Mumbai Rain: મીઠી નદીનું જળસ્તર 3.9 મીટર સુધી વધી ગયું હતું, કુર્લા ખાતે ક્રાંતિ નગરના નીચાણવાળા વિસ્તારોમાંથી આશરે 350 રહેવાસીઓને ખસેડવામાં આવ્યા છે.
મીઠી નદી (ફાઈલ તસવીર)
Mumbai Rain: ગઈકાલના મુશળધાર વરસાદ બાદ આજે મંગળવારે પણ મુંબઈમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. શહેરમાં સવારે 4 વાગ્યાથી 11 વાગ્યા વચ્ચે 150 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉપનગરોમાં વરસાદની તીવ્રતા વધારે રહી હતી. ભારે વરસાદને કારણે મીઠી નદીનું જળસ્તર 3.9 મીટર સુધી વધી ગયું હતું, જેના કારણે કુર્લા ખાતે ક્રાંતિ નગરના નીચાણવાળા વિસ્તારોમાંથી આશરે 350 રહેવાસીઓને સાવચેતીના પગલારૂપે બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.
જે જે લોકોને સ્થાનાન્તરિત કરવામાં આવ્યા છે તે તમામ લોકોને બીએમસી સંચાલિત મગનલાલ માથુરામ મ્યુનિસિપલ સ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં કામચલાઉ આશ્રય આપવામાં આવ્યો છે. સિવિક બોડીએ ત્યાં તે લોકો માટે ભોજન અને અન્ય આવશ્યક સુવિધાઓની વ્યવસ્થા કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ પરિસ્થિતિ પર નજીકથી (Mumbai Rain) નજર રાખી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાની પણ સતત નજર રાખી રહ્યા છે કારણ કે ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ મુંબઈ માટે રેડ એલર્ટ જારી કર્યું છે.
ADVERTISEMENT
ભરતી ઓછી થવાની સાથે જ મીઠી નદીનું જળસ્તર 3.9 મીટરથી ઘટીને 3.6 મીટર થઈ ગયું છે. સતત પડી રહેલા ભારે વરસાદ વચ્ચે BMCએ નાગરિકોને સાવચેત રહેવા અને સિવિક બોડી તેમ જ મુંબઈ પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી સલાહનું કડક પાલન કરવાની (Mumbai Rain) અપીલ કરી છે.
નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ધારાસભ્ય દિલીપ લાંડે સાથે કુર્લા પશ્ચિમના ક્રાંતિ નગરની મુલાકાત લીધી હતી, જ્યાં બેલબઝારમાં ભારે વરસાદને પગલે મીઠી નદીનું પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યું હતું. બીએમસી, મુંબઈ પોલીસ, એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા ક્રાંતિ નગરના રહેવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
મુંબઇમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ (Mumbai Rain)ને કારણે લોકલ સેવા ખોરવાઈ છે. પશ્ચિમ રેલવેની અનેક લોકલ ધીમી ગતિએ ચાલી રહી છે. જ્યારે મધ્ય રેલવેએ સીએસએમટી અને કુર્લા વચ્ચે ઉપનગરીય સેવાઓ સંપૂર્ણપણે સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "હાર્બર લાઇન પર સવારે 11:20થી સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી, અને મુખ્ય લાઇન પર, ઝડપી સેવાઓ સવારે 11:25થી બંધ કરવામાં આવી હતી."
દિવસ ઊગ્યો ત્યારથી જ મધ્ય રેલવેએ ચેતવણી આપી હતી કે મીઠી નદી ખતરાના નિશાનને વટાવી ગઈ છે, જેના કારણે બીએમસીને દરવાજા બંધ કરવાની ફરજ પડી હતી. જેના કારણે રેલ્વે ટ્રેક પર પાણી ભરાઈ ગયું હતું. સાવચેતીના ભાગરૂપે સવારે 11:45થી સ્લો લાઇન સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી હતી જેથી સેન્ટ્રલ લાઈનની ઉપનગરીય સેવાને સંપૂર્ણ સ્થગિત થઇ હતી.
વધુમાં, પશ્ચિમ રેલવેની વાત કરીએ તો વિરાર-વસઈ સેવાઓ પ્રભાવિત થઇ છે. હવામાન વિભાગે મુંબઈ અને ઉપનગરીય વિસ્તારોમાં 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારેથી અતિ ભારે વરસાદ (Mumbai Rain)ની આગાહી કરી છે. મુશળધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, માર્ગ ટ્રાફિકમાં વિક્ષેપ પડ્યો હતો અને લોકલ ટ્રેન સેવાઓ ધીમી પડી હતી, જેના કારણે શહેર અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય જીવન પ્રભાવિત થયું હતું. આજના રેડ એલર્ટ પછી આવતીકાલ માટે IMDએ મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. જેમાં મુંબઈ, પાલઘર, થાણે અને રત્નાગીરીનો સમાવેશ થાય છે.

