મૂળમાં આપણે જે નથી એને બુદ્ધિપૂર્વક બતાવવાની જે ચેષ્ટા આપણે કરીએ છીએ એનું નામ દંભ. વિચારપૂર્વક–સમજીને આપણે જે નથી એ બતાવવાની કોશિશ કરીએ એ દંભ છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
રાગ જીવનને તપાવે છે. રાગની નાની અમથી પરિભાષા શું?
નાશવંત વસ્તુઓ પ્રતિ આકર્ષણ એનું નામ રાગ.
ADVERTISEMENT
નાશવંત વસ્તુ, જે આજે છે પણ કાલ જવાની છે. પ્રતિક્ષણ જે ક્ષીણ થઈ રહી છે એ વસ્તુમાં મારું, તમારું આકર્ષણ એ રાગ છે. માબાપ બાળકોને પ્રેમ કરે એ પણ રાગનો જ એક પ્રકાર છે.
નાશવંતની સાથે પ્રેમની વ્યવસ્થા નથી, કારણ કે કાળના પ્રવાહમાં બધા વહી રહ્યા છે. એનો અર્થ એવો પણ નહીં કે બાળકો સાથે પ્રેમ ન કરવો. પ્રેમનું ખૂબસૂરત નામ આપીને કરો, પણ વસ્તુતઃ એ રાગ છે. અનુરાગ તો એ છે જે શાશ્વતની સાથે થાય, જેને સ્વાભાવિક અમરતા પ્રાપ્ત થઈ છે. એની સાથેનું આકર્ષણ પ્રેમ છે. કૃષ્ણ સાથેનું આકર્ષણ રાગ નહીં, અનુરાગ છે; જે શાશ્વત છે.
રાગ પછી આવે છે દંભ.
મૂળમાં આપણે જે નથી એને બુદ્ધિપૂર્વક બતાવવાની જે ચેષ્ટા આપણે કરીએ છીએ એનું નામ દંભ. વિચારપૂર્વક–સમજીને આપણે જે નથી એ બતાવવાની કોશિશ કરીએ એ દંભ છે. બહુ ખતરનાક વસ્તુ છે દંભ.
દંભ પછી મનમાં જે આવે છે એ છે અહંકાર.
તમે એમ જ માની લો કે અહંકાર દંભનો દીકરો છે. દંભ સગર્ભા થાય, પૂરે મહિને જે દીકરો જન્મે એનું નામ છે અહંકાર. દંભ તમારો સફળ થઈ ગયો. તમે વિચારો છો કે આપણે રડી રહ્યા છીએ, આવી સ્થિતિમાં કોઈ આપણને જુએ ને વિચારે કે કેટલો ભગત માણસ છે. કોઈએ જોઈ લીધું કે અહાહાહા... તો તમારો અહંકાર વધશે. એ અહંકાર તાપ છે, બહુ તપાવે છે. દંભથી એનો જન્મ થાય છે.
દંભમાંથી જ અમર્ષ જન્મે છે.
અમર્ષ. આ શબ્દ તમારા માટે અજાણ્યો હોઈ શકે પણ આ શ્રીમદ ભગવદ્ગીતાનો શબ્દ છે. અમર્ષ આગળનો તાપ છે. ક્રોધનું એક બીજા પ્રકારનું સ્વરૂપ હોય એને અમર્ષ કહે છે. દ્રોણનું રૂપ છે, મોકો મળે કે બદલો લઉં. અમર્ષનું એક રૂપ એવું છે કે મોકો મળે તો પણ બદલો ન લે, મોં પર પણ કંઈ કહી નહીં શકે પણ ભીતરથી જલતો રહે, કુભાવ જાગતો રહે. જેમ ક્ષયરોગ માણસને અંદરથી ખાતો રહે છે એમ ભીતરથી ખાતો રહે એ અમર્ષ છે. આ અમર્ષ આપણને તપાવે છે.
અમર્ષ જો મનમાં રહે તો એમાંથી પ્રમાદ આવે. પ્રમોદ અને પ્રમાદ અલગ-અલગ શબ્દો છે. પ્રમોદ એટલે આનંદ, મજા. પણ પ્રમાદ એટલે તાપ, સ્વયં મૃત્યુ જ કહો. વ્યાસજીએ બહુ સરસ કહ્યું છે, મૃત્યુ પોતાનું જડબું ખોલીને કોઈને મારતું નથી પણ એને મારવાનું કામ પ્રમાદ જ કરે છે. પ્રમાદ તાપ છે, ઈશ્વરનું નામ અમૃત છે. એ આપણને પ્રમાદથી મુક્ત કરી દેશે.


