Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > વિશ્વકર્માએ એક જ રાતમાં બનાવ્યું હતું વિષ્ણુનું આ મંદિર

વિશ્વકર્માએ એક જ રાતમાં બનાવ્યું હતું વિષ્ણુનું આ મંદિર

Published : 17 May, 2026 02:24 PM | IST | Mumbai
Alpa Nirmal

આજે મલમાસ (અધિક મહિનો) બેસી ગયો છે અને આ પવિત્ર માસમાં ધર્મસ્થાનોની યાત્રા, પવિત્ર નદીઓમાં સ્નાન, દાન, ઉપવાસ આદિ ધર્મકાર્ય કરવાનું વિશેષ ફળદાયી છે આથી આપણે કરીએ જાંજગીરના વિષ્ણુ મંદિરની માનસયાત્રા, પણ એ પૂર્વે પુરુષોત્તમ માસ વિશે થોડુંક.

વિષ્ણુ મંદિર

વિષ્ણુ મંદિર


પુરુષોત્તમ માસ શરૂ થઈ ગયો છે એ અન્વયે આજે જઈએ એવા વિષ્ણુ મંદિરે જેમાં ભગવાનની મૂર્તિ નથી કે નથી અહીં પ્રભુની પૂજા થતી છતાં આ મંદિરનું મહત્ત્વ વિશેષ છે, કારણ કે આ દેવળની સ્થાપત્યકળા અપ્રતિમ છે. છત્તીસગઢના રાયપુર નજીક જાંજગીરનું વિષ્ણુ મંદિર ૧૧મી સદી દરમ્યાન બન્યું છે. જોકે સ્થાનિક કિંવદંતીઓ તો એને મહાભારતકાળનું ગણાવે છે

૨૦૦૦ના સાલની ૧ નવેમ્બરે ગઠન થયેલા છત્તીસગઢ રાજ્ય વિશે મુંબઈગરા પાસે બહુ લિમિટેડ માહિતી છે. કદની દૃષ્ટિએ નવમા ક્રમાંકે આવતા આ રાજ્યની રાજધાની રાયપુર છે. છત્તીસગઢને દેશનો રાઇસ બૉલ કહેવાય છે. રાજ્યમાં મિનરલ્સ અને ખન‌િજોનો મોટો ભંડાર છે તથા એ વિકાસશીલ રાજ્યોમાંનું એક છે. બસ, ધૅટ્સ ઇટ. છત્તીસગઢની એથી વિશેષ જાણકારી નથી. અલબત્ત આ રાષ્ટ્ર પાસે ૪૪ ટકા વનભૂમિ છે, વનસ્પતિ, જીવોની સમૃદ્ધ સંપદા છે. નૅચરલ સીનરીઝ છે. અરે ભારતનો નાયગરા કહેવાતો ચિત્રકૂટ વૉટરફૉલ્સ અહીં છે, યુનિક આદિવાસી અને આર્ટિસ્ટિક કલ્ચર છે. સંગીત નૃત્ય-તહેવારો, રહેણીકરણીમાં નવીનતા છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ રાજ્યમાં ૭થી ૧૧મી સદી દરમ્યાન બનેલું ભોરમદેવ મંદિર, ઉપરાંત દાંતેશ્વરી શક્તિપીઠ, રાજિમલોચન મંદિર, મહામાયા મંદિર, શિરપુરનાં હિન્દુ, જૈન, બૌદ્ધ મંદિરો, બામ્બલેશ્વરી મંદિર તથા જાંજગીરના અદ્ભુત વિષ્ણુ મંદિર જેવાં પૌરાણિક અને અનેક પ્રાચીન મંદિરો છે જે ધાર્મિક દૃષ્ટિએ તો અદકેરાં છે અને સાથે સ્થાપત્યની દૃષ્ટિએ ૨૪ કૅરેટ સોના જેવાં મૂલ્યવાન છે.



આજે મલમાસ (અધિક મહિનો) બેસી ગયો છે અને આ પવિત્ર માસમાં ધર્મસ્થાનોની યાત્રા, પવિત્ર નદીઓમાં સ્નાન, દાન, ઉપવાસ આદિ ધર્મકાર્ય કરવાનું વિશેષ ફળદાયી છે આથી આપણે કરીએ જાંજગીરના વિષ્ણુ મંદિરની માનસયાત્રા, પણ એ પૂર્વે પુરુષોત્તમ માસ વિશે થોડુંક.




નૅશનલ હાઇવે-49 પર આવેલા જાંજગીર-ચંપા વિસ્તારના ૧૦થી ૨૫ કિલોમીટરના પરિઘમાં અનેક મંદિરો છે જેમાં લક્ષ્મણેશ્વર મંદિર પૌરાણિક છે.

હિન્દુ કૅલેન્ડરમાં દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે. એની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે વેદિક પંચાંગમાં સૂર્ય અને ચંદ્રનાં બે ભિન્ન કૅલેન્ડર છે. એ અનુસાર સૂર્ય એની ગતિ મુજબ એનું ગ્રહક્ષેત્ર ૩૬૫ દિવસમાં પૂર્ણ કરે છે અને ચંદ્રની સ્પીડ ઝડપી છે. એ ૩૫૪ દિવસમાં ગ્રહક્ષેત્ર પૂર્ણ કરી લે છે. આ રીતે દર વર્ષે ૧૧ દિવસનો વધારો થાય છે. આમ બે વર્ષ, ૮ મહિના, ૧૬ દિવસ અને ૪ કલાક પછી એક આખા મહિનાનો કાળ એકત્રિત થઈ જાય છે. સોલર અને લુનર કૅલેન્ડરના વચ્ચેના આ અંતરનું સંતુલન કરવા દર ૩૩ મહિનાના અંતે વેદિક કૅલેન્ડરમાં અધિક મહિનો આવે  છે. હવે આ અધિક મહિનાને મલમાસ તથા પુરુષોત્તમ માસ શા માટે કહેવાય છે એની કથા માંડીએ. આપણી પૌરાણિક સંસ્કૃતિમાં દરેક મહિનો કોઈ દેવ કે દેવીને સમર્પિત હોય છે. હવે જ્યારે આ અધિક મહિનો પ્રગટ થયો ત્યારે એનાં કોઈ અધિષ્ઠાત્રી દેવી કે દેવ હતાં નહીં. એક તો એ એક્સ્ટ્રા અને બારેબાર મહિનાના થોડા-થોડા અંશમાંથી નિર્માણ પામ્યો હતો એથી એ મલમાસ કહેવાયો. વળી આ દિવસોમાં કોઈ તહેવાર કે શુભ મુહૂર્ત કે સારો સંયોગ પણ નહોતો થતો.  પવિત્ર કાર્યો પણ વર્જિત હતાં એથી કોઈ દેવી-દેવતા આ મહિનાનાં નાયક બનવા તૈયાર ન થયાં. ત્યારે ભગવાન વિષ્ણુએ આ માસનો હાથ ઝાલ્યો અને અધિક મહિનાને નામ મળ્યું પુરુષોત્તમ માસ. સો, આ મહિનામાં પુરુષોમાં ઉત્તમ, દેવોમાં સર્વોત્તમ વિષ્ણુજીની આરાધના, ઉપાસના, સાધના કરવાનું પ્રમાણ છે.


આપણી ‘તીર્થાટન એક્સપ્રેસ’ તૈયાર જ છે એટલે લેટ્સ ગો જાંજગીર. અહીં ૧૧મી શતાબ્દીમાં બનેલું અનુપમ વિષ્ણુ મંદિર છે. મંદિર વિષ્ણુ ભગવાનને જ ડેડિકેટેડ છે, ઍન્ડ મંદિરની અંદર-બહારની શિલ્પકળા, મૂર્તિઓ એની સાબિતી આપવા આજે પણ અડીખમ ઊભી છે, પરંતુ એ બન્યું ત્યારથી એમાં ભગવાનની પૂજા-અર્ચના થઈ નથી અને આજે પણ નથી થતી, કારણ કે આ દેવાલય ત્યારથી અધૂરું જ છે. મંદિરની ટોચે શિખર બેસાડાયું જ નથી. બનેલું શિખર મંદિરથી ૫૦૦ મીટરના અંતરે અન્ય સ્થાપત્યરૂપે સ્થિત છે. એનું કારણ જાણવા માટે બે કથા વાંચવી પડશે. સ્થાનિક લોકોમાં લોકકથા પ્રસિદ્ધ છે એ મુજબ આ મંદિરના શિલ્પી પાંચ પાંડવમાંના એક ભીમ હતા. આ ભીમ અને સૃષ્ટિના શિલ્પી કહેવાતા વિશ્વકર્મા વચ્ચે એક પ્રતિયોગિતા યોજાઈ કે એક રાતની અવધિમાં કોણ આખા મંદિરનું નિર્માણ પહેલું કરી શકે. બેઉ બળિયાઓએ કાર્ય આરંભ્યું. કહેવાય છે કે મંદિર બનાવતી વખતે ભીમના હાથમાંથી વારંવાર હથોડી અને છીણી જેવાં ઓજાર  નીચે પડી જતાં ત્યારે તેમનો હાથી એ ઓજાર નીચેથી ઉપાડીને ભીમને હાથમાં આપતો. અનેક વખત આવું થયા બાદ એક વખત એ ઓજાર બાજુના તળાવમાં પડી ગયાં જે તળાવ ભીમે ફક્ત પાંચ પાવડાથી ખોદેલું. એ વિશાળ તળાવમાંથી પેલાં સાધનો ગજરાજ ખોળી ન શક્યો અને સૂર્યોદય થઈ ગયો. આમ ભીમનું મંદિર અધૂરું રહી ગયું અને મહાન શિલ્પી વિશ્વકર્મા શરત જીતી ગયા. હારી જવાથી ગદાધારી ભીમ ગુસ્સે થઈ ગયા અને તેમણે ત્યાં જ હાથીનો વધ કરી નાખ્યો. જે પૂતળું બનીને મંદિર-પરિસરમાં પડી ગયો. આજે પણ હાથીનું અડધું શિલ્પ અહીં જોવા મળે છે.

હવે બીજી પ્રચલિત જનશ્રુતિની વાત કહીએ તો એક વખત શિવરીનારાયણ મંદિર અને જાંજગીરના આ મંદિરના નિર્માણમાં કૉમ્પિટિશન હતી કે છૈમાસી રાતના સમયાવધિ દરમ્યાન જે દેવાલયનું કાર્ય પહેલાં પૂર્ણ થઈ જશે એ દેવળમાં સ્વયં નારાયણ ભગવાન પ્રતિષ્ઠિત થઈ જશે. આ હરીફાઈ કોઈ વ્યક્તિ વચ્ચે હતી કે દેવ વચ્ચે એની કોઈ જાણકારી નથી, પણ પ્રતિસ્પર્ધાને અંતે જાંજગીરનું આ મંદિર અધૂરું રહી ગયું અને હારી ગયું. શિવરીનારાયણ મંદિર પૂર્ણ થઈ ગયું અને ભગવાન એમાં પ્રવિષ્ટ થઈ ગયા. અન્ય એક કથા કહે છે કે આ વિષ્ણુ મંદિરની બાજુમાં રહેલું શિવ મંદિર જ વિષ્ણુના મંદિરનો શિખરનો ભાગ છે જે જોડાયો નથી.



જાંજગીરની મધ્યમાં આવેલા ભીમ તળાવ વિશે માન્યતા છે કે આ વિશાળ સરોવર બળવાન ભીમે ફક્ત પાંચ વખત આ જમીન પર પાવડા મારીને ખોદી નાખ્યું હતું. 

