Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > મનુસ્મૃતિને ગાળો આપતાં પહેલાં એક વાર મનુસ્મૃતિ વિશે સાચી રીતે જાણો તો ખરા

મનુસ્મૃતિને ગાળો આપતાં પહેલાં એક વાર મનુસ્મૃતિ વિશે સાચી રીતે જાણો તો ખરા

Published : 30 August, 2026 12:48 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

તાજેતરમાં રાહુલ ગાંધીએ કરેલા મનુસ્મૃતિની ટિપ્પણીઓને કારણે ઐતિહાસિક સમયથી વિવાદિત રહેલો આ ગ્રંથ ફરી એક વાર ચર્ચામાં છે. અવારનવાર વામપંથીઓ ‘મનુવાદ’થી આઝાદી માગતા હોય છે. એ બધા જ સવાલોના જવાબો મનુસંહિતાનો વિગતવાર અભ્યાસ કરનારાઓ નિષ્ણાતો પાસેથી જ મેળવીએ

મનુસ્મૃતિને ગાળો આપતાં પહેલાં એક વાર મનુસ્મૃતિ વિશે સાચી રીતે જાણો તો ખરા

મનુસ્મૃતિને ગાળો આપતાં પહેલાં એક વાર મનુસ્મૃતિ વિશે સાચી રીતે જાણો તો ખરા


વાતની શરૂઆત એક ઐતિહાસિક ઘટનાથી કરીએ. ૧૯૨૭ની ૨૦ માર્ચે ડૉ. બાબાસાહેબ આંબેડકરે રાયગડ જિલ્લાના મહાડના ચવદાર તળાવ પરથી દલિતોને પીવાનું પાણી મેળવવાનો અધિકાર અપાવવા માટે સત્યાગ્રહ કર્યો, જેના વિરોધમાં ઉચ્ચ જાતિના કેટલાક લોકોએ તળાવનું શુદ્ધીકરણ કર્યું અને દલિતો પર હુમલા કર્યા. એના વિરોધમાં ૧૯૨૭ની પચીસ ડિસેમ્બરે યોજાયેલી એક પરિષદમાં લેવાયેલા સામૂહિક નિર્ણયના ઉપક્રમે ડૉ. આંબેડકરે મનુસ્મૃતિનું દહન કર્યું અને ત્યારથી એ દિવસને ‘મનુસ્મૃતિ દહન દિવસ’ તરીકે ઊજવીને આંબેડકરવાદીઓ મનુસ્મૃતિ ગ્રંથનું દહન કરે છે. 
કેટલાક ઐતિહાસિક દસ્તાવેજો આ ઘટનાનો ઉલ્લેખ કરે છે, પરંતુ એની યથાર્થતા પર આજે પણ કેટલાક વિદ્વાનો પ્રશ્ન ઉઠાવે છે. જેમ કે ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના ભૂતપૂર્વ વડા, આર્ય સમાજમાં બાળપણથી જોડાઈને પટેલમાંથી બ્રાહ્મણ બનેલા અને શાસ્ત્રીજી તરીકે જ ઓળખાતા ડૉ. કમલેશ ચોકસી આ ઘટના યથાર્થ હોવાની બાબતમાં શંકા વ્યક્ત કરતાં કહે છે, ‘આજે આપણે ત્યાં ગામડાંમાં રહેતા ઘણા લોકો રાહુલ ગાંધીને ગાંધીજીના વંશજ તરીકે જુએ છે. આજે ત્રીસ-ચાલીસ વર્ષ પહેલાંની બાબતમાં પણ વાસ્તવિકતામાં ઊભું કરવામાં આવેલું નૅરેટિવ ભેળસેળ કરી નાખે છે તો આટલાં વર્ષ પહેલાં આ ઘટનાનો ઉલ્લેખ જે રીતે અમુક ઇતિહાસકારો કરે છે એ વાતને પૂર્ણતઃ સ્વીકારી ન શકાય, કારણ કે એ વાતના અઢળક દાખલા છે જ્યાં આપણે ત્યાં ઇતિહાસમાં અપભ્રંશ થઈને ખોટી માહિતીઓનો પારાવાર પ્રચાર-પ્રસાર થયો હોય. મનુસ્મૃતિમાં પણ આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી અને સુરેન્દ્ર કુમાર નામના વિદ્વાનો સાથે મળીને ઊંડા અભ્યાસ પછી આપસમાં વિરોધાભાસ ધરાવતા કેટલાક શ્લોકોનો અભ્યાસ કર્યો જેમાં પ્રતીત થયું કે આખા ગ્રંથમાં પાછળથી ઉમેરાયેલા હોઈ શકે એવા શ્ળોકોની સંખ્યા ખૂબ મોટી હોઈ શકે.’
ડૉ. કમલેશ ચોકસીએ મનુસ્મૃતિના આવા શ્ળોકોનો ઉલ્લેખ દાખલા-દલીલો સાથે કર્યો છે જેની વાત આપણે આગળ કરીશું, પરંતુ આ આખો મુદ્દો જેને કારણે નીકળ્યો છે એ ઘટનાને પણ ફરી એક વાર તાજી કરી લઈએ. બન્યું એવું કે પુણે ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમ્યાન રાહુલ ગાંધીએ મહિલા સશક્તીકરણ અને સ્ત્રીઓની સ્વાયત્તતા પર બોલતી વખતે મનુસ્મૃતિના એક શ્ળોકને ટાંકીને તીખો પ્રહાર કર્યો હતો. આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટી (BJP), સાધુ-સંતો અને વિચારકો તરફથી જવાબોનો દોર શરૂ થયો અને મનુસ્મૃતિ વિશે દેશભરમાં એક નવો રાજકીય અને સામાજિક સંવાદ છેડાઈ ગયો. જોકે જે પણ કહેવાઈ રહ્યું છે અને જેમના દ્વારા કહેવાઈ રહ્યું છે શું તેમણે ખરેખર સંપૂર્ણ મનુસ્મૃતિનો અભ્યાસ કર્યો છે? તો એનો જવાબ મળવો મુશ્કેલ છે. આ અને ભૂતકાળમાં પણ મનુસ્મૃતિને લગતા અને મનુવાદનો વિરોધ કરનારાઓ બેફામપણે આ ધર્મગ્રંથને ગાળો ભાંડતા રહ્યા હોય ત્યારે જેમણે ખરેખર મનુસ્મૃતિનો અભ્યાસ કર્યો હોય તેમની પાસેથી જાણવું મહત્ત્વનું છે કે ખરેખર મનુસ્મૃતિમાં છે શું? મનુસ્મૃતિના શ્લોકમાં વાંધો છે કે એના અર્થઘટનમાં? આટલા બધા હિન્દુ ધર્મગ્રંથો છે છતાં પણ મનુસ્મૃતિને જ શું કામ આટલું મહત્ત્વ મળ્યું છે? ડૉ. બાબાસાહેબને દેખાયેલો જાતિવાદ અને રાહુલ ગાંધીએ કહેલી સ્ત્રીઓની સ્વતંત્રતાને હણતી વાતો મનુસ્મૃતિમાં કઈ રીતે સમાવાઈ છે? ખરેખર એ આક્ષેપો પાછળ કોઈ તથ્ય છે? આ બધા જ સવાલોના જવાબ મેળવીએ.

મનુસ્મૃતિમાં છે શું?



