રામને ફૉલો અને રાવણને અનફૉલો કરવા હોય તો આ લેખ વાંચજો
રાવણ સિદ્ધિવાન હોવા છતાં તેનામાં અહંકાર અને પારકી સ્ત્રીને પોતાની કરવાનો લોભ જાગ્યો
નવરાત્રિ દરમ્યાન કોઈ શક્તિ કે સિદ્ધિને આહ્વાન કરે અને તેને એ મળી પણ જાય તોયે કંઈ અર્થ નથી સરતો, સિવાય કે એ વ્યક્તિ આ જાતની સફળતા મેળવીને વધુ નમ્ર બને અને પોતાને મળેલી શક્તિ-સિદ્ધિનો સદુપયોગ સમાજના કલ્યાણ માટે કરે.
રામની જેમ રાવણને પણ અનેક શક્તિ અને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, પરંતુ લંકાયુદ્ધમાં રામ વિજયી બન્યા, જ્યારે રાવણનો પરાભવ થયો. એવું કહેવાય છે કે રાવણ પાસે તો વળી અધિક બળ (વીસ હાથ), અધિક બુદ્ધિ (દસ મસ્તક), અધિક સમૃદ્ધિ (સોનાની લંકા) હતી છતાં રાવણ હાર્યો.
ADVERTISEMENT
જે વ્યક્તિ શક્તિ અને સિદ્ધિ મેળવીને વધુ નમ્ર બને છે, વધુ જવાબદાર બને છે, પોતાની શક્તિનો ઉપયોગ વધુ ને વધુ બીજાના ભલા માટે કરે છે તે પૂજાય છે; જે વ્યક્તિ પોતાને મળેલી શક્તિનો ઉપયોગ માત્ર પોતાના કલ્યાણ માટે કરે છે, પોતાને મળેલી સિદ્ધિનું અભિમાન કરે છે તેનું પતન આજે નહીં તો કાલે નિશ્ચિત હોય છે.
નવરાત્રિના નવેનવ દિવસ શક્તિ પ્રદાન કર્યા બાદ શક્તિ સ્વરૂપ મા દુર્ગા દસમા દિવસે ચેતવે છે કે શક્તિનો સદુપયોગ કરશો તો રાજ કરશો, નહીં તો હાથમાં રહેલું રાજપાટ પણ ગુમાવવાનો વારો આવી શકે છે.
બીજી એક વાત નોંધવા જેવી એ છે કે પ્રભુ શ્રીરામ જેનો અવતાર ગણાય છે એ શ્રી વિષ્ણુ અને નવમી રાત્રિએ પૂજાતી શ્રી સિદ્ધિદાત્રી માતાના ચારે હાથમાં એકસરખાં પ્રતીકો અને શસ્ત્રો જોવા મળે છે ઃ શંખ, ચક્ર, ગદા અને પદ્મ. આ ચાર ચીજોનો યોગ્ય ઉપયોગ કરીને માત્ર તામસી પ્રકૃતિ ધરાવતાં આસુરી તત્ત્વોનો નાશ નથી કરી શકાતો, પરંતુ સાત્ત્વિક કે રાજસી પ્રકૃતિ ધરાવનાર દેવ (સૂર) કે માનવને પણ શાબાશી આપી શકાય છે કે ઉન્નત માર્ગે વાળી શકાય છે.
શંખ ફૂંકીને વિષ્ણુ અને સિદ્ધિદાત્રી મૈયા પૃથ્વી પર બિરાજતી સર્વ શક્તિઓને ચેતવણી આપે છે કે સૃષ્ટિના લય સાથે લય મેળવીને રહેશો તો અવશ્ય વિજય પ્રાપ્ત કરી શકશો. લય અર્થાત્ હાર્મની (સંવાદ) સ્થાપો નહીં તો પરાજય નિશ્ચિત છે. લયનો બીજો અર્થ સૂર પણ થાય છે. જે સૃષ્ટિના ઉદેશ સાથે, પ્રકૃતિના તાલ સાથે તાલ મેળવીને રહે છે તે સૂર અર્થાત્ દેવ કહેવાય છે. જ્યારે કુદરતના નિયમ વિરુદ્ધ વર્તીને અભિમાનવશ પોતાના સ્વાર્થી કાયદા સ્થાપીને જુલમ ગુજારે છે તે અસૂર અર્થાત્ રાક્ષસ કહેવાય છે. આ ઉપરાંત આપણા જેવા સામાન્ય માનવીઓ પણ છે જે દૈવી અને રાક્ષસી પ્રવૃત્તિઓ વચ્ચે ફંગોળાતી રહે છે. માનવને ક્યારેક સારાં ને સાત્ત્વિક તો ક્યારેક નઠારાં અને તામસી કાર્યો લલચાવતાં રહે છે. તેનામાં રાજસી અર્થાત્ સાત્ત્વિક અને તામસી પ્રકૃતિનું મિશ્રણ જોવા મળે છે. માણસ ઘડીકમાં લય તો ઘડીકમાં પ્રલય તરફ લલચાય છે.
પોતાના હાથમાં રહેલો ‘શંખ’ ફૂંકીને વિષ્ણુશક્તિ કે દૈવીશક્તિ ચેતવણીના સૂર આપતાં કહે છે કે લયમાં રહેજો. આ શંખનાદરૂપી લયમાં જે રહે છે તેવા દેવો, ઋષિ-મુનિઓ, સાધુ-સંતો અને સિદ્ધપુરુષોને ‘કમળ’રૂપી સમૃદ્ધિ અને યશ મળે છે, પણ આપણા જેવા માણસો જે સતત દહીં-દૂધમાં પગ મૂક્યા કરે છે, ક્યારેક લયમાં તો ક્યારેક લય વિરુદ્ધના કાર્યમાં જેનું મન ગોથાં ખાયા કરે છે તેને ગદા મારી-મારીને અર્થાત્ કોઈ ને કોઈ ચેતવણી આપીને ઉપરોક્ત શક્તિ પાઠ ભણાવતી રહે છે, ગોદા મારીને શીખવતી રહે છે, સુધારતી રહે છે.
અને હા જે આસુરી શક્તિ છે, જે વાતચીત કે સલાહની ગદાને અવગણીને પોતાનાં કૃત્યો પર સંયમ નથી રાખતી, અહંકારી અને સ્વાર્થી બનીને સૃષ્ટિનો લય બગાડે છે એ તમસ વૃત્તિનાં આસુરી તત્ત્વોનો ‘ચક્ર’ વડે નાશ નિશ્ચિત છે.
આમ શંખ, ચક્ર, ગદા અને કમળ જેવાં અસ્ત્રોનો સદુપયોગ કરી ત્રણેય પ્રકારની પ્રકૃતિ ધરાવતાં પરિબળો સાથે યથાયોગ્ય ન્યાયોચિત વ્યવહાર થતો
રહે છે.
રાવણ સિદ્ધિવાન હોવા છતાં તેનામાં અહંકાર અને પારકી સ્ત્રીને પોતાની કરવાનો લોભ જાગ્યો. તેની તમસ વૃત્તિમાં એ પ્રકારનો વધારો થયો કે રામની વિનંતીને ઠુકરાવી. વિભીષણ અને કુંભકર્ણની સલાહને અવગણી. મંદોદરીની વાત ન માની અને એટલે જ યુદ્ધ અને યુદ્ધમાં તેનો વિનાશ નિશ્ચિત થઈ ગયો.
મિત્રો, દર દશેરાના દિવસે રાવણને જાહેરમાં બાળવાથી બૂરાઈનો નાશ કરવામાં એક પ્રતીકાત્મક આનંદ સિવાય કશું જ આપણા હાથમાં નહીં આવે. તમારે ખરેખર શક્તિવાન અને સિદ્ધિવાન બનવું હોય અને મેળવેલી શક્તિ અને સિદ્ધિ જાળવી રાખવી હોય તો તમારા મનરૂપી ડિજિટલ સ્ક્રીન પર ઊભરી આવતા ‘રામ’ને ‘ફૉલો’ કરતા રહેવું પડશે અને ‘રાવણ’ને ‘અનફૉલો’ કરતા રહેવું પડશે.
રામ તો દેવપુરુષ હતા કે માતા જગદંબા તો દૈવીશક્તિ છે એ લોકો તો કંઈ પણ કરી શકે, આપણે તો માનવ છીએ. આપણાથી તો તેમના જેવા થઈ ન શકાય એવા ખોટા ભ્રમમાં રહેતા નહીં. તમારા એવા ભ્રમ દૂર કરવા જ વિષ્ણુ અને જગંદબા સહિતની શક્તિઓ પૃથ્વી પર મનુષ્યરૂપે અવતાર ધારણ કરતી રહે છે અને એ રૂપમાં જ એ શીખવાડતી રહે છે કે મનુષ્ય પણ ચાહે તો તેની અંદર રહેલી ત્રણે પ્રકારની વૃત્તિઓ પર નિયંત્રણ રાખી દેવ-દેવી જેવી જ શક્તિ પ્રાપ્ત કરી શકે છે, સિદ્ધિ મેળવી શકે છે અને જાળવી પણ શકે છે.
મનુષ્ય ચાહે તો તેનામાં રહેલા સત્ત્વ ગુણોને પાળી શકે છે, તો તામસી ગુણોને બાળી પણ શકે છે. તેને માટે રાવણનાં પૂતળાં બાળવાની જરૂર નથી. આપણી અંદર જ ડોકિયાં કરવાની જરૂર છે.

