દર વર્ષની તુલનાએ આ વર્ષે પોતાના ઘરે ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિ લાવવા માગતા લોકોની સંખ્યા વધી છે એવું માટીના ગણપતિ બનાવતા લોકો પોતાની પાસે આવેલા ઑર્ડરને આધારે કહી રહ્યા છે.
ઈકો-ફ્રેન્ડ્લી ગણેશ
દર વર્ષની તુલનાએ આ વર્ષે પોતાના ઘરે ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિ લાવવા માગતા લોકોની સંખ્યા વધી છે એવું માટીના ગણપતિ બનાવતા લોકો પોતાની પાસે આવેલા ઑર્ડરને આધારે કહી રહ્યા છે. એક તરફ જ્યાં પ્લાસ્ટર ઑફ પૅરિસના ગણપતિ સસ્તા અને વજનમાં હલકા છે ત્યાં વધુ પૈસા આપવા માટે લોકો શું કામ તૈયાર થઈ રહ્યા છે એ જાણીએ.
૨૪ જુલાઈના મુંબઈ હાઈ કોર્ટે એક ગાઇડલાઇન આપી કે આવનારા ગણેશોત્સવ અને દુર્ગાપૂજામાં છ ફીટ સુધીની પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિઓનું કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવું. આ નિયમ દરેક માટે કમ્પલ્સરી રહેશે અને ૨૦૨૬ના માર્ચ મહિના સુધી એને અમલમાં મૂકવાનો રહેશે. ગયા વર્ષ સુધી રાજ્ય સરકારે પાંચ ફીટ સુધીની મૂર્તિઓને કૃત્રિમ તળાવમાં પધરાવવાની વ્યવસ્થા કરી હતી જેના માટે મુંબઈ એકલામાં જ મહાનગરપાલિકા દ્વારા લગભગ ૨૫૦ જેટલાં કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યાં હતાં. આ વર્ષે મુંબઈ મહાનગરપાલિકાએ જોકે હાઈ કોર્ટના આદેશના અનુસરણમાં લૉજિસ્ટક્સને લગતા કેટલાક પડકારોની ચર્ચા કરી છે. ગયા વર્ષે કૃત્રિમ તળાવમાં વિસર્જિત થયેલી પાંચ ફીટથી નાની મૂર્તિઓની સંખ્યા જ લગભગ ૮૫,૩૦૬ હતી. જો છ ફીટ સુધીની મૂર્તિનો સમાવેશ કરવામાં આવે તો આ સંખ્યા લગભગ બે લાખ પર પહોંચે એમ છે અને એ માટેની વ્યવસ્થા ઊભી કરવાને મુંબઈ મહાનગરપાલિકા પડકારજનક માને છે. આજના સમયે જ્યારે પર્યાવરણને બચાવવાની દિશામાં સક્રિય ભૂમિકા ભજવી રહેલા લોકોની સંખ્યા વધી રહી છે ત્યારે પ્લાસ્ટર ઑફ પૅરિસની ગણપતિની મૂર્તિઓ, એના પર શણગાર માટે વપરાતી પ્લાસ્ટિક અને થર્મોકોલની વસ્તુઓને દરિયામાં વિસર્જન કરવાથી ફેલાતું પ્રદૂષણ ચિંતાનો વિષય છે. પાણીની ગુણવત્તા બગાડવાથી લઈને દરિયાઈ જીવોના અસ્તિત્વ સામે પ્રશ્ન ઊભો થતાં આ મુદ્દાને વધુ ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે ત્યારે ગુડ ન્યુઝ એ છે કે લોકો પણ પર્યાવરણ સાથે આસ્થાને આગળ વધારવામાં ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે. ગયા વર્ષની તુલનાએ આ વર્ષે ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિનો ઑર્ડર આપનારા લોકોની સંખ્યા વધારે હોવાનું કેટલાક મૂર્તિકારો સ્વીકારી ચૂક્યા છે ત્યારે જાણીએ કે ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિની શું ખાસિયત હોય છે અને શું કામ વધુ ને વધુ લોકો એ તરફ વળે એ જરૂરી છે.
