીલ પાસે પોતાનો ઓરડો નથી એ ઘરમાં સુખ-શાંતિ નથી. આવી માન્યતા પાછળનું કારણ પણ શાસ્ત્રમાં સમજાવવામાં આવ્યું છે અને કહ્યું છે કે ઘરમાં વડીલોનું હોવું એ ઘરને સ્વર્ગ બનાવવાની તક છે, કારણ કે વડીલો લક્ષ્મી-નારાયણનું રૂપ છે. આવા સમયે વડીલોને રૂમ મળે એ જોવું જોઈએ અને સાથોસાથ અહીં સૂચવવામાં આવી છે એ વાતની કાળજી પણ તેમની રૂમમાં લેવી જોઈએ.
રૂમમાં સૂવાની આદત જરૂરી
ADVERTISEMENT
ઘણા પરિવારોમાં રૂમની સગવડ હોવા છતાં પણ વડીલો આદતવશ બહાર સૂતા રહે છે, પણ એ ગેરવાજબી છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના દરેક સભ્યએ રૂમમાં જ સૂવું જોઈએ એટલે આ આદત વડીલોએ કેળવવી જોઈએ. હા, ઉંમરને ધ્યાનમાં રાખીને તેમણે રૂમ કે બાથરૂમ અંદરથી બંધ ન કરવાની આદત પણ પાડવી જોઈએ. તમારી રૂમ તમારામાં રહેલી નકારાત્મક ઊર્જાને ખેંચે છે અને તમને સકારાત્મકતા આપે છે. દિવસ દરમ્યાન પ્રવૃત્તિ વિના રહ્યા પછી વડીલોમાં જે થાક પ્રકટાવતી ઊર્જા આવે એને શોષવાનું કામ તેમની રૂમ કરશે એટલે વડીલોને તેમની રૂમમાં સૂવાની આદત કેળવો કે પછી તેમના માટે રૂમ બનાવવી જોઈએ એવું વાસ્તુશાસ્ત્ર કહે છે.
રૂમમાં નિયમિત ધૂપ આવશ્યક
વડીલોની રૂમમાં જે ઊર્જા એકત્રિત થતી હોય છે એમાં નવરાશ વધારે હોય છે. એવું બને નહીં અને વડીલોમાં ઉત્સાહ અને ઉમંગ આવે એવા ભાવથી વડીલોની રૂમમાં દરરોજ કપૂર-ગૂગળનો ધૂપ કરવો જોઈએ. જો રોજબરોજમાં ધૂપ ન થઈ શકે તો ઍટ લીસ્ટ કપૂરદાની મૂકીને રૂમમાં કપૂરની સુવાસ આપવી જોઈએ અને શનિવારે કપૂર-ગૂગળનો ધૂપ અવશ્ય કરવો જોઈએ. કપૂર અને ગૂગળનો ધૂપ કરતી વખતે પ્રયાસ કરવો કે એ ગાયના છાણા પર કરવામાં આવ્યો હોય. ગાયના છાણાનું બળતણ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.
ભારેખમ વસ્તુઓનો નિકાલ
વડીલોની રૂમમાં વજનદાર સામાન મૂકવો નહીં. વજનદાર સામાન માનસિક વજન વધારવાનું કામ કરે છે જે વડીલોના સ્વભાવમાં ચીડિયાપણું ઉમેરી શકે છે. બીજી એક ખાસ વાત એ કે વડીલોની રૂમમાં ગુજરી ગયેલાં સંતાનો કે તેમના વડીલોના ફોટોગ્રાફ્સ પણ રાખવાનું ટાળવું જોઈએ. મહદંશે ભૂતકાળમાં જીવતા વડીલોને એ ફોટોગ્રાફ્સ ભૂતકાળમાં વધારે ઊંડા ઉતારવાનું કામ કરે છે એટલે શક્ય હોય તો વડીલોની રૂમમાં સ્વર્ગીય લોકોના ફોટોગ્રાફ્સ પણ રાખવા નહીં. જો એવું કરવા માટે તે તૈયાર ન થાય તો તેમને સમજાવવાની તસ્દી લેવી એ સૌકોઈની ફરજ છે.
વડીલોની રૂમમાં જૂનો સામાન પણ રાખવો નહીં. વડીલોને પોતાની જૂની ચીજવસ્તુઓ સંઘરી રાખવાની આદત હોય છે. એ ચીજવસ્તુઓનો પણ સમયાંતરે નિકાલ કરવા માટે તેમને સમજાવતા રહો.
અચૂક રાખો ઇન્ડોર પ્લાન્ટ
આ જે પ્લાન્ટ રાખો એમાં એટલું ધ્યાન રાખો કે પ્લાન્ટમાં કાંટા ન હોય અને બીજું, પ્લાન્ટનાં પાન બે કલરવાળાં ન હોય. બે કલરવાળા પ્લાન્ટનો હમણાં ટ્રેન્ડ ચાલ્યો છે, પણ નેવું ટકા બે કલરવાળા પ્લાનની ઉત્પત્તિ છોડમાં થતી એક પ્રકારની બીમારીનું સર્જન છે. ખાસ કરીને સફેદ અને લાલ રંગનાં સ્પૉટ પાન પર દેખાતાં હોય એ પ્લાન્ટ.
જો રૂમમાં સરળતાથી સનલાઇટ આવતી હોય તો તુલસીનો છોડ અચૂક ઘરમાં રાખવો જોઈએ. આ ઉપરાંત અજમો પણ વડીલોની રૂમમાં રાખી શકાય. ફૂલવાળા પ્લાન્ટ રાખવાથી વડીલોની માનસિકતા ખુશનુમા બને છે. જેમ બાળકોની રૂમમાં રાખેલા પ્લાન્ટની ચીવટ અને જાળવણીનું કામ બાળકોને સોંપવું જોઈએ એવી જ રીતે વડીલોને તેમની રૂમના પ્લાન્ટની જાળવણીનું કામ સોંપવું જોઈએ; પણ હા, તેમની તબિયત અને ઉંમરને જોતાં પ્લાન્ટની જાળવણી કરે એ દરમ્યાન પરિવારના સભ્યે સાથે રહેવું હિતાવહ છે. પ્લાન્ટનો ઉછેર વડીલોને જીવવા માટે એક નવો જ ઉત્સાહ આપવાનું કામ કરે છે.
ટાળો ઉપયોગ તીખા કલરનો
લાલ, કાળો, ડાર્ક નારંગી જેવા કલરોને તીખા કલર ગણવામાં આવ્યા છે. એમનો વપરાશ નિયમિત થતો હોય તો વ્યક્તિને ઊંઘનો પ્રૉબ્લેમ થઈ શકે છે એટલે વડીલોની રૂમમાં આ પ્રકારના તીખા કલરનો ઉપયોગ ટાળવો જોઈએ. બેડશીટ પણ આ પ્રકારના ઘટ્ટ કલરની ન હોય એની કાળજી રાખો. વડીલો ઓછાડ-ચાદર બગાડતા હોય તો
એની સ્વચ્છતા માટે બીજા રસ્તા વિચારો, પણ ડાર્ક કલરની ચાદર પર તેમને સુવડાવવાનું બંધ કરશો.
તીખા કલરને કારણે સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવી શકે છે તો સાથોસાથ વિચારવાયુની સમસ્યા પણ ઊભી થઈ શકે છે.

