આજે પણ લોકોને કહેતા સાંભળશો : ‘ફલાણો ગ્રંથ મોટો કે તમે મોટા?’ ‘ફલાણા આચાર્ય મોટા કે તમે મોટા?’ કે પછી ‘શું પૂર્વજો ગાંડા હતા?’
સ્વામી સચ્ચિદાનંદ
ચિંતન જેમ-જેમ પ્રાચીન કાળના ઊંડાણ સાથે જડબેસલાક બંધાઈ જાય છે એમ-એમ એ પ્રજાને નવીનતા તથા મૌલિકતાથી વંચિત કરીને સેંકડો વર્ષ પૂર્વ સાથે સ્થગિત કરી દેતું હોય છે. આજે પણ લોકોને કહેતા સાંભળશો : ‘ફલાણો ગ્રંથ મોટો કે તમે મોટા?’ ‘ફલાણા આચાર્ય મોટા કે તમે મોટા?’ કે પછી ‘શું પૂર્વજો ગાંડા હતા?’
આવી વાતો, આવી દલીલો આપણે સતત સાંભળતા આવ્યા છીએ પણ આ વાતો અને આ દલીલો બૌદ્ધિક સ્થગિતતાની સાબિતી આપે છે અને એ પછી પણ આ સ્થગિતતાને પ્રેમપૂર્વક સ્વીકારી રાખવાનું કામ આપણે કરતા જ રહ્યા છીએ.
ADVERTISEMENT
ચિંતનને સ્થગિત કરવા આપણે બીજો પણ એક ઉપાય કરી રાખ્યો છે. કથિત મહાપુરુષોને કોઈ ને કોઈ અવતાર સાથે જોડી દીધા છે : એ તો વિષ્ણુના, શિવના, શેષનાગના, હનુમાનના, સાંઈબાબાના, રામદેવપીરના અવતાર હતા. મારે પૂછવું છે કે માણસ પોતે પોતાનો જ અવતાર હોય તો એમાં શું ખોટું છે? પણ ના, આ તો તૈયાર મહત્તાના સિંહાસન પર ગોઠવાઈ જવું છે એટલે પૂર્વના કોઈ ભવ્ય અવતાર સાથે પોતાને જોડી કાઢે છે.
હમણાં-હમણાં મારા વાંચવામાં આવ્યું કે નવયુગનું નિર્માણ કરવાનો દાવો કરનાર એક વ્યક્તિ પોતાને કબીર, રામદાસ અને રામકૃષ્ણ પરમહંસનો અવતાર બતાવી રહી છે. થોડા સમય પહેલાં એક કથાકાર એક બહેનને સાથે લઈને દેશ-વિદેશ ફરતા અને લોકોને સમજાવતા કે હું રામકૃષ્ણ પરમહંસ છું તથા આ સ્ત્રી શારદામણિ દેવી છે. કેટલાય લોકો પોતાની જાત માટે કેટલીય વિભૂતિઓનો દાવો કરી લોકોની મૂર્ખતાના ભોગે પોતાની શ્રેષ્ઠતા સ્થાપિત કરી શકે છે. હિન્દુ પ્રજાને ધાર્મિક અંધકારમાં ધકેલવાનું કામ અવતારવાદે ખૂબ સારી રીતે કર્યું છે. આ અવતારની ભ્રમણા હજી પણ લોકોના મગજમાંથી નીકળતી નથી. તમે તમારો જ અવતાર છો, સૌ પોતપોતાના જ અવતાર છે; બીજા કોઈના નહીં. આ અવતારવાદે વ્યક્તિવાદને ચગાવ્યો એટલે અત્યંત સામાન્ય માણસ પણ બહુ સરળતાથી પોતાને ભગવાન જાહેર કરી શકે છે. જેને કોઈ પટાવાળાની નોકરીમાં પણ ન રાખે તે હજારો-લાખોનો ગુરુમહારાજ થઈ શકે છે. ગુણ અને વિદ્યાનું મહત્ત્વ ક્યાં રહ્યું? પ્રાચીનતા પ્રત્યે વધુ ને વધુ સ્થગિત કરનારા મોટા દિવ્યાત્મા થઈ પુજાય તો મૌલિક અને નવું ચિંતન કેવી રીતે પાંગરે! એ ચિંતન પાંગરતું નથી અને પ્રજા અંધ બનીને બની બેઠેલા એ દિવ્યાત્માની પાછળ ભાગે છે.