માનવ-ધર્મશાસ્ત્ર તરીકે જાણીતો મનુસ્મૃતિ એ પ્રાચીન ધર્મશાસ્ત્ર અને કાયદાનો એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. મનુસ્મૃતિ સમજતાં પહેલાં આ બન્ને શબ્દની સંધિને પણ જુદી-જુદી સમજીએ. હિન્દુ પૌરાણિક અને વૈદિક પરંપરામાં મનુને માનવજાતના પ્રથમ પુરુષ માનવામાં આવે છે. સંસ્કૃત શબ્દ મનન કરવું પરથી મનુ શબ્દ બન્યો છે અને મનુના વંશજ હોવાના કારણે જ આપણને ‘માનવ’ કે ‘મનુષ્ય’ કહેવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર બ્રહ્માજીએ સૃષ્ટિને આગળ વધારવા સ્વાયંભુવ મનુ અને તેમની પત્ની શતરૂપાની રચના કરી હતી. હિન્દુ કાળગણના મુજબ એક ‘કલ્પ’માં કુલ ૧૪ મનુ થાય છે. જોકે અહીં મનુસ્મૃતિના રચયિતા તરીકે જે મનુને યાદ કરાય છે તેઓ એક મહાન ઋષિ, રાજા અને કાયદાશાસ્ત્રી હતા જેમણે પ્રાચીનકાળમાં સામાજિક વ્યવસ્થા, રાજધર્મ અને માનવકર્તવ્યોના નિયમો આપ્યા હતા અને ઇતિહાસકારોના મતે લગભગ ૩૫૦૦થી ૨૨૦૦ વર્ષની આસપાસ થયા હોવાનું મનાય છે. મનુસ્મૃતિમાં કુલ ૧૨ અધ્યાય છે અને લગભગ ૨૭૦૦ જેટલા શ્લોક છે. આ સંદર્ભે બનારસ હિન્દુ યુનિવર્સિટીના ધર્મશાસ્ત્ર વિભાગના નિષ્ણાત પ્રોફેસર શંકરકુમાર મિશ્રા કહે છે, ‘સંસ્કૃતમાં સ્મૃતિનો શાબ્દિક અર્થ થાય છે ‘જે યાદ રાખવામાં આવ્યું છે તે’ અથવા તો સ્મરણ કરાયેલું સાહિત્ય. ભારતીય વૈદિક પરંપરામાં સાહિત્યના બે મુખ્ય વિભાગ છે. શ્રુતિ એટલે કે જે સાંભળીને અક્ષરશઃ જાળવી રખાયું છે એ. જેમ કે વેદ અને ઉપનિષદ. જે અનાદિ અને અપરિવર્તનીય ગણાય છે. બીજો વિભાગ છે સ્મૃતિ, જે ઋષિમુનિઓ દ્વારા પોતાના સ્મરણ અને અનુભવના આધારે માનવસમાજને વ્યવસ્થિત ચલાવવા માટે રચાયેલી આચારસંહિતા અથવા તો લૉ બુક્સ છે જે દેશ, કાળ અને સમય અનુસાર બદલાઈ શકે છે. ભારતીય સાહિત્યમાં સમય જતાં અલગ-અલગ ઋષિઓએ પોતાના સમયની જરૂરિયાત મુજબ સ્મૃતિઓની રચના કરી હતી. યાજ્ઞવલ્ક્યસ્મૃતિ, પરાશરસ્મૃતિ, નારદસ્મૃતિ, બૃહસ્પતિસ્મૃતિ, કાત્યાયનસ્મૃતિ જેવી ૧૮થી ૨૬ જેટલી મુખ્ય સ્મૃતિઓ છે; જ્યારે નાની-મોટી ગૌણ સ્મૃતિઓ ગણીએ તો આ સંખ્યા ૧૦૦થી પણ વધી જાય છે. મનુસ્મૃતિમાં આશ્ચર્ય પમાડે એવી વાતો છે. એમાં સૃષ્ટિની ઉત્પત્તિ, સંસ્કારો, સામાજિક વર્ગો, જીવનના ૪ આશ્રમ, લગ્નજીવન, રાજનીતિ અને ન્યાયવ્યવસ્થા, રાજ્યધર્મ જેવા જુદા-જુદા વિષયો પર વિસ્તારપૂર્વક વિવરણ અને નિયમો આપવામાં આવ્યા છે. એ સમયની સમાજવ્યવસ્થા અને અવસ્થાને અનુસાર બનેલો ગ્રંથ છે જેમાંના કેટલાક સિદ્ધાંતો આજે પણ એટલા પ્રસ્તુત છે અને કેટલીક બાબતો છે જે આજે પ્રસ્તુત નથી જેને બદલવાની પૂરી સંભાવનાઓ છે. તમે વિચારો કે ૧૯૫૦માં રચાયેલા ભારતીય બંધારણમાં અત્યાર સુધીમાં ૧૦૬ જેટલાં સંશોધનો એટલે કે સુધારાઓ કે બદલાવ ઉમેરાયાં છે તો આજથી હજારો વર્ષ પહેલાં રચાયેલા સ્મૃતિગ્રંથમાં અથવા જેને પ્રાચીન ભારતીય બંધારણ તરીકે ગણવામાં આવે છે એવા મનુસ્મૃતિને કેમ બદલી ન શકાય? શું તમે ભારતીય સંવિધાનમાં કંઈક ઉચિત નથી એમ કહીને એને સળગાવવાની હિંમત કરી શકો નહીંને તો મનુસ્મૃતિનો સર્વથા વિરોધ કરવો કેટલો યોગ્ય છે?’


સ્ત્રીસન્માનની વાત

જેમ શાકાહારને પ્રમોટ કરનારી વ્યક્તિ માંસાહારને પણ પ્રોત્સાહન આપે એ શક્ય નથી એમ જે મહર્ષિ મનુ એક શ્લોકમાં મહિલાઓને માન મળે છે ત્યાં દેવોનો વાસ છે એવું કહેતા હોય એ બીજે મહિલાઓ વિશે હીન વાત કરે એ શક્ય નથી એમ જણાવીને ડૉ. કમલેશ કહે છે, ‘રાહુલ ગાંધીએ જે શ્ળોકનો ઉલ્લેખ કર્યો છે એમાં તો તેમણે સંપૂર્ણ અર્થનો અનર્થ જ કર્યો છે. સૌથી પહેલાં તો તેમણે જે શબ્દ વાપર્યો છે એનો અર્થ Women belongs to એટલે કે બાળપણમાં મહિલા પિતાના તાબામાં, લગ્ન પછી પતિના તાબામાં અને બુઢાપામાં પુત્રના તાબામાં રહે છે એ અનુવાદ જ ખોટો છે; કારણ કે મનુસ્મૃતિનો ઓરિજિનલ શ્ળોક છે ‘પિતા રક્ષતિ કૌમારે ભર્તા રક્ષતિ યૌવને;
રક્ષન્તિ સ્થવિરે પુત્રા ન સ્ત્રી સ્વાતન્ત્ર્યમર્હતિ’. આમાં ક્યાંય તાબામાં એવો શબ્દ નથી પણ રક્ષા એવો શબ્દ છે. જે મહિલા-સુરક્ષાની વાત આજે પણ આપણે કરીએ છીએ એ વાત મનુસ્મૃતિમાં સદીઓ પહેલાં કરાઈ છે. સ્ત્રીની રક્ષા એ જીવનના જુદા-જુદા તબક્કે પિતા, પતિ અને પુત્રનો ધર્મ છે એવું એમાં કહેવાયું છે. શ્ળોકના અંતમાં જે કહેવાયું છે કે સ્ત્રી ક્યારે સ્વતંત્ર નથી એનો પણ કૉન્ટેક્સ્ટ સમજ્યા વિના લોકો અર્થઘટન કરે છે અને પછી માત્ર નિંદા કરે છે. ‘ન ભજેત્ સ્ત્રી સ્વતંત્રતામ્’ આવો શબ્દ શ્ળોકમાં આવે છે જેનો અર્થ થાય છે કે સ્ત્રીઓને જો રક્ષાની અનુભૂતિ ન આપો તો સ્વતંત્રતાનો અનુભવ નથી થતો. હું આ મારા ઘરનું અર્થઘટન નથી કરી રહ્યો, પરંતુ મનુસ્મૃતિના આવા અન્ય અઢળક શ્ળોક છે જેમાં સ્ત્રીસન્માનની વાત છે. જે મનુઋષિ સન્માનની વાત કરતા હોય તે સ્ત્રીને હીન દર્શાવી જ ન શકે. એવો શ્ળોક જે ખૂબ જ પૉપ્યુલર છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ, યત્રૈતાસ્તુ ન પૂજ્યન્તે સર્વાસ્તત્રાફલાઃ ક્રિયાઃ એટલે કે જે પરિવાર કે સમાજમાં સ્ત્રીઓનું પૂજન થાય છે અર્થાત્ તેમને આદર, માન અને સન્માન આપવામાં આવે છે ત્યાં દિવ્ય ગુણો અને દેવતાઓનો વાસ થાય છે મતલબ કે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે; પરંતુ જ્યાં સ્ત્રીઓનું સન્માન નથી થતું એટલે કે જ્યાં તેમનું અપમાન કે શોષણ થાય છે ત્યાં કરવામાં આવેલાં તમામ સત્કર્મો, 
પૂજા-પાઠ કે ધાર્મિક કાર્યો નિષ્ફળ નીવડે છે. તમે જ મને કહો કે સ્ત્રીસન્માનમાં આવું લખનારા મહર્ષિ મનુ કઈ રીતે કહી શકે કે સ્ત્રી સ્વતંત્ર નથી કે તેને વેદ ભણવાનો હક નથી કે તેણે પતિની ગુલામ માનવી જોઈએ. બીજા એક શ્ળોકમાં મહર્ષિ મનુ જો સભ્ય સમાજ જોઈતો હોય તો સ્ત્રીઓના સંદર્ભમાં ૪ વાતો કહે છે. તેઓ કહે છે કે સભ્ય સમાજ માટે સ્ત્રીના ચહેરા પર હંમેશાં પ્રસન્નતા રહેવી જોઈએ. દુખી, લાચાર કે પીડિત સ્ત્રીઓ હોય એ સમાજમાં સભ્યતા આવી જ ન શકે. દેખીતી રીતે સ્ત્રીના ચહેરા પર પ્રસન્નતા ક્યારે હોય? જ્યારે તેને પૂરતું સન્માન અને સ્વતંત્રતા મળતાં હોય. તેને સુખભર્યુ વાતાવરણ મળ્યું હોય. બીજા નંબરે સ્ત્રી ઘરકામમાં દક્ષ હોય એટલે કે માતા કે ઘરની મુખિયા તરીકે માતૃશક્તિ ઘરને તો જ સાચવી શકે અને લીડ કરી શકે જો એમાં તે પાવરધી હોય. સક્ષમ માતાની વાત અહીં તેઓ કરે છે. તે સુસંસ્કૃત હોવી જોઈએ એ ત્રીજી વાત, જેનો અર્થ એ થાય છે કે તેને તમામ સુવિધાઓથી સંપન્ન બનાવવી જોઈએ જેથી તે પોતાનાં કાર્યો દક્ષતાપૂર્વક કરી શકે. છેલ્લે કહે છે કે મહિલાઓનો હાથ અમુક્ત હોવો જોઈએ એટલે કે સભ્ય સમાજમાં તે જ સ્ત્રી પરિવારને લીડ કરી શકે જે ખર્ચના મામલે અથવા વ્યયના મામલે સંતુલિત અથવા તો કરકસરમાં પાવરધી હોય, વ્યયમાં નિયંત્રણની વાત ત્યારે કરી શકે જ્યારે વ્યયની અનુમતિ હોય. એટલે સ્વતંત્રતા આપી છે પરંતુ એમાં વ્યવસ્થાની દૃષ્ટિએ કરકસરનો ગુણ ઉમેર્યો છે. આવી તો કેટલીયે વાતો છે અને આ જ કારણ છે કે ભારતીય વ્યવસ્થામાં સાચી રીતે મનુસ્મૃતિનું પાલન આપણે ત્યાં થતું હતું એટલે જ પહેલાંના સમયમાં સ્ત્રીઓ આજ કરતાં વધુ સુરક્ષિત હતી. એવું નહોતું કે સ્ત્રીઓને કોઈ રૂમમાં પૂરી રાખવામાં આવતી હતી. એ વ્યવસ્થામાં ઘર સંભાળવાની જવાબદારી સ્ત્રીઓના માથે હતી તો એમાં ઘણાં કાર્યોમાં સ્ત્રીઓ બહાર નીકળતી. તેમણે તો સવારની કુદરતી ક્રિયાઓ માટે આજની જેમ શૌચાલયો નહોતાં એટલે જંગલમાં જવું પડતું અને ત્યાં મોટા ભાગની સ્ત્રીઓને સુરક્ષાનો અનુભવ થતો હતો, કારણ કે 
આપણી સમાજવ્યવસ્થા સ્ત્રીઓને આદરની નજરે અને સુરક્ષા આપવાની માનસિકતાથી જોતી હતી. તમને પુરુષને સ્ત્રીની રક્ષાની સોંપાતી જવાબદારીમાં જો સ્ત્રીની પરતંત્રતા દેખાતી હોય તો એ દૃષ્ટિએ તમે પોતે પણ સુરક્ષા-કર્મચારીઓની રક્ષા હેઠળ છો એટલે રાહુલ ગાંધીથી લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ પરાધીન છે એવું જ કહેવાયને? કૉન્ટેક્સ્ટ સમજ્યા વિના બસ વિરોધ કરવા ખાતર કંઈક શોધવું હોય તો એ મનુસ્મૃતિમાં થીજ નહીં, દુનિયાના દરેક ધર્મના દરેક ગ્રંથમાંથી તમને ભાવતું મળી જશે. પ્રૉબ્લેમ મનુસ્મૃતિમાં નથી, એનું ખોટું અર્થઘટન કરનારાઓ અને ખોટા શ્લોકોને મનુસ્મૃતિનો ભાગ સમજી લેનારાઓમાં છે. પ્રૉબ્લેમ એ છે કે લોકોને સાચી રીતે માનવસભ્યતા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ ગ્રંથ વાંચવો જ નથી અને માત્ર સાંભળેલી ઉપરછલ્લી વાતોનું આંધળું અનુકરણ કરનારાઓને કારણે છે.’


ગ્રંથને સમજવામાં થાપ

મનુસ્મૃતિમાં શું છે એ વાતનું મનુસ્મૃતિના પહેલા ૪ શ્ળોકમાં જ વિગતવાર વર્ણન આવે છે. આ પહેલા ૪ શ્ળોક પર જ ‘ચતુહ શ્ળોકી મનુસ્મૃતિ’ નામનું પુસ્તક લખનારા અને ભારતીય સંસ્કૃતિનું પ્રચલન કરતી સંસ્થા ‘ઇન્ડિકા સેન્ટર ફૉર મોક્ષ’ના ડિરેક્ટર નિથિન શ્રીધર કહે છે, ‘મનુસ્મૃતિ એક ધર્મશાસ્ત્ર છે. એક એવો ગ્રંથ જે તમને ક્રમબદ્ધતા સાથે સાચા-ખોટાનું જ્ઞાન આપે છે. મનુસ્મૃતિ પોતે ક્યાંય પોતાને સંવિધાન કે રૂલ-બુક તરીકે પ્રસ્તુત નથી કરતું, પણ ધર્મના શાસ્ત્ર તરીકે આ પુસ્તકનો મહિમા છે જે જ્ઞાન આપે છે. એમાં ઊંડાણ છે. એમાં વાર્તાઓ નથી. એમાં ગૂઢતા છે. એ સમસ્ત માનવજાતના અને સમાજવ્યવસ્થાના હિતની દિશામાં જ્ઞાન આપે છે. એમાં કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિને કે જેન્ડરને ટાર્ગેટ કરાયો છે એવું કહી જ ન શકાય. પહેલા જ શ્ળોકમાં જ્યારે ઘણાબધા ઋષિઓ મહર્ષિ મનુ પાસે આવે છે ત્યારે વિનંતી કરે છે કે બધાના ભલા માટે ધર્મનું જ્ઞાન આપો. એમ નથી કહેતા કે બ્રાહ્મણો કે ક્ષત્રિયોના ભલા માટે ધર્મનું જ્ઞાન આપો. મનુસ્મૃતિનો જો સાર એક લાઇનમાં કહેવો હોય તો ૪ર મુખ્ય બાબત પર મનુસ્મૃતિ ભાર મૂકે છે કે એવાં કર્મ કરો જે તમને સુખ, સ્વર્ગની અનુભૂતિ, મોક્ષ અને ચિત્તની શુદ્ધિ આપે. એવા અઢળક શ્ળોક મનુસ્મૃતિમાં છે, પરંતુ લોકો એ અમુક જ શ્ળોકમાં અટવાયેલા છે જેના શાબ્દિક અર્થના આધારે એની ટીકા કરી શકાય. તમે જે શોધવા નીકળો એ તમને મળે. જેણે મનુસ્મૃતિની ટીકા કરી શકાય એવાં કારણો જ શોધવા છે તો તમને એ મનુસ્મૃતિમાંથી મળી જાય છે.’
મનુસ્મૃતિનો સાર જણાવતાં નિથિન કહે છે, ‘મનુસ્મૃતિ દેખાડે છે કે ધર્મમાં બધાનો સમાવેશ થાય છે. ધાર્મિક મેથડ બધા માટે અલગ-અલગ હોઈ શકે, પણ કોઈ ધર્મથી અલગ નથી. મનુસ્મૃતિ આજના સમયમાં પણ સારી રીતે અહિંસા, સત્ય, ચોરી ન કરવી જેવા કેટલાય ગુણોનું વર્ણન લૉજિકલ રીતે કરે છે. મનુસ્મૃતિ રૂટીન લાઇફ કેમ જીવવી, શું ખાવું-શું ન ખાવું, સૂવા-ઊઠવાના નિયમો, પરસ્પર વ્યવહાર કેવો રાખવો, સમાજમાં સૌહાર્દ વધે એ રીતે કેમ જીવવું જેવી બાબતોનું વર્ણન કરે છે. બીજી વાત એ કે એવું ક્યાં લખ્યું છે કે મનુસ્મૃતિની બધી જ વાત માનવી. જે તમને અનુકૂળ ન લાગે એને ત્યજી દો. તમે આખેઆખા ગ્રંથને બાળી નાખો કે સદંતર વિરોધ કરો છો ત્યારે એમાં રહેલી કેટલી સારી બાબતોથી વંચિત રહી જાઓ છો એ તો વિચારો. ખોટા અર્થઘટને આ ગ્રંથને ખૂબ અન્યાય કર્યો છે.’

વન સાઇડ સ્ટોરી

મનુસ્મૃતિનો વિરોધ કરનારાઓ હંમેશાં એક જ બાજુનું ચિત્રણ કરતા હોય છે. આ સંદર્ભે અઢળક વાર સંપૂર્ણ મનુસ્મૃતિનું વિસ્તારપૂર્વક વાંચન કરનારા, એની મુખ્ય ૯ ટીકાઓનો પણ અભ્યાસ કરનારા જાણીતા ભારતીય લેખક, વિદ્વાન અને સંસ્કૃત ભાષાના નિષ્ણાત નિત્યાનંદ મિશ્રા એક પૉડકાસ્ટમાં કહે છે, ‘મનુસ્મૃતિમાં કુલ ૧૨ અધ્યાય છે. એમાંથી પહેલા અધ્યાયમાં સૃષ્ટિની રચના, શાસ્ત્રના ઉદ્ગમની વાત છે. એ પછી બીજા અધ્યાયથી છઠ્ઠા અધ્યાય સુધી માત્ર બ્રાહ્મણ અને ક્ષત્રિયોએ કેવી રીતે જીવવું, એમના માટે કેવા આકરા નિયમો છે અને એ નિયમો ન પાળે તો કેવી આકરી સજા છે એનો ઉલ્લેખ કોઈ નથી કરતું. લગભગ ૨૭૦૦ શ્ળોકમાંથી ૨૦૦૦ શ્લોકમાં બ્રાહ્મણ અને ક્ષત્રિયો માટેની જાણે કે રૂલ-બુક છે. મનુસ્મૃતિમાં બ્રાહ્મણો માટે એવી કઠિન દિનચર્યા દેખાડાઈ છે જેનું કોઈ બ્રાહ્મણ આજે પાલન કરતો હોય એ શોધવો મુશ્કેલ છે. પહેલાં પચીસ વર્ષ ગુરુ પાસે રહેવાનું, તેમની સેવા કરવાની, જમીન પર સૂવાનું વગેરે-વગેરે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ આ ચારેય આશ્રમનું કડકાઈથી પાલન કરવાનું. પચાસની વય થાય એટલે ઘર છોડીને જંગલમાં જવાનું અને ખેતીમાં ઊગતી કોઈ જ આઇટમ નહીં ખાવાની. ભિક્ષા માગવાની. બ્રાહ્મણને અધિકાર આપ્યા છે તો કર્તવ્ય પણ બ્રાહ્મણોનાં વધાર્યાં છે. કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય જો મદિરાપાન કરે તો તેને ક્રૂર લાગે એવી સજા છે, પણ સામે શૂદ્રોનો મદિરાપાન માટે નિષેધ નથી. બીજી એક વાત આવા પ્રાચીન ગ્રંથો વાંચતી વખતે એ પણ સમજવી જોઈએ કે એમાં જે પણ કહેવાયું છે એમાં ભાવ છે. એમાં આપેલી વાતોનો સંદર્ભ મહત્ત્વનો છે. ૩૦ વર્ષનો પુરુષ ૧૨ વર્ષની કન્યા સાથે લગ્ન કરે એવું જે કહેવાયું છે એમાં પણ ગૂઢાર્થ છે. એ સમયે બાળવિવાહની પરંપરા હતી, જેમાં નાનપણમાં લગ્ન થતાં પણ સાસરિયે દીકરીની વિદાય તે પુખ્ત થયા પછી થતી. રાજાઓ માટેના નિયમો પણ મનુસ્મૃતિમાં ખૂબ કઠોર રીતે દર્શાવાયા છે. કોઈ પણ સનાતનીને પૂછશો તો કહેશે કે ૪ વેદ છે, પરંતુ મનુસ્મૃતિની દૃષ્ટિએ ૩ વેદ છે. મનુસ્મૃતિમાં વિધવાના પુનર્વિવાહની વાત આવે છે. મનુસ્મૃતિમાં ભક્તિનો સિદ્ધાંત જ નથી, પણ આજે સનાતન ધર્મની તમે ભક્તિ વિના કલ્પના જ ન કરી શકો. ૧૦૦૦ શ્ળોક બ્રાહ્મણો પર છે. ૯૮૦ શ્લોક રાજાઓ માટેના છે. વૈશ્ય અને શૂદ્ર માટે માત્ર ૧૦ જ શ્લોક છે. તપશ્ચર્યા અને મોક્ષ માટે મનુસ્મૃતિ બધાનો અધિકાર માને છે. રાજા પર રાજ્યનો ભાર અને બ્રાહ્મણ પર વેદની રક્ષાનો ભાર હોવાથી સંસ્કૃતિને બચાવવાના આશયથી બ્રાહ્મણ અને રાજા માટેના નિયમો પર મનુસ્મૃતિમાં સર્વાધિક ભાર અપાયો છે. પુત્રી કે શૂદ્ધ કંઈ કહી દે તો સહી લે. બ્રાહ્મણ રાજાને ફરિયાદ ન કરી શકે. સાચું બોલવું, પ્રિય બોલવું, અસત્ય પ્રિય ન બોલવું, સત્ય અપ્રિય હોય તો ન બોલવું જેવા કેટલાય સિદ્ધાંતો મનુસ્મૃતિમાં છે. મનુસ્મૃતિ કહે છે કે આપણને જન્મ આપનારાં માતા-પિતા જન્મથી લઈને ઉછેર સુધીમાં જે તકલીફો સહન કરે છે એ ઋણને ચૂકવવું ૧૦૦ જન્મમાં પણ શક્ય નથી. મનુસ્મૃતિમાં માતાનું સ્થાન સમાજમાં સૌથી સર્વોચ્ચ અને આદરણીય રાખવામાં આવ્યું છે. મનુસ્મૃતિના બીજા અધ્યાયનો ૧૪૫મો શ્ળોક કહે છે કે એક માતા પોતાના ગૌરવ અને પૂજનીયતામાં હજાર પિતાઓ કરતાં પણ અધિક છે. મનુસ્મૃતિમાં દર્શાવાયેલાં ધર્મનાં દસ લક્ષણો સાર્વકાલિક છે જેમાં સત્યની વાત કહી છે, ગુરુના આદરની વાત કહી છે, તપની વાતો છે, દિશાનિર્દેશ છે. સિદ્ધાંત સાર્વકાલિક છે. એ સ્થિતિ માટે સીમિત કરી શકે. ઇન ફૅક્ટ, જો મનુસ્મૃતિ વાંચો તો ૯૮ ટકા શ્ળોકમાં તમને ક્યાંય આપત્તિ નહીં લાગે. બીજી વાત, નારી કે શૂદ્રોના જે આપત્તિજનક શ્ળોકો છે એના કરતાં પણ અનેક ઘણા આપત્તિજનક શ્લોકો બૌદ્ધ ધર્મગ્રંથો અને અન્ય ઘણા ધર્મગ્રંથોમાં પણ છે, પરંતુ તમે એનો વિરોધ નથી કરતા. અત્યારે મનુસ્મૃતિનો વિરોધ એ માત્ર ને માત્ર રાજનીતિ છે. લોકો મૂળ અનુવાદ વાંચતા નથી. કેટલાક વિદેશીઓએ કરેલા અનુવાદો પૂર્વગ્રહ સાથેના છે. એને આધાર બનાવીને તમે મનુસ્મૃતિનો વિરોધ કરો એ યોગ્ય નથી.’
અહીં ઉલ્લેખનીય છે કે મનુસ્મૃતિની અત્યાર સુધીમાં મુખ્ય ૯ ટીકા ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રકાશિત થઈ છે, જેમાંથી બે ટીકા જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધી જ્યારે વડાં પ્રધાન હતાં તેમના રાજમાં ભારત સરકારની સહાયથી પ્રકાશિત થઈ હતી. એ જ રાજપરિવારનો પૌત્ર રાહુલ અત્યારે મનુસ્મૃતિનો વિરોધ કરી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

30 August, 2026 12:48 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK