Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > ગોરમા બારી ઉઘાડો રે ગોરમાનો વર કેસરિયો

ગોરમા બારી ઉઘાડો રે ગોરમાનો વર કેસરિયો

Published : 13 July, 2025 06:33 PM | IST | Madurai
Alpa Nirmal

ગૌરી વ્રતના ઉજવણા રૂપે આપણે જઈએ દક્ષિણ ભારતના મોસ્ટ બ્યુટિફ‍ુલ અને પાવરફુલ ગણાતા મીનાક્ષી મંદિરે જ્યાંનાં મીનાક્ષી અમ્મન પાર્વતી માતાનું એક સ્વરૂપ છે

મદુરાઈનું મીનાક્ષી મંદિર

તીર્થાટન

મદુરાઈનું મીનાક્ષી મંદિર


ગુજરાતમાં પ્રચલિત જયાપાર્વતી વ્રતનાં પારણાં આજે જ થયાં છે. પાંચ દિવસ ફક્ત ફળો, દૂધ કે મીઠા વગરનું ભોજન કરી ગુજરાતી બાલિકાઓ, કિશોરીઓ, યુવતીઓ, સૌભાગ્યવતી સ્ત્રીઓ પ્રેમ, સૌભાગ્ય અને સારો ભરથાર મળે એ માટે પાર્વતી માતાની પૂજા, અર્ચના, ભક્તિ કરે છે. ગૌરી વ્રતના ઉજવણા રૂપે આપણે જઈએ દક્ષિણ ભારતના મોસ્ટ બ્યુટિફ‍ુલ અને પાવરફુલ ગણાતા મીનાક્ષી મંદિરે જ્યાંનાં મીનાક્ષી અમ્મન પાર્વતી માતાનું એક સ્વરૂપ છે


મદુરાઈનું મીનાક્ષી મંદિર ભારતનાં સાત વન્ડરમાંનું એક છે. ફક્ત દક્ષિણ ભારતીયો નહીં, સમસ્ત વિશ્વના સનાતનધર્મીઓ આ પવિત્ર ધામમાં દર્શનાર્થે આવે છે. વર્ષભર ૩૦ હજારથી વધુ ભક્તો માઈને પગે લાગવા આવતા હોવાથી અહીં કાયમ ભીડ રહે છે. ને આપણે આ ભીડના ચક્કરમાં, કતારોમાં ઊભા રહેવાની જદ્દોજહદમાં, સેલ્ફી-ફોટોગ્રાફ્સ લેવાની લાહ્યમાં માતાનાં દર્શન કર્યાં-ન કર્યાં ને તરત મંદિરમાથી નીકળી જઈએ છીએ. જલદી-જલદી કરવાના આ સ્વભાવને કારણે મંદિરનાં અન્ય મહત્ત્વનાં પાસાંઓ વિશે જાણવાનું, જોવાનું, દર્શન કરવાનું ચૂકી જઈએ છીએ.



સો આજે મીનાક્ષી અમ્મન મંદિરની એવી વાતો અને વિગતો જાણીશું જેના વિશે આપણને ખબર નથી અથવા માઇન્ડમાંથી નીકળી ગઈ છે. તો મીનાચી કોઈલ લકક વરકા... અર્થાત્ (મીનાક્ષી મંદિરમાં આપનું સ્વાગત છે.


પાટનગર ચેન્નઈ, કોઇમ્બતુર પછી મદુરાઈ તામિલનાડુ રાજ્યનું ત્રીજું મોટું અને મહત્ત્વનું શહેર છે. મીનાક્ષી મંદિર અને કુડલ અઝગર મંદિરની આજુબાજુ વિસ્તરેલા આ શહેરને મંદિરોની સુંદર નક્કાશીને કારણે ઈસ્ટનું ઍથેન્સ પણ કહેવાય છે. પ્રમાણિત છે કે શહેર બીજી સદીની આસપાસ વસ્યું છે. જોકે મીનાક્ષી મંદિરનો ઇતિહાસ હજી પ્રાચીન છે. કહે છે કે સ્વયં ઇન્દ્રએ અહીં શિવલિંગ સ્થાપિત કર્યું હતું. તેમણે પોતાના વાહન પર શિવજીને પ્રતિષ્ઠિત કર્યા હતા.  આ શિવલિંગ સુંદરેશ્વર નામે આજે પણ મંદિરમાં સ્થાપિત છે.

