વિદ્યાર્થીઓની વિજેતા ટીમ - ક્રિષા પટેલ, શ્રેયા પટેલ અને જાનવી પાટીલે ડૉ. ગાયત્રી પટેલના માર્ગદર્શન હેઠળ, પોસ્ટપાર્ટમ હેમરેજ (PPH) ને અસરકારક રીતે મેનેજ કરવા ગર્ભાશયના પોલાણમાં ટાર્ગેટેડ ડ્રગ ડીલીવરી માટે ઇનોવેટીવ હિમોએબ્સોર્બન્ટ સિસ્ટમ વિકસાવી છે.
ચારુસેટ-RPCPના વિદ્યાર્થીઓ નેશનલ લેવલ MSME હેકાથોનમાં 12 લાખનું ગ્રાન્ટ જીત્યા
ચારુસેટ યુનિવર્સીટી સંલગ્ન રમણભાઈ પટેલ કૉલેજ ઑફ ફાર્મસી (RPCP) ના વિદ્યાર્થીઓએ નેશનલ લેવલે ચારુસેટનું ગૌરવ વધાર્યું છે અને MSME હેકાથોન 4.0 માં લાઈફ સેવિંગ મેટરનલ હૅલ્થ ઇનોવેશન માટે રૂ. 12 લાખની ગ્રાન્ટ જીત્યા છે. તેઓએ માતૃત્વ આરોગ્ય સંભાળમાં લીડીંગ કોમ્પ્લીકેશન - પોસ્ટપાર્ટમ હેમરેજ (PPH) માટે નવીન ઉપચારાત્મક અભિગમ ડિઝાઇન કરવા માટે રૂ. 12 લાખની ગ્રાન્ટ મેળવીને રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરી છે.
વિદ્યાર્થીઓની વિજેતા ટીમ - ક્રિષા પટેલ, શ્રેયા પટેલ અને જાનવી પાટીલે ડૉ. ગાયત્રી પટેલના માર્ગદર્શન હેઠળ, પોસ્ટપાર્ટમ હેમરેજ (PPH) ને અસરકારક રીતે મેનેજ કરવા ગર્ભાશયના પોલાણમાં ટાર્ગેટેડ ડ્રગ ડીલીવરી માટે ઇનોવેટીવ હિમોએબ્સોર્બન્ટ સિસ્ટમ વિકસાવી છે. આ સંશોધનનો હેતુ રક્તસ્રાવના સ્થળે દવાની અસરકારકતા વધારવા, પ્રણાલીગત આડઅસરો ઘટાડવા અને માતાના સ્વાસ્થ્ય પરિણામોમાં સુધારો કરવાનો છે. PPH વિશ્વભરમાં માતાઓના મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક છે, ખાસ કરીને જ્યાં તબીબી સુવિધાઓ ઓછી છે ત્યાં આ પ્રકારના માતાઓના મૃત્યુ વધારે થાય છે. આ નવી સિસ્ટમ જરૂરિયાતમંદ માતાઓનો જીવ બચાવવા અને આરોગ્ય સેવાઓ સુધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
ADVERTISEMENT
પોસ્ટપાર્ટમ હેમરેજ એ વિશ્વભરમાં માતૃત્વ મૃત્યુદરનું એક મુખ્ય કારણ છે અને વિદ્યાર્થીઓની વિજેતા ટીમનું આ ઇનોવેશન ઈમરજન્સી ઓબ્સેસ્ટ્રીક કેરમાં નોંધપાત્ર પ્રદાન છે. આ પ્રોજેક્ટને તેની ક્લિનિકલ સુસંગતતા, નવીન અભિગમ અને માતાનો જીવ બચાવવાના દરમાં નોંધપાત્ર સુધારો કરવાની ક્ષમતા માટે નિષ્ણાતો તરફથી પ્રશંસા મળી છે. MSME આઈડિયા હેકાથોન 4.0 કેન્દ્ર સરકારના માઇક્રો, સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઈઝીસ (MSME) મંત્રાલય દ્વારા આયોજિત નેશનલ લેવલની સ્પર્ધા છે, જે વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સની નવીન વિચારધારાને પ્રોત્સાહન આપે છે. સ્પર્ધામાં ઇન્સ્ટીટ્યુટ લેવલે નિષ્ણાતો દ્વારા સમીક્ષાથી લઈને નેશનલ લેવલે અંતિમ પસંદગી સુધીના વિવિધ તબક્કાઓ હતા.
આ પ્રોજેક્ટ માટે AIC-GISC ફાઉન્ડેશન, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU Ventures) હોસ્ટ ઇન્સ્ટિટ્યૂટ તરીકે કાર્ય કરી રહ્યું છે અને માર્ગદર્શન તેમજ ઇન્ક્યુબેશન સહાય આપે છે. આ સિદ્ધિ ચારુસેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું સંશોધન, તાત્કાલિક આરોગ્યસંભાળ સમસ્યાઓ માટે ઉપયોગી અને અસરકારક ઉકેલો આપવાની ક્ષમતા દર્શાવે છે અને RPCP ની સમાજના હિત માટે થતી સંશોધન કામગીરીની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. RPCP ના પ્રિન્સીપાલ ડૉ. મનન રાવલ અને સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન સેન્ટર (CSIC)ના કો-ઓર્ડીનેટર ડૉ. જૈમિન ઉંડાવિયા વિદ્યાર્થીઓને આ પ્રકારની પહેલ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં હંમેશા તત્પર છે. ચારુસેટના ઇન્ચાર્જ પ્રોવોસ્ટ અને રજીસ્ટ્રાર ડૉ. અતુલ પટેલે વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.

