ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય
તમે જેના પર વિશ્વાસ મૂકી શકો અને જેઓ તમને સારી જ સલાહ આપતા હોય એવા લોકોની સાથે જ રહેજો. જો તમે જીવનમાં સ્થિરતા લાવવા પ્રયત્નશીલ હો તો કારકિર્દી પર લક્ષ આપવા માટે ઉત્તમ સમય છે. જીવનશૈલીમાં ફેરફાર લાવવા ઇચ્છુક જાતકોએ શિસ્તબદ્ધ રીતે અને મક્કમતાથી આગળ વધવું.
પાઇસિસ જાતકો માતાપિતા તરીકે કેવાં હોય છે?
માતાપિતા તરીકે પાઇસિસ જાતકો સંતાનોની જરૂરિયાતો સમજનારાં હોય છે. બાળકોની સર્જનાત્મક અને કળાત્મક બાજુને વિકસાવવામાં તેઓ યોગદાન આપતાં હોય છે. જોકે ક્યારેક તેઓ સંતાનોની ઊણપો તરફ બેધ્યાન રહીને ફક્ત તેમનાં વખાણ કરતાં રહે તો બાળકોને નુકસાન થઈ શકે છે. ક્યારેક તેઓ સંતાનોની વધુપડતી કાળજી લેતાં હોય છે. બાળકને માર્ગદર્શન આપવું અને તેમને સ્વતંત્રતા આપવી એ બન્ને વચ્ચે યોગ્ય સંતુલન જાળવવાનું પાઇસિસ માતાપિતા પસંદ કરતાં હોય છે.
ADVERTISEMENT
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
તમારાં કામો આગળ વધતાં ન હોવાની સ્થિતિ હોય તો જાત સાથે પ્રામાણિક બનજો. કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો અંતરાત્માનો અવાજ સાંભળજો.
જીવનસુધાર માટે સૂચનઃ દરેક ચિંતા છોડી દેજો અને તમામ પ્રશ્નોનો વ્યવહારુ તથા સ્પષ્ટ માર્ગ અપનાવીને હલ લાવજો. વધુપડતા વિચાર કરીને અથવા બીજાઓને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરીને પરિસ્થિતિને જટિલ બનાવતા નહીં.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
આ રાશિના અમુક જાતકોએ પોતાના ઘર સંબંધે નિર્ણય લેવાની જરૂર પડી શકે છે. આવશ્યકતા હોય ત્યારે કોઈની મદદ લેજો. મોટી ઉંમરના જાતકોએ તબિયત સાચવવા પર ધ્યાન આપવાની જરૂર છે.
જીવનસુધાર માટે સૂચનઃ આગળ વધવું હોય તો ભૂતકાળને ભૂલી જજો. દરેક પરિવર્તન અને પડકારનો સામનો શ્રદ્ધા અને આત્મવિશ્વાસ સાથે કરજો. તમારા કાબૂમાં ન હોય એવી પરિસ્થિતિઓમાં અકળાયા વગર શાંતિથી કામ લેજો.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
તમારે જે આંકડાઓ કે માહિતીનો ઉપયોગ કરવાનો હોય એની બે વાર ચકાસણી કરી લેજો, જેથી તમને જે જોઈતું હોય એ જ તમારી પાસે હોય. સ્વજનો સાથે શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની દલીલોમાં ઊતરતા નહીં.
જીવનસુધાર માટે સૂચનઃ પોતાની સામેના પડકારોનો સામનો કરવા માટે નવો માર્ગ પસંદ કરવો પડશે. આદતવશ અથવા ભયભીત થઈને કોઈ પણ પ્રતિક્રિયા કરતા નહીં, કારણ કે એમ કરવાનો કોઈ જ અર્થ નહીં હોય.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
કામધંધાને લગતા સંદેશવ્યવહારમાં ત્વરા કરજો અને કોઈ પણ વિગત આપવાનું રહી જાય નહીં એની તકેદારી લેજો. ઘરમાં કોઈ પણ પ્રકારનું રિનોવેશન કરાવી રહ્યા હો તો બજેટ કરતાં વધુ ખર્ચ કરતા નહીં.
જીવનસુધાર માટે સૂચનઃ કોઈ પણ સમસ્યાનો હલ અત્યારે ભલે સામે દેખાતો ન હોય, તમે એવો વિશ્વાસ રાખજો કે એનો ઉત્તમ ઉકેલ આવશે. તમારે જે કરવાની જરૂર હોય એ બધું જ કરજો, ફક્ત ચિંતા કરતા નહીં.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
ખાસ કરીને મિત્ર કે સ્વજનની વાતોથી ચીડ ચડે એવી પરિસ્થિતિ હોય તો બોલવામાં સાચવજો. મોટી ઉંમરના જાતકોએ તબિયત સંભાળવાની જરૂર છે.
જીવનસુધાર માટે સૂચનઃ કાર્યોની પ્રાથમિકતા નક્કી કરવામાં મુશ્કેલી નડી રહી હોય તો વિચારોને કાગળ પર ઉતારી દેવાનો રસ્તો ઉત્તમ બની રહેશે. કોઈ પણ બાબતથી વિચલિત થઈને પોતાના માર્ગ પર ચાલવાનું છોડતા નહીં.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
તમારે કોઈક પરિસ્થિતિમાં નવો અભિગમ અપનવવો પડશે અને ઉત્તમ નિર્ણય લેવા માટે દરેક વિકલ્પ પ્રત્યે મોકળું મન રાખવું પડશે. દોસ્તી નિભાવવા અને સંબંધો ટકાવી રાખવા માટે સારો સમય છે.
જીવનસુધાર માટે સૂચનઃ જીવનની સકારાત્મક બાજુ જોવાનું રાખજો. કોઈ રમૂજી ફિલ્મ જોવી કે હાસ્ય ઊપજાવનારું પુસ્તક વાંચવું એ પ્રવૃત્તિઓ સારી રહેશે. તમારા નિયંત્રણમાં ન હોય એવી બાબતો વિશે વધુ વિચાર કરતા નહીં.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
જરૂર પડે ત્યારે ચોક્કસ બોલજો અને પરિસ્થિતિમાંથી ઉત્તમ માર્ગ કાઢવા માટે મુત્સદ્દીપણાનો ઉપયોગ કરજો. તમે ભલે ગમેતેટલા વ્યસ્ત હો, વ્યાયામ માટે સમય કાઢજો.
જીવનસુધાર માટે સૂચનઃ કોઈ અલૌકિક શક્તિ કામ કરી રહી છે એવું હંમેશાં ધ્યાનમાં રાખજો. ક્યારેક એવું બનતું હોય છે કે પોતાના જીવનમાં બની રહેલી ઘટનાઓ પાછળનું કોઈ જ કારણ ખબર ન પડે.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
કોઈ એક પરિસ્થિતિમાં તમારે ત્વરિત પગલાં ભરવાની જરૂર પડી શકે છે. આથી તમારે શું કરવું જરૂરી છે એનો સ્પષ્ટ ખયાલ રાખવો. ખર્ચ કરવાને બદલે રોકાણ કરવા પર લક્ષ આપજો.
જીવનસુધાર માટે સૂચનઃ દરેક નાની-નાની બાબતમાંથી સુખ શોધી લેજો. ભવિષ્યમાં કોઈ બાબત તમને સુખ પહોંચાડશે એવી અપેક્ષા રાખવાને બદલે હાલ જે મળ્યું છે એને જ સુખ માનજો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
ધીરજ રાખીને ખંતપૂર્વક કામ કરશો તો એનું ફળ ચોક્કસ મળશે. ખાણીપીણીની બાબતે નાના-નાના ફેરફારો અસરકારક બની રહેશે. વિકલ્પોમાંથી પસંદગી કરતી વખતે વિચારોમાં સ્પષ્ટતા રાખજો.
જીવનસુધાર માટે સૂચનઃ જીવનમાં નવી તકો અને નવી શરૂઆત કરવાથી તમારી સામે નવા વિશ્વની બારીઓ ઊઘડશે, પરંતુ એના માટે તમારે પ્રતિબદ્ધતા અને શિસ્ત રાખવી પડશે.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
મોટી કંપનીઓમાં કામ કરનારા જાતકોએ કંપનીની કાર્યપદ્ધતિનું અચૂકપણે પાલન કરવું. જો હાડકાં નબળાં પડવાની સમસ્યા શરૂ થઈ હોય તો પીઠની કાળજી લેજો.
જીવનસુધાર માટે સૂચનઃ કોઈ લક્ષ્ય હાંસલ કરવા માટે તમારે આયોજન અને એકાગ્રતા રાખવાની જરૂર છે. તમારે થોડો ત્યાગ કરવો પડશે, પરંતુ આખરે એનું પરિણામ ઘણું સારું આવશે.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
મિત્રો કે સ્વજનો સાથે પણ અંગત જીવન વિશે વાતો કરવાનું ટાળજો અને પડકારભરી પરિસ્થિતિને વિનાકારણ જટિલ બનાવતા નહીં. જે કરવાની જરૂર હોય એ ચોક્કસ કરજો.
જીવનસુધાર માટે સૂચનઃ ભવિષ્યનો ડર સતાવતો હોય તો એ છોડી દેજો અને હાલ જે કરવાની જરૂર હોય એ બધું જ કરજો. તમે યોગ્ય માર્ગ અપનાવશો તો તમે ખરાબમાં ખરાબ ધારેલી પરિસ્થિતિ પણ બદલાઈ શકે છે.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
જીવનમાંથી કોઈ વ્યક્તિ કે કોઈ પરિસ્થિતિને દૂર કરવા વિશેનો મોટો નિર્ણય લેતાં પહેલાં પોતાની પાસે તમામ આવશ્યક માહિતી ભેગી કરી લેજો. પૂરતું પાણી પીવાનું રાખજો.
જીવનસુધાર માટે સૂચનઃ કોઈ એક પરિસ્થિતિમાં તમારે બે ડગલાં પાછળ જઈને તટસ્થપણે વિચાર કરવાની જરૂર જણાય છે. તમે લાગણીઓમાં તણાઈ જવાને બદલે બૃહદ્ ચિત્ર નજર સામે રાખશો તો સારું રહેશે.

