બે વર્ષ પહેલાં થયેલા અકસ્માત પાછળ કોણ જવાબદાર હતું એની માહિતી મેળવવા પોલીસે BEST પાસે માહિતી માગી : નીતિન ભોજાણીની બે વર્ષથી ઇન્કમ બંધ છે અને સારવારમાં ૨૦ લાખ વપરાઈ ગયા છે
રાજકોટના નીતિન ભોજાણી.
રાજકોટના ૬૨ વર્ષના નીતિન ભોજાણી ૨૦૨૩ની ૨૯ નવેમ્બરે સિદ્ધિવિનાયક મંદિર અને મહાલક્ષ્મી મંદિરમાં દર્શન કરી પાછા જઈ રહ્યા હતા ત્યારે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની એક બસની અડફેટે આવતાં તેમના પગમાં ગંભીર ઈજા થઈ હતી. જમણા પગની ઈજા એટલી હદે વકરી હતી કે એમાં તેમણે એક પગ કપાવવો પડ્યો હતો એટલું જ નહીં, એની સારવાર પાછળ છેલ્લાં બે વર્ષમાં ૨૦ લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો. BESTની બસના ડ્રાઇવરની બેદરકારીને લીધે તેમના પરિવારે ભારે પરેશાની ભોગવવી પડી હતી. આ સંદર્ભે ન્યાય મેળવવા તેમણે ગુરુવારે તાડદેવ પોલીસ-સ્ટેશનમાં બસ-ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે BEST પાસે ડ્રાઇવર વિશે વિગતવાર માહિતી મગાવી છે અને એ સમયે શું થયું હતું એ જાણવા માટેના પ્રયત્ન ચાલી રહ્યા છે.
શું હતી ઘટના?
ADVERTISEMENT
નીતિન ભોજાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો અકસ્માત થયો એ પહેલાં હું પ્રિન્ટિંગ પ્રેસનો વ્યવસાય કરતો હતો. એના એક કામ માટે ૨૦૨૩ની ૨૯ નવેમ્બરે મુંબઈ આવી ગ્રાન્ટ રોડના એક ગેસ્ટહાઉસમાં રોકાયો હતો. એ દિવસે વહેલી સવારે સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરી મહાલક્ષ્મી મંદિર ગયો હતો. ત્યાં દર્શન કર્યા પછી પાછો ગેસ્ટહાઉસ જવા માટે હાજી અલી જંક્શન પર બસ પકડવા આવ્યો હતો ત્યારે સવારે ૧૧.૧૫ વાગ્યે BESTની રૂટ-નંબર ૧૨૪ની બસ આવી હતી અને એ ઍર-કન્ડિશન્ડ હતી એટલે એનો ઑટોમૅટિક દરવાજો ખૂલ્યો ત્યારે મેં અંદર બેઠેલા પ્રવાસીને પૂછ્યું હતું કે ‘શું આ બસ ગ્રાન્ટ રોડ જશે?’ એ વખતે મારો એક પગ બસના પગથિયા પર અને બીજો પગ જમીન પર રાખીને ઊભો હતો. ત્યારે બસમાંના પ્રવાસીઓ તરફથી મને કોઈ જવાબ ન મળ્યો અને થોડા સમય પછી બસનો દરવાજો બંધ થવા માંડ્યો અને બસ આગળ વધવા માંડી હતી. એ વખતે મારું બૅલૅન્સ જતાં હું રસ્તા પર પડ્યો અને બસનું પાછળનું પૈડું મારા જમણા પગ પર ચડી ગયું હતું અને બસ અટકી હતી. એ પછી બસમાં બેઠેલા અમુક લોકોનું મારા પર ધ્યાન જતાં તેઓ મને ટૅક્સીમાં નાયર હૉસ્પિટલ લઈ ગયા હતા.’
પગ કપાવવો પડ્યો
નીતિન ભોજાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નાયર હૉસ્પિટલમાં મારી સારવાર માટે પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી મને એ જ દિવસે KEM હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. ત્યાં મારા જમણા પગમાં સર્જરી કરવામાં આવી હતી. મારા જમણા પગમાં ચેપ વધી રહ્યો હોવાથી મારા પરિવારજનોએ મને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ મને રાજકોટની વેદાંત મલ્ટિસ્પેશ્યલિટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં મારી સતત એક મહિના સુધી સારવાર ચાલી હતી. દરમ્યાન મારા જમણા પગમાં ચેપ વધતો જતો હોવાથી ડૉક્ટરે જમણો પગ કાપવાની સલાહ આપતાં આખરે મારે એ કપાવવો પડ્યો હતો.’
ન્યાયની અપેક્ષા
નીતિનભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે વર્ષ પહેલાં મારો પોતાનો પ્રિન્ટિંગ પ્રેસનો વ્યવસાય હતો જેમાંથી મારા પરિવારનું ગુજરાન ચાલતું હતું, પણ જ્યારથી ઍક્સિડન્ટ થયો છે ત્યારથી હું સતત બેડરેસ્ટ પર છું. કોઈ કામ કરી શકું એવી મારી હાલત નથી. મારી સારવાર પાછળ છેલ્લાં બે વર્ષમાં ૨૦ લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થઈ ગયો છે એને કારણે આર્થિક અને માનસિક એમ બન્ને રીતે હું અને મારો પરિવાર પરેશાન છીએ. આ સંદર્ભે મને ન્યાય મળે તેમ જ મારા અકસ્માત માટે જવાબદાર BESTના બસ-ડ્રાઇવર સામે કાર્યવાહી કરવામાં આવે એવી માગણી માટે મારો એક પગ કમરથી ન હોવા છતાં ફરિયાદ નોંધાવવા હું રાજકોટથી મુંબઈ આવ્યો હતો. પોલીસ મને ન્યાય અપાવશે એવી મને તેમની પાસે આશા છે.’
BEST પાસેથી માહિતી મગાવવામાં આવી
તાડદેવ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે વર્ષ પહેલાં આ અકસ્માત થયો હતો જેની નોંધ હાલમાં અમારી પાસે કરવામાં આવી છે. આ સંદર્ભે અમે ફરિયાદીએ આપેલી માહિતી મુજબ ફરિયાદ નોંધી છે; પણ એ દિવસે શું થયું હતું, કયો બસ-ડ્રાઇવર હતો, કોણે ફરિયાદીને હૉસ્પિટલ પહોંચાડ્યો એની માહિતી BEST પાસે માગી છે તેમ જ નાયર હૉસ્પિટલમાં જ્યાં ફરિયાદીને ઍડ્મિટ કરવામાં આવ્યો હતો એની માહિતી મેળવવાના પ્રયાસ અમે કરી રહ્યા છીએ.’


