પશુથી લઈને પ્રકૃતિને જાળવવી અત્યારે અત્યંત અનિવાર્ય છે ત્યારે એવા પ્રકારની નીતિઓ ઘડાવી પણ ખૂબ જરૂરી બને છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
અત્યારે નવેમ્બર મહિનામાં લગભગ બધે વરસાદ પડ્યો છે. ઇતિહાસનાં પાનાં જોતાં ખ્યાલ આવે કે ભૂતકાળમાં રાજ્યોમાં જુલાઈ અને ઑગસ્ટ પણ સાવ સૂકા રહ્યા છે. દુકાળની જાહેરાતો થાય અને પછી રાહતનો ફ્લો ચાલુ થાય. ગુજરાતમાં સળંગ ૩ વર્ષ અને સળંગ પાંચ વર્ષ દુકાળ પણ પડ્યા છે, બેસુમાર મોત અને ભૂખમરાની સ્થિતિ પણ સર્જાઈ છે. આવી સ્થિતિમાં કો’ક જગડુશા પાકે અને સ્થિતિ સંભાળી લે તે કાયમ અમર બની જાય. જોકે એક વાત આશ્ચર્યકારક છે.
સૈકાઓ પૂર્વે એકસાથે સળંગ ૩૪ વર્ષ એવાં પસાર થયાં જેમાં એકેય દુકાળ કે મોટી કુદરતી આફતની સ્થિતિ સર્જાઈ જ નહોતી. આ એ સમયગાળો છે જે સમયે ૩૪ વર્ષ રાજા કુમારપાળનું શાસન ગુજરાત પર ચાલ્યું. અહિંસાપ્રેમી રાજાએ પ્રજાને દયા અને કરુણામાં જોડી દીધી. અહિંસાના વ્યાપક પાલનની અસર કુદરત પર પડી.
ADVERTISEMENT
પશુથી લઈને પ્રકૃતિને જાળવવી અત્યારે અત્યંત અનિવાર્ય છે ત્યારે એવા પ્રકારની નીતિઓ ઘડાવી પણ ખૂબ જરૂરી બને છે. વડોદરા શહેરના ઇતિહાસની કેટલીક વિગતો વાંચવામાં આવી તો ખ્યાલ આવ્યો કે ત્યાં ગાયકવાડી શાસન હતું ત્યારે વિશેષ કારણ અને પરમિશન વગર જો કોઈ વૃક્ષ કાપે તો તેને એ સમયે પૂરા પ૦ રૂપિયાનો દંડ થતો હતો. વૃક્ષ વાવીને એનો ઉછેર કરનારને પાંચ રૂપિયાનું ઇનામ પણ મળતું. આ એ સમયની વાત છે જ્યારે દંડની આ રકમમાંથી ૪ ડઝન કેરીનો કરંડિયો ખરીદી શકાતો હતો અને ઇનામી રકમમાંથી બે કિલો મીઠાઈ લઈ શકાતી હતી.
વૃક્ષ કરમાય એ ક્રમ છે, પણ એને કાપવું એ ક્રાઇમ છે. પર્યાવરણ એ ભણતરનો વિષય નથી, જીવતરનો વિષય છે. એક વૃક્ષ કપાય એટલે એ ચૈતન્યનો અપરાધ તો છે જ, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી એક ઑક્સિજન પ્લાન્ટનો વિનાશ છે.
વિકાસ થાય ત્યારે શેનો થાય છે અને શાના ભોગે થાય છે? આ પ્રશ્નોના જવાબ મેળવવા અત્યંત અનિવાર્ય છે. વિવેકના સેમી-કન્ડક્ટરની તાતી જરૂર છે. વૃક્ષ ઑલ ટાઇમ પ્યુરિફાયર છે. જૈનાના તમામ તીર્થંકરોએ કોઈ વિશેષ વૃક્ષની નીચે જ દીક્ષા લીધી છે. પૃથ્વી-જળ-અગ્નિ-વાયુ-વનસ્પતિ અને ચેતનતત્ત્વ આ છ એક સાથે સંકલન સાધે એવું એ એકમાત્ર તત્ત્વ છે.
વૃક્ષની સાઇકલ સમજવા જેવી છે. એ પૃથ્વી પર ઊગે છે, જળથી વધે છે, અગ્નિ માટે ઈંધણ આપે છે અને વૃક્ષ પ્રાણવાયુ રિલીઝ કરે છે. વૃક્ષ સ્વયં વનસ્પતિરૂપ છે અને તમામ ચેતનતત્ત્વનો આહાર બનવા દ્વારા આધાર બને છે. આમ વૃક્ષ એક અદ્ભુત તત્ત્વ છે. કલ્પવૃક્ષ, અશોકવૃક્ષ, રાયણવૃક્ષ, બોધિવૃક્ષ વગેરે વિભિન્ન ધર્મ-પરંપરામાં પ્રસિદ્ધ છે. આપણે વનસ્પતિની વેદના, વૃક્ષની કારમી પીડા સમજી ન શકીએ એ હૃદયની નિષ્ઠુરતા છે. વૃક્ષ વગરના વિશ્વની સ્થિતિ સમજી ન શકીએ એ બુદ્ધિનો અંધાપો છે. કોઈ વિદ્વાને સાચું કહ્યું છે કે ‘વૃક્ષં શરણં ગચ્છામિ’ વગર ચાલવાનું નથી.