પુરાણોથી પણ પૂર્વે સ્થાપના થઈ હોવા છતાં આ મંદિર તેમના નામે નહીં પણ મીનાક્ષીદેવીના નામે કેમ ઓળખાય છે એ પ્રશ્નનો ઉત્તર મેળવવા આ કથા જાણવી પડે.


પૌરાણિક કાળમાં આ પ્રદેશમાં મલયધ્વજન નામે રાજા રાજ્ય કરતો હતો. તેમને કંચનમાલા નામે ગુણવાન રાણી હતી. પ્રજાવત્સલ રાજા શક્તિશાળી પણ હતો અને ધાર્મિક પણ હતો. તો રાણી પણ અત્યંત માયાળુ તેમ જ દયાળુ હતાં. બેઉનાં લગ્ન થયા બાદ અનેક વર્ષો સુધી તેમના ઘરે પારણું ન બંધાયું. આથી શિવભક્ત રાજાએ એક યજ્ઞ કર્યો. એ યજ્ઞની પવિત્ર જ્વાળાઓમાંથી ત્રણ વર્ષની એક બાળકી પ્રગટ થઈ. રાજાને પોતાના રાજ્યનો કારભાર સંભાળી શકે એ માટે પુત્ર જોઈતો હતો અને કન્યા પ્રગટ થઈ ત્યારે તેઓ થોડા કચવાયા પરંતુ એ જ સમયે એક ગેબી નાદ ગુંજ્યો, જેમાં કહેવાયું કે આ દીકરીને દીકરાની જેમ ઉછેરવામાં આવે, તે પણ પરાક્રમી અને બલવાન છે જે રાણી રૂપે તમારું રાજ્ય સંભાળશે અને તમારા ખાનદાનનું ગૌરવ વધારશે. ધર્મપ્રિય રાજા માની ગયા, પણ એક વાતે ચિંતિત હતા કારણ કે બાળકીની છાતી પર ત્રણ સ્તન હતાં. રાજાની ચિંતા સમજી એ ભેદી અવાજે જણાવ્યું કે આ કન્યા જ્યારે પોતાના પતિને મળશે ત્યારે ઑટોમૅટિક તેનું ત્રીજું સ્તન નાબૂદ થઈ જશે. આવી વાણીથી આશ્વસ્ત થઈ રાજા અને રાણીએ બાળકીને યોદ્ધાની જેમ ઉછેરી. માછલી જેવી લીલી દેખાતી હોવાથી માતા-પિતાએ તેનું નામ મીનાક્ષી પાડ્યું. વર્ષો વીતતાં ગયાં. રાજકુમારી મીનાક્ષી જાતજાતની વિદ્યા મેળવી હોશિયાર થઈ ગઈ હતી અને પિતા મલયધ્વજનના દેહાંત બાદ રાજ્ય પણ સંભાળવા લાગી હતી. પિતાના સામ્રાજ્યનો વ્યાપ કરવા તેણે આજુબાજુના પ્રદેશો પર ચડાઈ કરી અને જીતી પણ ખરી. બહાદુર, હોશિયાર હોવા સાથે મીનાક્ષી પણ પ્રખર શિવભક્ત હતી. તેને દૃઢ ખાતરી હતી કે તેના વિવાહ ભોલે ભંડારી સાથે જ થશે અને તેઓ મારા માટે અહીં આવશે જ.

