ગઈ કાલે સવારે મુંબઈથી રાજકોટ જઈ રહેલા લોકો ઍરલાઇનના આવા ઉડાઉ જવાબથી અને પાઇલટની વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી હતપ્રભ
ફ્લાઇટમાંથી બહાર નીકળ્યા પછી મુંબઈ ઍરપોર્ટના ટર્મિનલ 2 પર રાહ જોતા પૅસેન્જરો, પૅસેન્જર વિજય ઠક્કર
સોશ્યલ મીડિયા પર એક પૅસેન્જર અને ઇન્ડિગો ઍરલાઇન વચ્ચેની ચર્ચા વાઇરલ થઈ હતી. આ ચર્ચામાં વિજય ઠક્કર નામના પૅસેન્જરે તેની ફ્લાઇટ ૩ કલાક ડિલે થઈ હોવાનો અને ઍરલાઇન તરફથી કમ્યુનિકેશન બરાબર ન હોવાનો આરોપ મૂક્યો હતો. મુંબઈથી રાજકોટ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં આ પૅસેન્જરે ટિકિટ બુક કરી હતી. આરોપ પ્રમાણે ફ્લાઇટનો કૅપ્ટન મોડો પડ્યો હોવાને કારણે ૩ કલાક જેટલો સમય સુધી પૅસેન્જરે વિમાનમાં બેસી રહેવું પડ્યું હતું.
વિજય ઠક્કરે સોશ્યલ મીડિયા પરની પોસ્ટમાં લખેલી વિગતો પ્રમાણે ફ્લાઇટ સવારે ૭.૨૫ વાગ્યે ઊપડવાની હતી. બોર્ડિંગ સવારે ૬.૪૫ વાગ્યે સમયસર શરૂ થયું હતું એટલે પૅસેન્જર્સને લાગ્યું કે ફ્લાઇટ સમયસર ઊપડી જશે. જોકે સવારે ૭ વાગ્યે ઇન્ડિગોએ ‘ઑપરેશનલ ઇશ્યુઝ’નું કારણ આપીને ફ્લાઇટને ૭.૫૫ વાગ્યે રી-શેડ્યુલ કરી હતી. એ પછી ફરી અપડેટ કરીને ૮.૪૦ વાગ્યે, પછી ૯.૧૫ વાગ્યે અને અંતે ૧૦.૩૦ વાગ્યે રી-શેડ્યુલ કરવામાં આવી હતી. પૅસેન્જર્સને એવું કહેવામાં આવ્યું હતું કે કૅપ્ટન મોડા પડ્યા હોવાને કારણે આટલું મોડું થયું છે.
ADVERTISEMENT
છેવટે ફ્લાઇટ ૧૧.૦૩ વાગ્યે રવાના થઈ હતી, પણ ત્યાં સુધીમાં વિજય ઠક્કર તેમના પરિવાર સાથે વિમાનમાંથી ઊતરીને ટિકિટ કૅન્સલ કરાવી ચૂક્યા હતા.
સિનિયર સિટિઝન પપ્પા, અંકલ, પત્ની અને ૮ વર્ષની દીકરી સાથે આ ફ્લાઇટમાં રાજકોટ જવા રવાના થયેલા વિજય ઠક્કરે જણાવ્યું હતું કે ‘અમને એવું કહેવામાં આવ્યું કે પાઇલટની તબિયત ખરાબ હોવાને લીધે મોડું થઈ રહ્યું છે. એ વાત બરાબર છે કે બીમાર પાઇલટને ફ્લાઇટ ઉડાડવાનું ન કહેવાય, પણ તો આવી પરિસ્થિતિ માટે ઍરલાઇને વધારાના પાઇલટની વ્યવસ્થા ન રાખવી પડે? વારંવાર ફરિયાદ કર્યા પછી જ પૅસેન્જર્સને પ્લેનમાંથી ઊતરવા દેવામાં આવ્યા હતા.’
ઍરલાઇને માફી માગી
પૅસેન્જરે કરેલી આ પોસ્ટમાં ઇન્ડિગોના ઑફિશ્યલ હૅન્ડલને ટૅગ કરવામાં આવ્યું હતું. ઇન્ડિગોએ પણ સોશ્યલ મીડિયા પર આ પોસ્ટનો જવાબ લખીને યોગ્ય કાર્યવાહી કરવાનું પ્રૉમિસ આપ્યું હતું. જોકે પૅસેન્જરે રોષ ઠાલવતાં લખ્યું હતું કે આટલું બધું મોડું થવાને કારણે રાજકોટમાં તેમના આખા દિવસનું બધું શેડ્યુલ બગડી ગયું હતું અને ત્યાં તેમની મહત્ત્વની મીટિંગો કૅન્સલ કરવી પડી હતી. એ નુકસાનની ભરપાઈ કોણ કરશે એવો પ્રશ્ન પણ તેમણે પૂછ્યો હતો.
ઇન્ડિગોએ આ બાબતે પછીથી વિગતવાર જવાબ આપીને માફી માગી હતી અને જણાવ્યું હતું કે આ અણધારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ પૅસેન્જર્સને નાસ્તો અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી હતી. તેમણે ફરિયાદની પોસ્ટ લખનાર પૅસેન્જરને જણાવ્યું હતું કે તેમની ફ્લાઇટના કૅન્સલેશન અને રીફન્ડની પ્રોસેસ શરૂ કરી દેવામાં આવી છે અને ૨૪થી ૪૮ કલાકમાં તેમને રીફન્ડ મળી જશે.
- મધુલિકા રામ કવત્તુર


