વિક્રમ સંવત ૨૦૮૨ તુલા (ર, ત)નું કેવું જશે એ વાંચો અહીં
તુલા
તુલા (ર, ત)
वृषतुरंगमविक्रमविक्रमन्द्विजसुरार्चनदानमनाः पुमान् ।
शशिनि तौलिगते बहुदारभाग्विभवसंभवसंचितविक्रमः ।।
ADVERTISEMENT
જન્મ સમયે તુલા રાશિમાં ચંદ્ર હોય તો તેવા જાતકો બળદ, ઘોડા વગેરે વાહન રાખવાવાળા, પરાક્રમી ઉપરાંત દેવ અને બ્રાહ્મણ વગેરેના ભક્ત, સારા દાનવીર, ઘણી પત્નીઓ ધરાવનારા અને વૈભવવાન તથા સંચિત પુણ્યથી સુખી હોય છે.
નૂતન વિક્રમ સંવતની આપને ઘણી શુભેચ્છાઓ. આ વર્ષમાં સર્વ પ્રકારે તમારી પ્રગતિ થાય એવી ગણેશજીનાં ચરણોમાં પ્રાર્થના. તુલા રાશિ માટે આ વર્ષ પ્લાનિંગ અને અમલ માટે સમર્પિત છે. આ વર્ષનું ફળકથન સૂચવે છે કે એક વાર તમે કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવાનું નક્કી કરી લો તો કોઈ તમને રોકી શકશે નહીં. આ વર્ષમાં ઉતાવળ તમારા માટે દુશ્મનનું કાર્ય કરી શકે છે. જો તમે સારાં પરિણામો ઇચ્છતા હો તો સાવચેત રહેવું અને ધીરજ રાખવી. તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું અને આગળ વધતા રહેવું. એવાં કોઈ વચનો આપવાં નહીં જે તમે પૂરાં કરી શકો નહીં. આ વર્ષમાં નક્ષત્રો તમારા જીવનમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ અને ખુશી દર્શાવે છે. આ વર્ષે તમે ઘણા નવા પાઠ શીખશો જે ભવિષ્યમાં જીવનમાં કેટલાક કઠિન સમયનો સામનો કરવામાં તમને મદદ કરી શકે છે. તમે જીવનશૈલીમાં જે ફેરફાર કર્યા છે એ ફાયદાકારક સાબિત થશે. ઘર, દુકાન અથવા અન્ય કોઈ પણ મિલકત ખરીદવાનું તમારું સ્વપ્ન સાકાર થઈ શકે છે. ભલે તમારે લોન લેવી પડે, પણ તમારી પાસે સ્વપ્નને સાકાર કરવા માટે પૂરતું બજેટ રહેશે. તમારે સાવધ રહેવું પડશે કારણ કે નિયમોનું ઉલ્લંઘન કરવાથી તમને નુકસાન થઈ શકે છે. તમારે કાનૂની બાબતો પર ચાંપતી અને સીધી નજર રાખવી પડશે. જો કાર્યમાં કોઈ અડચણ આવે તો ચિંતા ન કરવી, પરંતુ વધુ મહેનત કરવી જેનાથી તમને ચોક્કસ સફળતા મળશે. તમે ઘણી વખત ધાર્મિક યાત્રા માટે જશો અને તમારા મનને હળવું કરવામાં સફળ થશો. નવા કાર્ય કરવા માટે આ વર્ષ સારું રહેશે. તમારી અપેક્ષાઓ પૂર્ણ થશે અને સારી નોકરી મેળવવાનું તમારું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે. તમે જ્યાં કાર્ય કરો છો ત્યાં તમને પ્રમોશન મળી શકે છે. વિદેશ મુસાફરીની સારી તકો મળશે. વિદેશમાં વ્યવસાયમાંથી સારો નફો જોવા મળી રહ્યો છે. તમે કાર્ય કરવાની યોજનાને આગળ વધારવામાં સફળ થશો. તમે તમારા કેટલાક મિત્રો સાથે કેટલીક નવી યોજના બનાવશો અને નવો વ્યવસાય પણ શરૂ કરી શકશો. વર્ષની શરૂઆતમાં મુસાફરી કરવાની થશે. પ્રથમ ત્રણ મહિનામાં ઘણી યાત્રાઓ થશે. તમને દરેક કાર્યમાં મિત્રોનો સહયોગ મળશે અને ઑફિસના કર્મચારીઓ પણ તમને સહયોગ આપી શકે છે. દરેક કાર્યમાં જુગાડ કરવો યોગ્ય નથી. તમારે આ આદતમાંથી બહાર આવવું પડશે અન્યથા તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. જો તમે તમારા મનની કોઈ ઇચ્છાને દબાવી રહ્યા છો તો હમણાં જ ઇચ્છાને વ્યક્ત કરવી, આ વર્ષે એ પૂર્ણ થઈ શકે છે. દિલથી કોઈનું ખરાબ ન કરવું, અન્યથા તમારે પણ ખરાબ સહન કરવું પડશે.