સમય વીતતો ગયો અને એક દિવસ કલિંગ પર્વત પર યુદ્ધ અભિયાન દરમિયાન મીનાક્ષીની સમક્ષ શિવ સુંદર યુવક રૂપે પ્રગટ થયા. ચતુર મીનાક્ષી તેમને ઓળખી ગઈ અને તેમને જોતાં જ મીનાક્ષીનું ત્રીજું સ્તન નાબૂદ થઈ ગયું. બસ, પછી કૈલાસનાથે સુંદરેશ્વર રૂપે જ મીનાક્ષી સાથે લગ્ન કર્યાં અને તેમનાં લગ્નમાં વિષ્ણુ ભગવાન આવ્યા અને ભાઈ તરીકે ધર્મવિધિ કરી. પણ એક રાજકુમારીનાં લગ્નમાં વિષ્ણુજી કેમ આવ્યા એ સવાલ થયો. કારણ કે રાજકન્યા મીનાક્ષી માતા પાર્વતીનું સ્વરૂપ હતી અને ગોરાંદેએ તેમની પરમ ભક્ત વિદ્યાવતીને આપેલા વરદાન મુજબ તેઓ અહીં મીનાક્ષી રૂપે પ્રગટ થયાં હતાં. શિવ-પાર્વતીના વિવાહમાં વિષ્ણુજીએ ભાઈનો ધર્મ નિભાવ્યો હતો. એ રીતે સુંદરેશ્વર અને મીનાક્ષીનાં લગ્નમાં પણ લક્ષ્મીપતિ વિયોગ સુંદર રાજન બની આવ્યા. મદુરાઈનું બીજું મહત્ત્વનું મંદિર, કુડલ અઝગર કોવિલ વિષ્ણુજીનું જ દેવાલય છે જેમાં લક્ષ્મીજી પણ મથુરાવલ્લી થાયર નામે બિરાજે છે. અને મૂળ પ્રશ્નનો જવાબ એ કે બેઝિકલી આ પ્રદેશ મીનાક્ષી રાણીનો હોવાથી મુખ્ય મંદિર મીનાક્ષી મંદિર નામે ઓળખાય છે.

હવે વાત કરીએ મંદિરની તો ઇન્દ્રદેવે અહીં જ્યારે શિવલિંગની સ્થાપના કરી ત્યારે કંદબવનમ્ તરીકે ઓળખાતો આ પ્રદેશ વૈષ્ણવ સંપ્રદાયના ભક્તો માટે દક્ષિણનું મથુરા પણ કહેવાતો. ને આજે મદુરાઈ તરીકે જગપ્રસિદ્ધ સિટીની મધ્યમાં ૧૭ એકરમાં મીનાક્ષી મંદિર પરિસર ફેલાયેલો છે. મંદિરનાં ચાર મુખ્ય પ્રવેશદ્વાર છે, જેમાં ઉત્તર-દક્ષિણ દિશાનું પ્રવેશદ્વાર ૮૪૭ ફીટ ઊંચું અને ૭૯૨ ફીટ પહોળું છે. એ જ આજે મીનાક્ષી ટેમ્પલનો સિમ્બૉલ બની ગયું છે. અન્ય પ્રવેશદ્વાર પણ એવાં જ શાનદાર છે.

મંદિર મૂળે ક્યારે બન્યું એનો નિશ્ચિત કાળ ખબર નથી કારણ કે આજે દેખાતું ટેમ્પલ કૉમ્પ્લેક્સ ૧૨થી ૧૮મી શતાબ્દી દરમિયાન અલગ-અલગ રાજવીઓ દ્વારા નિર્માણ થયું છે. જોકે ઇતિહાસ ગવાહ છે કે ઈ. સ. ૧૩૧૦માં ઇસ્લામી આક્રમણકારોએ મંદિરને પૂર્ણપણે ધ્વસ્ત કરી નાખ્યું હતું અને પ્રાચીન મૂર્તિઓ પણ નષ્ટ કરી નાખી હતી. એ પછી ૧૪મી સદીના અંતમાં અહીં હિન્દુ રાજાઓનું શાસન પુનઃસ્થાપિત થયું. ત્યાર બાદ અહીં મંદિરનું પુનઃનિર્માણ થયું. ૧૪મી શતાબ્દી બાદ આવનાર દરેક રાજવંશે પોતપોતાની રીતે મંદિરના વિસ્તરણમાં, જીર્ણોદ્ધારમાં ફાળો આપ્યો. એ ન્યાયે આજે અહીં ૧૮ મંડપમ્ છે. આ દરેક મંડપમમાં સુંદરથી અતિ સુંદર ચિત્રકામ, કોતરકામ છે. એમાંય હજાર સ્તંભ મંડપમ્ તો અજાયબી સમ છે. અહીં ૯૮૫ અલંકૃત સ્તંભ છે. પ્રત્યેક સ્તંભ દ્રવિડ મૂર્તિકલાનો બેનમૂન નમૂનો છે. આ હૉલમાં ટેમ્પલ મ્યુઝિયમ પણ છે જેમાં ૧૨૦૦ વર્ષ પ્રાચીન મૂર્તિ, ચિત્રો, વસ્તુઓ આદિ છે. ઈ. સ. ૧૫૬૯માં બનાવાયેલા આ મંડપમના મુખ્ય દેવ નટરાજન્ છે.

દરેક મંડપમમાં જવું શક્ય ન થાય તો અમુક મંડપમની મુલાકાત તો ખાસ લેજો. ઉંજલ મંડપમમાં રાખેલા ઝૂલા પર દર શુક્રવારે મીનાક્ષી અમ્મન અને સુંદરેશ્વરની સુવર્ણ મૂર્તિઓને ઝુલાવાય છે. એ દૃશ્યના સાક્ષી બનવા સ્થાનિકો અને ખાસ ભક્તો દૂર-દૂરથી પધારે છે. એની બાજુમાં કિલિકું મંડપમાં અનેક પોપટ છે જે મીનાક્ષી અમ્મન નામનો જાપ કરે છે. માઈભક્તો અષ્ટ શક્તિ મંડપમમાં પણ જઈ શકે છે જેમાં શિવજીની પત્ની શક્તિદેવીનાં આઠ સ્વરૂપોના નાના મંડપ છે. વળી એની છત પર મીનાક્ષીદેવીના જીવનને દર્શાવતાં રંગીન ચિત્રો છે.

સર્વિકાર મંડપમમાં કાશી વિશ્વનાથ અને વિશાલાક્ષી માતાનું મંદિર છે. અહીંથી અન્નદાન પણ થાય છે. નંદીબાબાના આશીર્વાદ માટે પેચિયાક્કલ મંડપમમાં જવું પડશે. આ સિવાયના વિવિધ મંડપમમાં ભગવાનની વિધ-વિધ વિધિઓ કરવામાં આવે છે. તેમનાં વાહનો, રમકડાં, વસ્તુઓ રાખેલાં છે. ક્યાંક દક્ષિણ ભારતના પ્રખ્યાત ગુરુજનોની મૂર્તિઓ છે. એક વાત સ્પષ્ટ છે કે દરેક મંડપ અદ્વિતીય કારીગરીના નમૂના સમાન છે. જોકે ક્યાંક-ક્યાંક પતરાં લગાડી દેવાયાં હોવાથી ને તામિલ ભાષામાં એની વિશેષતા લખાયેલી હોવાથી મંડપમની મહત્તા અને સુંદરતા કળાતી નથી પરંતુ કળામાં રુચિ રાખતા વિઝિટરોને આ દરેક મંડપમ્ આકર્ષશે એ ચોક્કસ.

હવે મુખ્ય મંદિરોની વાત કરીએ. આગળ કહ્યું એમ સુંદરેશ્વર એક એવા સ્થાન પર છે જે આઠ હાથીઓએ ઉપાડ્યું છે. જોકે દક્ષિણ ભારતની પરંપરા મુજબ ગર્ભગૃહમાં ફક્ત દીવાનો પ્રકાશ હોવાથી તેમ જ લાંબા ડિસટન્સથી દર્શન થતાં હોવાથી એ ઇન્દ્રવિમાન દૃશ્યમાન નથી થતું. મંદિરની છત, બહારની દીવાલો પર હાથી, સિંહો તેમ જ શિવજીના અનુચરો પણ હાજર છે. અમ્મા મીનાક્ષીના ગર્ભગૃહમાં સિંહો છે તો રંગમંડપમાં મીનાક્ષી અમ્માના ગુણોને ચરિતાર્થ કરતી મૂર્તિઓ છે. દર્શનમાં ઝડપ કરવી પડતી હોવાથી આ વિશેષતાઓ નજરે નથી ચડતી. બસ, નજરમાં વસી જાય છે મીનાક્ષી અમ્મનનું તેજસ્વી મુખ.

મદુરાઈ કેવી રીતે જવું, ક્યાં રહેવું, શું ખાવું એ તીર્થાટન પ્રેમીઓને જણાવવાની જરૂર નથી. બસ, એટલું કહીએ કે હવે મદુરાઈ જાઓ ત્યારે મિનિમમ બે દિવસ ત્યાં રોકાજો. ચાર વખત માતાનાં દર્શન કરજો. વિવિધ મંડપમની વિઝિટ કરજો અને અમ્માના આશીર્વાદમાં તરબોળ થજો.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

 મીનાક્ષી અમ્મઈ અને સુંદરેશ્વરના મંદિરના બહારના ભાગમાં મુક્કુરિની પિલ્લૈયાર નામે ગણપતિ બાપ્પાની વિશાળ મૂર્તિ છે. એ મૂર્તિથી નજીક ઠૂંઠું વૃક્ષ છે. કહે છે કે આ કદમ્બ વૃક્ષની નીચે જ ઇન્દ્રે શિવલિંગની પૂજા કરી હતી. ડોન્ટ મિસ ટુ પ્રે હિઅર.

  વિનાયકની ૭ ફીટ ઊંચી મૂર્તિ એક જ પથ્થરમાંથી બનાવાઈ છે અને કહેવાય છે કે ઈ. સ. ૧૬૪૫માં પ્રતિષ્ઠિત આ પ્રતિમા એક ખોદકામ દરમિયાન સાંપડી હતી.

 મંદિર સવારે પાંચથી બપોરે સાડાબાર સુધી ખુલ્લું રહે છે અને સાંજે ૪થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

  પરિસરની મધ્યમાં ૧૦૦૮ દીવાઓ મૂકી શકાય એવો દીપસ્તંભ છે. ઉત્સવો પર ઝગમગ થતો આ દીપદાન મદુરાઈના દરેક ખૂણાથી
દેખાય છે.

 નવરાત્રિઓ તેમ જ ભગવાનનો ચિથરાઈ (વિવાહ) ઉત્સવ અહીં ધામધૂમથી ઊજવાય છે.

 તામિલનાડુ તેમ જ આસપાસનાં અન્ય રાજ્યોના અમુક જાતિના પરિવારોમાં દીકરીના શુભત્વ માટે એને માસિક સ્રાવ શરૂ થયા પૂર્વે મીનાક્ષી મંદિર અથવા કાંચીના કામાક્ષી મંદિરની યાત્રા કરાવવાની પરંપરા છે.

 તામિલનાડુની કન્યાઓ પણ સુંદર, સુશીલ, પતિ પામવા કરદ્યાન નોન્બુ (સાવિત્રી વ્રથમ) તેમ જ સોળ સોમવારનું વ્રત કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

13 July, 2025 06:33 PM IST | Madurai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK