ઉત્તર ભારત, મધ્ય ભારત અને ઈવન પશ્ચિમ ભારતની સરખામણીએ સાઉથ ઇન્ડિયામાં સનાતન સંસ્કૃતિ, ધર્મ, શાસ્ત્રો, સ્થાપત્યો વધારે સારી રીતે સચવાયાં છે.
સ્વયંભૂ વરાહ સ્વામીની મૂર્તિ
ઉત્તર ભારત, મધ્ય ભારત અને ઈવન પશ્ચિમ ભારતની સરખામણીએ સાઉથ ઇન્ડિયામાં સનાતન સંસ્કૃતિ, ધર્મ, શાસ્ત્રો, સ્થાપત્યો વધારે સારી રીતે સચવાયાં છે. કર્ણાટક, કેરલા, તામિલનાડુ, આંધ્ર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં સેંકડો એવાં મંદિરો છે જે બે-અઢી હજાર વર્ષથી અસ્તિત્વમાં છે એટલું જ નહીં, નિર્માણ થયાં ત્યારથી પૂજાતાં આવ્યાં છે. અરે, આ વિસ્તારમાં ભગવાનના, દેવોના, માતૃશક્તિના ભિન્ન-ભિન્ન અવતારોને સમર્પિત મંદિરો છે તો સાથે ગ્રહો-નક્ષત્રોનાં પણ અલાયદાં તથા વિશાળ મંદિરો છે
વેલ, દક્ષિણ ભારતનાં અવનવાં મંદિરોની સૂચિમાંથી આજે જઈએ વિષ્ણુ ભગવાનના સૌથી શક્તિશાળી સ્વરૂપ વરાહ અવતારના મંદિરમાં. એ પહેલાં સતયુગમાં એક લટાર મારીને વરાહ અવતારની કથા જાણી લઈએ.
lll
સૃષ્ટિના રચયિતા વિષ્ણુ ભગવાનનો ત્રીજો અવતાર વરાહ. આપણા પ્રાચીન વેદો કહે છે કે મત્સ્ય, કૂર્મની જેમ વરાહ અવતાર પણ મૂળ રૂપે પ્રજાપતિ રૂપ છે જેનું મહત્ત્વ બ્રહ્માજી જેટલું છે. આ ત્રણેય અવતારોએ સૃષ્ટિના સંરક્ષક અને ઉદ્ધારકની ભૂમિકા નિભાવી છે. માનવશરીરની ઉપર સૂવર (ભૂંડ) જેવું મુખ ધરાવતા વરાહ અવતારનો જન્મ ભૂદેવી (પૃથ્વીલોક)ને અતિ બળવાન અસુર હિરણ્યાક્ષની ચુંગાલમાંથી છોડાવવા થયો હતો. પ્રાચીન પુરાણો આલેખે છે કે એક વખત સપ્ત ઋષિઓ વિષ્ણુ ભગવાનને મળવા વૈકુંઠ ગયા. ત્યાં દ્વારપાલ જય અને વિજયે ઋષિઓને દ્વાર પર રોકી લીધા અને પ્રભુને મળવા ન દીધા. આથી ક્રોધિત થઈ સાતે ઋષિએ બેઉ દરવાનને ત્રણ જન્મ સુધી પૃથ્વીલોકમાં દૈત્ય બનીને રહેવાનો શ્રાપ આપ્યો. ઋષિઓનો શ્રાપ એટલે ફેલ જાય જ નહીં. જય અને વિજય પહેલા જન્મમાં કશ્યપ ઋષિ અને દિતિ માતાના પુત્રો રૂપે જન્મ્યા અને બેઉનું નામ પડ્યું હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ. માતા-પિતા તપસ્વી, અત્યંત જ્ઞાની અને સાધક. આથી બેઉ સંતાનો પણ પ્રભુભક્તિ, સાધક અને તપસ્વી બન્યા. સદીઓ ને સદીઓ ઘોર કઠિન તપ કરીને તેમણે બ્રહ્માજીની મહેર પ્રાપ્ત કરી, પરંતુ ગયા ભવમાં ઋષિઓના શ્રાપને કારણે હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ પોતાની શક્તિ આસુરી કાર્યોમાં વાપરવા લાગ્યા. ક્ષીરનીરના ભાવ વગર તેઓ દેવલોક, પાતાળલોક, પૃથ્વીલોકને રંજાડતા. તેમણે આખેઆખી પૃથ્વીને પાતાળના છેડે નાખી દીધી. એ પછી એક દિવસ હિરણ્યાક્ષ ફરતાં-ફરતાં વરુણદેવની નગરીમાં પહોંચી ગયા અને પાતાળલોકના દેવને યુદ્ધ માટે લલકારવા લાગ્યા. વરુણદેવે કહ્યું કે તમારા જેવા બળવાન સાથે લડવાનું મારું ગજું નહીં, તમારે તો વિષ્ણુજી સાથે લડવું જોઈએ. આથી દેવોએ તથા ભૂદેવીએ બ્રહ્માજી અને વિષ્ણુજીને એ દાનવથી મુક્ત કરવાની વિનંતી કરી અને સ્વયં બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરીને પોતાની નાસિકામાંથી વિષ્ણુના વરાહ અવતારને જન્મ આપ્યો (આથી પણ તેઓ પ્રજાપતિ બ્રહ્માજીનું સ્વરૂપ કહેવાયા).