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

જાંજગીર-ચંપા જિલ્લો છત્તીસગઢ રાજ્યનો એક જિલ્લો છે. જિલ્લાનું મુખ્યાલય જાંજગીર કલ્ચુરી વંશના મહારાજ જાજ્વાલ્ય દેવનું નગર છે. તો ચંપા શહેરનું નામ રાજા વીર બહાદુરના ઘોડા ચંપક પરથી રખાયું છે. આ ચંપા શહેર જવા મુંબઈ-હાવડા લાઇન પર ચાલતી ભુવનેશ્વર સુપફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર એક્સપ્રેસ, હાવડા મેલ જેવી ટ્રેનો મળે છે જે ડાયરેક્ટ ચંપા જંક્શને ઉતારે છે. ઍન્ડ ચંપાથી વિષ્ણુ મંદિર જસ્ટ ૧૦ કિલોમીટરનાં અંતરે છે જ્યાં જવા રિક્ષા મળી રહે છે. હવાઈ માર્ગે જવું હોય તો મુંબઈથી રાયપુરની ફ્લાઇટ લેવાની રહે અને રાયપુરથી જાંજગીરનું અંતર ૧૪૭ કિલોમીટર છે.

ચંપા-જાંજગીર રૂટ પર થ્રીસ્ટારથી લઈને નાની-નાની અનેક હોટેલો છે અને એ હોટેલોમાં રેસ્ટોરાંઓ પણ હોય છે. અન્યથા હાઇવે પર ધાબા મળી રહે છે જે ભારતીય વેજિટેરિયન ખાણું પીરસે છે તથા અહીંની લોકલ ડિશ આલૂ બોંડા તથા સમોસા પીરસતી અનેક લારી-ખૂમચા શહેરભરમાં મળી રહે છે.

ખેર, નાનું ગામ ને એની અવનવી વાતો. બાકી, ભારતનું પુરાતત્ત્વ ખાતું કહે છે કે મંદિરના એક પથ્થર પર પ્રાપ્ય શિલાલેખ પર આલેખાયા મુજબ આ મંદિર કલ્ચુરી રાજવીઓના સામ્રાજ્યના જાજ્વલ્ય દેવ પ્રથમે એનું નિર્માણ કરાવ્યું છે. જોકે મંદિર અધૂરું જ બન્યું કે ધ્વસ્ત થઈ ગયું એ વિશે કોઈ સ્પષ્ટીકરણ નથી, પરંતુ એ કાળખંડમાં આ વિસ્તારમાં કલ્ચુરી રાજ્યવંશનો સૂર્ય સોળે કળાએ ખીલેલો હતો અને એ દરમ્યાન અહીં વિવિધ વિસ્તારોમાં મંદિરોનાં નિર્માણ થયાં હતાં, પરંતુ હવામાનની થપાટ, ભૌગોલિક પરિવર્તન, વિદેશી આક્રમણ અને આપણી પ્રજાની અવગણનાને કારણે આજે એ મંદિરના અવશેષો જ રહી ગયા છે. જોકે આ મંદિરનું ગર્ભગૃહ એ દૃષ્ટિએ હજી મજબૂત રીતે ઊભું છે. પૂર્વાભિમુખી આ મંદિર નાગરશૈલીનું છે. ઊંચો ઓટલો અને મજબૂત પ્લીન્થ તથા દીવાલો, ગુંબજ અને એના પર ઉકારાયેલી અલંકરણયુક્ત પ્રતિમાઓ તત્કાલીન મૂર્તિકલા મુજબની છે. ગર્ભગૃહની બેઉ બાજુ ગંગા-યમનામૈયા તથા દ્વારપાલ જય-વિજયની મૂર્તિઓ. એ ઉપરાંત બ્રહ્મા, વિષ્ણુ, મહેશની ત્રિમૂર્તિ, ગરુડાસન વિષ્ણુજી, રામાયણનાં અનેક દૃશ્યો, વિષ્ણુજીના વિવિધ અવતાર તથા ગણપતિ, કુબેરદેવ, સરસ્વતીમાતા તેમ જ સંગીતનાં વાદ્યો બજાવતી દેવાંગનાઓ, મંદિરની પાછલી દીવાલ પર સપ્ત ઘોડાના રથ પર સવાર સૂર્યદેવ, કૃષ્ણકથાના દૃશ્યોનાં સુરેખ શિલ્પો જોઈને ખરેખર એવું થાય છે કે આજના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) કરતાં આપણા પૂર્વજો પાસે અતિ પાવરફુલ ઓરિજિનલ ઇન્ટેલિજન્સ (OI) હતું. ટાંચાં સાધનો, લિમિટેડ રિસોર્સિસમાં પણ તેઓએ જે સ્થાપત્યની સમૃદ્ધિ આપણને ભેટ કરી છે એવાં સ્થાપત્યો આજે બનવાં અતિમુશ્કેલ છે.

મંદિરની નીચેની બાજુની મૂર્તિઓનું સ્ટ્રક્ચર અને ડિઝાઇન થોડાં શિખાઉ કક્ષાનાં છે, કારણ કે  વીજળી પડવાથી મંદિરનો આ ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો અને એની ઉપરનાં શિલ્પો ઊખડીને દૂર ફેંકાઈ ગયાં હતાં, પરંતુ ગ્રામજનોએ એ શિલ્પોને ભેગાં કરીને પોતાની રીતે ફરી એ ભાગ સિમેન્ટ વડે અહીં જડી નાખ્યાં હતાં એથી આ ભાગ થોડો અસમથળ લાગે છે. એમ તો મંદિરની શૈલી પ્રમાણે એનો રંગમંડપ પણ તૂટી ગયો હોય એવું ભાસે છે. આજે આ આખો કળાનો નમૂનો આર્કિયોલૉજી ડિપાર્ટમેન્ટ પાસે છે અને તેઓ એની દેખરેખ અને મરમ્મત કરે છે. મંદિરનું મુખ્ય દ્વાર મોટા ભાગે બંધ રહે છે. ક્યારેક પુરાતત્ત્વ વિભાગના ઑફિસરો એની તપાસ કરવા કે રિસ્ટોરેશન માટે આવ્યા હોય તો અંદરનું ગર્ભગૃહ ખુલ્લું રહે છે અન્યથા સહેલાણીઓએ મંદિરને બહારથી જોવાનું રહે છે. મંદિરની બહાર સરસ ગાર્ડન અને નજીકમાં જ ભીમ તળાવ છે જેની ફરતે નાજુક પગદંડી બનાવાઈ છે તથા તળાવમાં બોટિંગ પણ શરૂ થયું છે. મંદિરની બાજુમાં જ શિવજીનું પ્રાચીન મંદિર પણ છે.


જાંજગીર-ચંપાની નજીકમાં દલ્હા પહાડ ફેમસ સાઇટ સીઇંગ સ્પૉટ છે. પર્વતની ટોચ પરથી આખા વિસ્તારનો નઝારો જોવા મજાનું થઈ પડે. એ સાથે અહીંનો દેવધારા વૉટરફૉલ તથા કુદરી બૅરેજ વેરી પૉપ્યુલર.

અનેક તીર્થાટનપ્રેમીઓને મનમાં પ્રશ્ન થશે કે અહીં કોઈ ભગવાન નથી, નથી ક્યારેય અહીં કોઈ પૂજા થઈ તો આ મંદિરમાં જવું કેમ? એ સર્વે જિજ્ઞાસુઓને જાણ થાય કે આવાં સોનેરી સ્થાપત્યો આપણી સંસ્કૃતિનાં અમૂલ્ય પ્રતીક છે. એની રક્ષા, સંભાળ તથા માવજત પ્રભુની પૂજા-અર્ચના જેટલી જ પવિત્ર છે.

Whatsapp-channel Whatsapp-channel

17 May, 2026 02:24 PM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK