પોલીસની હેલ્પલાઇન પર મંગળવારે આવો મેસેજ મોકલનાર બુધવારે બાંદરા-ઈસ્ટમાંથી પકડાઈ ગયો
ધરપકડ કરવામાં આવેલો આરોપી આઝમ મોહમ્મદ મુસ્તફા.
મંગળવારે સવારના મુંબઈ પોલીસના ટ્રાફિક કન્ટ્રોલ-રૂમમાં એક મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે બે કરોડ રૂપિયા નહીં આપવામાં આવે તો સલમાન ખાનની હત્યા કરવામાં આવશે. ધમકી મળ્યા બાદ વરલી પોલીસ-સ્ટેશનમાં અજાણ્યા આરોપી સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. સલમાન ખાનને બે મહિનાથી સતત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં રહી હોવાથી તેની સિક્યૉરિટી ટાઇટ કરવામાં આવી છે. ધમકીની ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે આરોપીના ફોન-નંબરની માહિતી મેળવી હતી. આરોપી બાંદરા-ઈસ્ટમાં જ હોવાનું જણાતાં તેના પર નજર રાખીને પૂરી માહિતી મેળવવામાં આવી હતી અને ગઈ કાલે બપોર બાદ આરોપી આઝમ મોહમ્મદ મુસ્તફાની ધરપકડ કરીને કોર્ટમાંથી એક દિવસની પોલીસ-કસ્ટડી મેળવી હતી.
ધમકીમાં શું કહ્યું હતું?
આરોપીએ મંગળવારે સવારના ૧૦.૦૯ વાગ્યે વરલી ટ્રાફિક-પોલીસના કન્ટ્રોલ-રૂમના વૉટ્સઍપ હેલ્પલાઇન નંબર પર મેસેજ કર્યો હતો કે ‘હેલો, સલમાન ખાનને પણ બાબા સિદ્દીકીની જેમ ગોળી મારવામાં આવશે. ઝીશાન સિદ્દીકીને કહો કે બે કરોડ રૂપિયા આપે. સલમાનનો જીવ બચાવવો હોય તો મારી વાતને ગંભીરતાથી લો. નહીં તો ૩૧ ઑક્ટોબરે તમને ખબર પડશે. ઝીશાન અને સલમાનને આ વૉર્નિંગ છે.’ ૧૦.૧૪ વાગ્યે તેણે ફરી મેસેજ કર્યો હતો કે ‘આ મશ્કરી નથી. બાબા સિદ્દીકીને ખતમ કર્યા, હવે આગળનું નિશાન ઝીશાન છે.’