દીપ મહેતા
લોકોને હટકે જોઈએ છે
છેલ્લાં ચોવીસ વર્ષથી મીરા રોડમાં ગણપતિ બનાવતા દીપ મહેતા પોતે માસ મીડિયાનું ભણ્યા પણ પછી તેમણે ફૅમિલી બિઝનેસમાં જોડાવાનો નિર્ણય લીધો. ‘બિગ ગણેશ આર્ટ’ બ્રૅન્ડ હેઠળ PoP અને ઇકો-ફ્રેન્ડ્લી એમ બન્ને પ્રકારના ગણપતિ બનાવતા દીપ કહે છે, ‘PoPને કારણે પર્યાવરણને થતા નુકસાન વિશે જાણ્યા પછી મેં મારા પોતાના ઘરે ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિ લાવવાના શરૂ કર્યા અને સાથે મારી પાસે આવતા ક્લાયન્ટને સમજાવવાનું શરૂ કર્યું અને કહી શકું કે ૮૦ ટકા લોકોને અમે ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિ તરફ શિફ્ટ કર્યા છે. લોકો સમજતા થયા છે. માન્યું કે પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિઓ સસ્તી અને વજનમાં હલકી હોય છે પરંતુ જે યુનિકનેસ તમને ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિમાં મળશે એવી ક્યાંય નહીં મળે. ઇકો-ફ્રેન્ડ્લી ગણેશ ટોટલી માટીમાંથી બનેલા હોય છે અને એનો એક-એક હિસ્સો હાથથી બનતો હોય છે. હું સાચું કહું તો ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિમાં પર્યાવરણ સાથે આસ્થા અને શ્રદ્ધાનું પણ સારી રીતે જતન થતું હોય છે. બીજું, આજે મુંબઈના લોકોની બીજી એક ખાસિયત જોઈ છે કે તેમને પૈસાની એટલી ચિંતા નથી. તેમને યુનિક ગણપતિબાપ્પા જોઈતા હોય છે. બધા કરતાં અલગ. આ બાબત ઇકો-ફ્રેન્ડ્લી ગણેશમાં વિશેષ પ્રમાણમાં પૉસિબલ છે. અફકોર્સ ક્યાંક લોકો દેખાદેખી કરતા થયા છે જે મારી દૃષ્ટિએ ખોટું છે.’
ડૉ. કેતન નાયક
વજન અને પ્રાઇસમાં ડબલ હોવા છતાં નેચર-ફ્રેન્ડ્લી ગણપતિની વધતી ડિમાન્ડ મૅન્યુફૅક્ચરિંગમાં પણ વધુ ને વધુ લોકોને આવવા માટેનું પ્રોત્સાહન પૂરું પાડી રહી છે. દીપ કહે છે, ‘અમારી પાસે પંદરસો રૂપિયાથી લઈને ૬૫ હજાર રૂપિયા સુધીની મૂર્તિઓ અવેલેબલ છે. દરેક વખતે કેટલીક નવી ડિઝાઇનો અમે બનાવીએ છીએ જેમાં ક્લાયન્ટની ડિમાન્ડ પ્રમાણે કસ્ટમાઇઝેશન થાય છે. આ વખતે દસ હાથવાળા સિદ્ધિવિનાયક અમે બનાવ્યા છે જેમના ખોળામાં રિદ્ધિસિદ્ધિ છે. આવું ક્રીએટિવ કામ હૅન્ડમેડ ઇકો-ફ્રેન્ડ્લી ગણેશમાં જ પૉસિબલ છે.’
મિથ દૂર થઈ રહી છે
લોકો એવું માનતા હતા કે માટીના ગણપતિ દેખાવમાં ઍટ્રૅક્ટિવ નથી હોતા પરંતુ એ ભ્રમણા હવે ભાંગી રહી છે. છેલ્લાં સાત વર્ષથી ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિ બનાવતા ગણેશ કારંડે કહે છે, ‘સમય અને એફર્ટ્સ માટીના ગણપતિ બનાવવામાં વધારે જાય. જ્યાં PoPના ગણપતિ એક દિવસમાં મોટી સંખ્યામાં બનાવી શકાય ત્યાં એક માટીના ગણપતિ ઍવરેજ પાંચથી સાત દિવસ બનાવતા લાગે. એનું ફિનિશિંગ પર્સનલાઇઝ્ડ હોય છે અને લોકો ઇકો-ફ્રેન્ડ્લી ગણેશને પોતાના પર્સનલ બાપ્પા તરીકે જોતા થયા છે. એને પણ ઇકો-ફ્રેન્ડ્લી રંગો અને ઇકો-ફ્રેન્ડ્લી ડેકોરેશનથી ખૂબ જ સુંદર બનાવી શકાય છે. ઇન ફૅક્ટ કોઈ જ ડેકોરેશન ન કરો તો પણ હાથથી બનેલા ગણપતિ જુઓ તો જુદા જ તરી આવતા હોય છે. આ પણ એક મહત્ત્વનું કારણ છે કે લોકો એના તરફ વળ્યા છે.’
ગણેશ કારંડે
બીજી બાબતોનું શું?
ધારો કે માટીના ગણપતિ બનાવ્યા તો શું એને તમે તમારા ઘરના ટબમાં પધરાવીને પછી એ માટીવાળા પાણીને ગાર્ડનમાં નાખી દો તો એ પ્રકૃતિ સાથે ભળી જશે? આનો જવાબ છે ના. ડેન્ટિસ્ટ તરીકે પોતાના મસમોટા ક્લિનિકમાં પ્રૅક્ટિસ કરતા અને સાથે મૂર્તિકાર તરીકેના શોખને પણ જીવતા ડૉ. કેતન નાયક કહે છે, ‘ગણપતિ બનાવવા માટે જે માટીનો ઉપયોગ થઈ રહ્યો છે એ માટી વેજિટેશનને અનુકૂળ નથી હોતી. પ્લાસ્ટર ઑફ પૅરિસ જેટલી જોખમી નથી, પરંતુ એમાં તમે કંઈ ઉગાડી ન શકો એ પણ એટલું જ સાચું છે. એટલે પ્રિફર તો માટીની મૂર્તિ જ કરો પરંતુ એનું પણ આડેધડ કુદરતી પાણીમાં વિસર્જન ન કરવું વધુ યોગ્ય છે. હું દર વર્ષે જેટલી ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિ બનાવતો હતો એની સામે આ વર્ષે ડબલ ઑર્ડર મળ્યા છે, જે દર્શાવે છે કે લોકોને હવે પ્રકૃતિના સંવર્ધનમાં રસ છે. સાતેક વર્ષમાં ડિમાન્ડમાં બહુ મોટો જમ્પ મેં પોતે પણ જોયો છે. મૂર્તિની જેમ મૂર્તિ પરનું ડેકોરેશન પણ જેટલું નૅચરલ હોય એટલું રાખો અને ધારો કે કંઈક આર્ટિફિશ્યલ હોય તો પધરાવતાં પહેલાં એ કાઢી લો. મૂર્તિના વિસર્જનમાં જાઓ ત્યારે ફટાકડા, ઢોલ-નગારાં વગેરે થકી અવાજ અને ધ્વનિનું પ્રદૂષણ ટાળો. મારી પાસે માત્ર ગણપતિ જ નહીં પણ કાયમ માટે રાખવી હોય, મ્યુઝિયમમાં મુકાયેલી હોય એવી કેટલીક ઍન્ટિક મૂર્તિઓની રેપ્લિકા બનાવવાની ડિમાન્ડ વધુ આવતી હોય છે.’
શું કામ જોખમી છે પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની મૂર્તિઓ?
PoP કુદરતી રીતે પાણીમાં ઓગળવામાં મહિનાઓ જ નહીં પણ ક્યારેક વર્ષો પણ લાગી શકે છે. એ ઝીણા કણોમાં વિઘટિત થાય છે જે જળમાર્ગોને બંધ કરી શકે છે અને પર્યાવરણમાં ટકી રહે છે. PoP મૂર્તિઓ પર વપરાતા રાસાયણિક રંગો, વાર્નિશ અને પૉલિશમાં ઘણી વાર પારો, સીસું, કેડમિયમ, ક્રોમિયમ અને કાર્બન જેવી ભારે ધાતુઓ હોય છે. જ્યારે વિસર્જન થાય છે ત્યારે આ રસાયણો જળસ્રોતોમાં ભળી જાય છે જે પાણીની ગુણવત્તા ઘટાડીને જળજર જીવો માટે જાનનું જોખમ ઊભું કરે છે.
