એ એક ઇમારતમાં બે ચર્ચ અને એક ઘર છે. ચર્ચને છૂટાં પાડતું આ ઘર દોઢ મીટર પહોળું છે એટલે આસપાસમાંથી પસાર થતા લોકોને ખબર પણ નથી પડતી કે ચર્ચની વચ્ચે બીજું કોઈ ઘર છે.
આ એક બિલ્ડિંગમાં બે ચર્ચ ને એક ઘર પણ છે
આ સાથે જે ફોટો મૂકવામાં આવ્યો છે એમાં તમને ઊંચા મિનારાવાળા ચર્ચ જેવું દેખાશે. એકબીજાને અડોઅડ આવેલાં આ બે ચર્ચ છે. જોકે એમાં એક ખાસ ચીજ પણ છુપાયેલી છે. બે ચર્ચને જુદાં પાડતું એક ઘર પણ આવેલું છે. પોર્ટુગલના પોર્ટો શહેરમાં આવેલી આ જગ્યા ખાસ એટલા માટે છે કેમ કે અહીં આ શહેરનું સૌથી પાતળું ઘર આવેલું છે. આ ઘરનું નામ છે કાસા એસ્કોન્ડિડો. પોર્ટો શહેરમાં આ એક ઐતિહાસિક ઇમારત હોય એવું લાગે છે, પરંતુ એ એક ઇમારતમાં બે ચર્ચ અને એક ઘર છે. ચર્ચને છૂટાં પાડતું આ ઘર દોઢ મીટર પહોળું છે એટલે આસપાસમાંથી પસાર થતા લોકોને ખબર પણ નથી પડતી કે ચર્ચની વચ્ચે બીજું કોઈ ઘર છે.
આ ઘરને ચૅનલ ફોરના ‘જ્યૉર્જ ક્લર્ક્સ અમેઝિંગ સ્પેસિસ’માં બતાવવામાં આવ્યું હતું. શોના હોસ્ટ જ્યૉર્જ ક્લર્કે દર્શકોને ઘરની અંદર શું છે એની સૈર પણ કરાવી હતી.
ADVERTISEMENT
આ ઘર ૧૭૬૮માં બન્યું હતું. ભલે એનો દરવાજો માત્ર એક-સવા મીટર પહોળો હોય, પરંતુ અંદર જતાં ઘર થોડુંક પહોળું થતું જાય છે. અંદર એક સુંદર સર્પાકાર સીડી છે જે ઘરમાં ત્રણ માળ સુધી જવા માટે વપરાય છે. એક બેઠકરૂમ, બેડરૂમ, સ્ટડીરૂમ અને એ ઉપરાંત એક વધારાનો રૂમ પણ એમાં છે. જાણે હૅરી પૉટરના જાદુઈ ખજાના જેવી જગ્યા લાગે છે.
આ ઘરની ડાબી બાજુનું ચર્ચ ૧૭મી સદીમાં નન દ્વારા બનાવવામાં આવેલું, જ્યારે જમણી બાજુનું ચર્ચ ૧૮મી સદીમાં ક્રિશ્ચિયન સાધુઓ દ્વારા બનાવવામાં આવેલું. લોકવાયકા એવું કહે છે કે એ સમયે નિયમ હતો કે બે ચર્ચ એક જ દીવાલ શૅર ન કરી શકે એટલે એની વચ્ચે જે પાતળી જગ્યા બચેલી એમાં ઘર બનાવવામાં આવેલું. ૧૯૮૦ સુધી કાસા ઍસ્કોન્ડિડો નામના આ ઘરમાં લોકો રહેતા હતા. ડૉક્ટરો, કલાકાર, ચર્ચના કૅરટેકર અહીં રહેતા હતા; પણ હવે એ ટૂરિસ્ટ-પ્લેસ બની ગયું છે. અહીં તમે ૫૦૦ રૂપિયાની ટિકિટ લઈને ઘર અને એની આસપાસના મ્યુઝિયમને જોઈ શકે છો. ઘર માત્ર અનોખી બનાવટ માટે જ મશહૂર છે એવું નથી, એનો ઇતિહાસ પણ સમૃદ્ધ છે.