પ્રણય અને સંબંધો
તમારે સંબંધોની બાબતમાં ખૂબ કાળજી રાખવી પડશે. મુશ્કેલીમાં મુકાયેલા સંબંધો આખા વર્ષ દરમિયાન ચિંતાનું કારણ બની શકે છે. ઉતાવળ કરવી નહીં. શાંતિ અને ધીરજ રાખવી અને સમય પસાર થવા દેવો. જુદા-જુદા લોકો પ્રત્યેનો તમારો ઝુકાવ અને તેમના પ્રત્યેની તમારી ઉદાસી પણ સંબંધોમાં ખલેલ પહોંચાડવાનું કારણ બની શકે છે. બે અલગ-અલગ જણની તુલના કરવી નહીં અને તમારે સમજવું જોઈએ કે દરેક વ્યક્તિમાં તમને પસંદ ન પણ હોય એવી કેટલીક લાક્ષણિકતાઓ હોય છે. કોઈની પણ કોઈ બાબત જેની તમે પ્રશંસા નથી કરતા તેના માટે નફરત કરવાને બદલે તેમનાં સકારાત્મક પાસાં જોવાં અને શરૂઆતમાં તમે કઈ બાબતોથી તેમના તરફ આકર્ષાયા હતા એ વાતો યાદ રાખવી. આનાથી આ વર્ષે તમારા સંબંધોમાં તનાવ અને કૌટુંબિક સંબંધોમાં સમસ્યાઓ ટાળવામાં મદદ મળશે.
નાણાકીય બાબતો
નાણાકીય બાબતો આ વર્ષે તમને ખુશીઓથી ભરી દેશે. તમારું મિલકત ખરીદવાનું સ્વપ્ન સાકાર થતું જોવા મળી શકે છે. તમે ઘર ખરીદવા ઇચ્છતા હો કે દુકાન કે રહેણાક મિલકત, તમે આ વર્ષે બધું જ મેળવી શકો છો કારણ કે તમારી પાસે નાણાંની કોઈ અછત રહેશે નહીં અને એક યા બીજા પ્રકારે નાણાં આવતાં રહેશે. જો તમે નોકરી કરતા હો તો નોકરીમાં પ્રમોશનને કારણે તમારા હાથમાં નાણાં રહેશે અને તમે લોન લઈને પણ મિલકત ખરીદવામાં સફળ થઈ શકો છો. વર્ષની શરૂઆતમાં તમારે લાંબી મુસાફરી અને ટૂંકી મુસાફરી પર ખર્ચ કરવો પડશે, પરંતુ એવું કોઈ કામ કરવું નહીં જે આ વર્ષે નાણાંના અભાવે પૂર્ણ ન થઈ શકે. જો તમારો વિદેશમાં વ્યવસાય છે તો આ વર્ષ તમારા માટે મોટા ચેક લાવશે.
નોકરી અને વ્યવસાય
નોકરીમાં તમને પ્રમોશન મળી શકે છે. સારી નોકરી મેળવવાના તમારા પ્રયાસો પણ સફળ થઈ શકે છે. જો તમે સ્થળાંતર કરવાનું વિચારી રહ્યા છો તો તમારે થોડી રાહ જોવી પડી શકે છે. સ્વાભાવિક રીતે તમારે પડકારોનો સામનો કરવો પડશે. સપ્ટેમ્બર મહિનો આવકની દૃષ્ટિએ ખાસ ફાયદાકારક રહેશે. જોકે વર્ષના મધ્યમાં તમને નિરાશાનો સામનો કરવો પડી શકે છે. તમારા સાથીઓ અથવા ઑફિસના સાથીઓ તમને ટેકો ન આપી શકે અને એ નિરાશાનું કારણ બની શકે છે. જો તમે કોઈ વ્યાવસાયિક અભ્યાસક્રમ અથવા તમારી પસંદગીની કૉલેજમાં પ્રવેશ લેવા ઇચ્છતા હો તો તમે એમાં સફળ થઈ શકો છો. આ વર્ષ વ્યવસાયમાં સફળતાની નવી શક્યતાઓ અને તકો લાવશે. તુલા રાશિના આ વર્ષના ફળકથન અનુસાર તમારો વ્યવસાય ખીલશે. આવનારું વર્ષ મહાન તકોથી ભરેલું રહેશે, પરંતુ સફળતા તમે એનો ઉપયોગ કેવી રીતે કરો છો એના પર નિર્ભર છે. સંઘર્ષ અથવા પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે આ પડકારો તમારા માટે કઈ તકો લાવે છે એ જોવાનો પ્રયાસ કરવો. ચિંતા કરવી એ ઉકેલ નથી. જો જરૂરી હોય તો તમારી ધારણા બદલવી, પરંતુ પડકાર અથવા પરિવર્તનનો પ્રતિકાર ન કરવો.
અભ્યાસ
વિદ્યાર્થીઓ માટે નક્ષત્રો સારા સંકેતો આપી રહ્યાં છે. રાહુનો પ્રભાવ તમને દરેક સમસ્યામાંથી બહાર નીકળવામાં સફળ બનાવશે. ઘણી કઠિન ગણતરીઓ તમને સરળ લાગશે અને તમે આ વર્ષે શિક્ષણમાં ધરમૂળથી પરિવર્તન અનુભવશો. તમારી અભ્યાસ કરવાની રીત પણ બદલાશે. તમે કેટલીક નવી રીતે અભ્યાસ કરવા ઇચ્છતા હશો. તમે સોશ્યલ મીડિયાનો લાભ લેવા ઇચ્છતા હો તો યુટ્યુબ કે અન્ય કોઈ ચૅનલ પરથી અભ્યાસ કરવાનો પ્રયાસ કરો અને તમને સકારાત્મક પરિણામો પણ જોવા મળશે. આ વર્ષે સ્પર્ધામાં સારી સફળતા મળવાની પ્રબળ શક્યતા છે. તમારા મિત્રો અભ્યાસમાં તમારો સાથ આપી શકે છે અને તેઓ પણ તમારી સાથે અભ્યાસ કરીને સારું પ્રદર્શન કરી શકે છે. આ વર્ષે ઉચ્ચ શિક્ષણમાં તમે ખૂબ સારાં પરિણામો મેળવી શકો છો.
સ્વાસ્થ્ય
આ વર્ષે તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો. જોકે નકારાત્મક વિચારો તમારા મનને અસર કરી શકે છે જે થાક અને તનાવ તરફ તમને દોરી શકે છે. તમારે યોગ્ય ખોરાક લેવા પર ધ્યાન આપવું જોઈએ અને તમારા શ્વસન પર ધ્યાન આપવું કારણ કે શ્વસનને લગતી સમસ્યાઓ તમને વ્યથિત કરી શકે છે. આંખોને લગતી કેટલીક સામાન્ય સમસ્યાઓ વર્ષ દરમિયાન થોડા સમય માટે અસર કરી શકે છે પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી, કારણ કે સામાન્ય સારવારથી પણ તમે ઘણી રાહત મેળવશો. તમારાં બાળકોનું સ્વાસ્થ્ય તમારા માટે વધુ ચિંતાનો વિષય રહેશે. તેમને તબીબી સંભાળની જરૂર પડી શકે છે. નાના મુદ્દાઓ અથવા તનાવને તમારા અને તમારા પરિવાર વચ્ચે તિરાડનું કારણ બનવા દેવું નહીં અન્યથા આ તિરાડ દરેકના સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિને અસર કરી શકે છે.