પર્યાવરણવાદી રોહિત જોશીના અંદાજ મુજબ દર વિસર્જનમાં એકલા મહારાષ્ટ્રમાંથી વર્ષે એક કરોડ કિલો પ્લાસ્ટર ઑફ પૅરિસ દરિયામાં ઠલવાય છે. ફક્ત મુંબઈમાં જ એક વર્ષમાં ૪૬ લાખ કિલો PoP દરિયામાં ઠાલવવામાં આવ્યું હતું, જેમાં ફક્ત થાણે ખાડીમાં છ લાખ કિલો હતું.
વરલી, જુહુ, મલાડ જેવા મુંબઈના દરિયાકિનારે મૂર્તિઓના વિસર્જન પછી માછલીઓ અને કાચબાઓનાં મોટા પાયે મૃત્યુના અહેવાલો આવ્યા હતા જેમના મૃત્યુનું કારણ પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિઓના રંગોમાંથી મુક્ત થતાં ઝેરી રસાયણો જવાબદાર હતાં.
ધૂમ ડિમાન્ડમાં છે ગાયના છાણમાંથી બનેલા આ બાપ્પા
ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિના બે મુખ્ય પડકારો હોય છે. એક, વજન અને બીજું, એની કિંમત. આ વખતે આ બન્ને પડકારોનો જવાબ લઈને આવ્યાં છે સીમા અગ્રવાલ. છેલ્લા થોડાક સમયથી સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા માત્ર ૭૯૯ રૂપિયામાં ડેકોરેશન સાથે મળતા ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિના સુરતમાં રહેતા વિક્રેતા પાસે અત્યાર સુધીમાં માત્ર દેશમાંથી જ નહીં પણ વિદેશમાંથી પણ ગાયના છાણના ગણપતિની ડિમાન્ડ આવી છે. સીમા અગ્રવાલ કહે છે, ‘આમ તો અમારું મૂળ કામ આખા ગુજરાતમાં ઇલેક્ટ્રૉનિક્સ અને હોમ અપ્લાયન્સિસની સપ્લાય કરવાનું કામ છે. પોતાના શોરૂમ પણ છે. જોકે અમારા એક ખૂબ જ જૂના મૅનેજર રાજેશભાઈને પોતાની ગૌશાળા શરૂ કરવાનો વિચાર આવ્યો. ગૌશાળા શરૂ કર્યા પછી એને નિભાવવાનું કામ અઘરું હતું. એમાંથી જ અમને આઇડિયા આવ્યો કે ગાયના છાણની પ્રોડક્ટ બનાવીએ. શરૂઆત ડેકોરેટિવ આઇટમોથી કરી. દીવા, શુભ-લાભ વગેરે બનાવ્યા. એ પછી ગણપતિની મૂર્તિ બનાવવાનો વિચાર આવ્યો. એમાં ઘણી ટ્રાયલ અને એરર પછી બે વર્ષ પહેલાં અમને પૂરતી સફળતા મળી. અત્યારે ત્રણ ઇંચથી લઈને પંદર ઇંચ સુધીની મૂર્તિ બનાવીએ છીએ જે ડેકોરેશન પછી હાઇટમાં બેથી ત્રણ ઇંચ વધી જતી હોય છે. મોલ્ડની મદદથી ટોટલ ઇકો-ફ્રેન્ડ્લી પ્રોડક્ટ સાથે બનેલી મૂર્તિઓનું આ વર્ષે અમે ખૂબ મબલક પ્રોડક્શન કર્યું છે અને એટલી જ મોટી માત્રામાં ઑર્ડર પણ મળ્યા છે કારણ કે દસ ઇંચની મૂર્તિ ડેકોરેશન સાથે અમે ૭૯૯ રૂપિયામાં આપીએ છીએ અને ૧૮ ઇંચની મૂર્તિ માત્ર ૨૧૦૦ રૂપિયામાં આપીએ છીએ. આ અમારો મૂળ બિઝનેસ નથી અને ગૌશાળાને નભાવવાના પ્યૉર ભાવથી કામ શરૂ કરેલું અને ખૂબ જ અદ્ભુત રિસ્પૉન્સ અમને મળ્યો છે.’