આ બાજુ વરુણદેવને વરાહ અવતારનો કોઈ અંદેશો નહોતો. તેઓ તો હિરણ્યાક્ષના કોપથી કાંપતા હતા. તેમણે નારદજીને પૂછ્યું કે આ સૃષ્ટિને મદદ કોણ કરશે? ત્યારે દેવર્ષિ નારાયણે જણાવ્યું કે વિષ્ણુ ભગવાન વરાહનું રૂપ ધારણ કરીને ઑલરેડી પૃથ્વીને સમુદ્રમાંથી કાઢવા પહોંચી ગયા છે. એ વાત જાણીને હિરણ્યાક્ષ પણ ત્યાં પહોંચી ગયો અને બન્ને વચ્ચે મહાયુદ્ધ શરૂ થઈ ગયું. વરાહ સ્વામીએ પોતાના અદ્વિતીય દાંતોથી હિરણ્યાક્ષનું પેટ ફાડી નાખ્યું અને તેનો અંત આણ્યો તથા ભૂલોકને પોતાના ખાસ દંત પર રાખીને પાતાળમાંથી પાછું લઈ આવીને એના સ્થાને મૂક્યું. કથા અનુસાર એ પછી તેમણે ભૂદેવી સાથે લગ્ન કર્યાં જેના પ્રતીકરૂપે અનેક પ્રાચીન મૂર્તિઓમાં ભૂદેવી તેમની એક જાંઘ પર બેઠાં હોય છે.
lll
આ તો થઈ વરાહ અવતારની કથા. હવે જઈએ વરાહ સ્વરૂપના મંદિરમાં.
દક્ષિણ ભારતમાં તિરુમલામાં, તેલંગણમાં, વિશાખાપટ્ટનમમાં તથા કુડ્ડાલોરમાં વરાહ સ્વામીનાં મંદિરો છે. એમાં તિરુમલાનું મંદિર તો પ્રખ્યાત પણ છે. જોકે આજે આપણે જઈએ તામિલનાડુના કુડ્ડાલોરના શ્રી મુષણ્ણમમાં આવેલા શ્રી ભૂ વરાહ સ્વામી મંદિરે. એ પ્રાચીન હોવા સાથે અત્યંત પાવરફુલ પણ છે અને કહેવાય છે કે આ વરાહ સ્વામી સ્વયંભૂ છે.
તામિલનાડુ રાજ્યમાં આવેલું કુડ્ડાલોર પોર્ટ સિટી છે. પૈન્નાર, કેડિલમ, ઉષ્ષાનાર તથા પરવનાર નદીઓના સંગમ પર બંગાળના ઉપસાગરના તટે આવેલા આ શહેરનો ઇતિહાસ ઘણો પુરાણો છે. ફ્રેન્ચ, પોર્ટુગલ, અંગ્રેજો પહેલાં અહીં પલ્લવો અને ચૌલોએ પણ શાસન કર્યું છે અને અપૂર્વ ભૌગોલિક સ્થાનને કારણે જ કુડ્ડાલોર આજે પણ બિઝનેસ-હબ છે. આ જિલ્લામાં જ શ્રી મુષણ્ણમ ગામે ભૂ વરાહ સ્વામી બિરાજે છે. ૧૦૦૦ વર્ષથી વધુ પ્રાચીન આ મંદિર વિજયનગર સામ્રાજ્યના થાંજાવુરનગરના રાજા અચ્યુતપ્પા નાયકે બનાવડાવ્યું છે. સાતસ્તરીય, રંગીન બે-બે ગોપુરમ, ૧૨ ફુટ ઊંચી ગ્રેનાઇટની દીવાલ, મંદિર પરિસરની ફરતે સરસ દસ તળાવ, મુખ્ય મંદિરની બહાર ૮૦ ફુટ ઊંચો અંખડ સ્તંભ, અનેક અલંકૃત સ્તંભો સહિતનો વિશાળ પરિક્રમા પથ અને મંદિરના મધ્યમાં શાલિગ્રામના બે ફુટ ઊંચા સ્વયંભૂ ભૂ વરાહ સ્વામી. ઓહ! અવિસ્મરણીય. મૂળમાં આ મૂર્તિનું ક્યારે પ્રાગટ્ય થયું એનો ઇતિહાસ નથી, પરંતુ નજીકનાં શિવાલયોના પ્રાચીન શિલાલેખો વર્ણવે છે કે ઈસવી સન ૧૦૬૮ની આસપાસ વીર રાજેન્દ્ર ચૌલ રાજાએ આ દેવને ઉપહારોની નવાજેશ કરી હતી. અર્થાત્, એ સમયે અહીં ભૂ વરાહ સ્વામી તો હતા જ અને તેમનું મંદિર પણ હતું. એ પછી ૪૦૦ વર્ષના કાળક્રમનો ઉલ્લેખ ક્યાંય નથી મળતો, પરંતુ હાલમાં ઊભેલું આ દેવાલય ઈસવી સન ૧૪૬૫થી ૧૦૦ વર્ષના ગાળામાં બન્યું છે.
દ્રવિડિયન વાસ્તુકલાથી શોભિત આ મંદિરના સ્થાનની કથા વળી અનુઠી છે. કહે છે કે જ્યારે હિરણ્યાક્ષ પૃથ્વીલોકને ચોરીને પોતાના ક્ષેત્ર પાતાળમાં લઈ ગયો ત્યારે પૃથ્વીદેવી (ભૂદેવી)એ વિષ્ણુ ભગવાનને બચાવવાની આજીજી કરી અને વિષ્ણુજીએ પ્રસન્ન થઈ વરાહ રૂપમાં તેમને દર્શન આપ્યાં અને અસુર હિરણ્યાક્ષનો વધ કર્યો. તેમની વચ્ચે થયેલી હાથાપાઈમાં વરાહ સ્વામીના પરસેવાનાં ટીપાંઓ આ ભૂમિ પર પડ્યાં જે આજે નિત્ય પુષ્કરણી કુંડના નામે ઓળખાય છે.
વરાહ સ્વામીની મૂર્તિ વિશે કહેવાય છે કે મરતાં પહેલાં દાનવે પ્રભુને પોતાના તરફ મુખ ફેરવવાની વિનંતી કરી. વિષ્ણુજીએ એમ કર્યું. આથી તેમનું આખું શરીર સીધું છે, પરંતુ ચહેરો દક્ષિણ દિશા તરફ વળેલો છે. આ મંદિરની ગણના વિષ્ણનાં આઠ સ્વયંભૂ ક્ષેત્રોમાં થાય છે. આથી જગદ્ગુરુ માધવાચાર્ય અહીં અનેક વખત પધાર્યા છે અને ચાર્તુમાસ દરમ્યાન રોકાણ પણ કર્યું છે. જોકે અહીં દરેક ધાર્મિક અનુષ્ઠાન પંચરાતાર આગમ અનુસાર કરવામાં આવે છે. એમાં દિવસમાં ૬ વખત ભોગ, શણગાર , દીપદાન, નાદસ્વરમ્, તવિલ આદિ ક્રિયાઓ હોય છે. એ ઉપરાંત બ્રહ્મોત્સવ, ચિત્તિરાઈ (ચૈત્ર મહિને થતી ધાર્મિક વિધિ), નવરાત્રિ, દશેરા, દીપાવલિ, ઉત્તરાયણ વગેરે ઉત્સવો મનાવાય છે.
મંદિરમાં ભૂ વરાહ સ્વામી ઉપરાંત તેમનાં પત્ની અમ્બુજાવલ્લી થાયર (લક્ષ્મીજી)ની પણ સુંદર મૂર્તિ છે. એ સાથે જ ગરુડ, નમ્માલવાર (એક સંત), વેણુ ગોપાલ, વિશ્વકસેના, વેદાંત દક્ષિકા, હનુમાનજી, લક્ષ્મણને ખભે ઉઠાવીને ઊભેલા રામજીની નાની દેરીઓ છે. મંદિર વિશાળ છે અને એનું મહત્ત્વ વિરાટ છે, પરંતુ આ ગામ નાનું છે એટલે યાત્રાળુઓને રહેવા-જમવાની બહુ વ્યવસ્થા નથી. એ વ્યવસ્થા ચિદમ્બરમમાં જ કરવાની રહે છે અને ત્યાં પહોંચવા માટે મુંબઈથી ચિદમ્બરમની ટ્રેન કે ચેન્નઈની ફ્લાઇટ લેવાની રહે છે. ચિદમ્બરમથી શ્રી મુષણ્ણમ ૩૦ કિલોમીટર છે અને પાટનગર ચેન્નઈથી ૨૨૬ કિલોમીટર છે. જોકે ચેન્નઈથી પૉન્ડિચેરીનો કોસ્ટલ રોડ સુપર્બ છે અને ત્યાંથી ૫૦ કિલોમીટરે જ ભૂ વરાહ સ્વામીની નગરી છે.


