ઉત્તમ ભક્તિમાં કોઈની આવશ્યકતા નથી, પણ ભક્તિના આરંભકાળમાં થોડા પ્રમાણમાં જરૂરિયાત રહે છે.
મોરારી બાપુ
ઉત્તમ ભક્તિમાં કોઈની આવશ્યકતા નથી, પણ ભક્તિના આરંભકાળમાં થોડા પ્રમાણમાં જરૂરિયાત રહે છે. એ મૂળિયાંને મજબૂત કરવા માટે જળ જોઈએ, ખાતર જોઈએ. યુવાવર્ગમાં ભક્તિનાં મૂળ જમાવવાં હોય તો હું વડીલોને પણ કહું છું કે તેમને બે વસ્તુઓ અચુક આપો : પાણી અને ખાતર. ભૂલો નહીં, આપો જ.
અહીં પાણી દેવાનો અર્થ છે તેમને સ્નેહ આપો. તમે યુવાવર્ગને ઠપકો ન આપો, ધમકાવો નહીં, તેના પર ગુસ્સે ન થાઓ; પણ અનુશાસન જરૂર રાખો, નિયંત્રણ જરૂર રાખો. ચાબુક હાથમાં રાખો, પણ એ દેખાડવા માટે. તેને કોરડો ન ફટકારો અને એવી ભૂલ ક્યારેય ન થાય એ માટે સજાગ પણ રહો.
ADVERTISEMENT
તેમને સ્નેહનું જળ આપો તો મૂળિયાં મજબૂત થશે. સમય જતાં જેમ વૃક્ષમાં ફૂલ અને ફળ આવે છે એ રીતે આ યુવકોમાં પણ શ્રદ્ધા અને ભક્તિ આવશે જેને જોઈને તમારો પરિવાર પ્રસન્ન થશે, તમારા પિતૃઓ પ્રસન્ન થઈ જશે.
ભક્તિની વેલ પર મૂળ સ્વરૂપને ફલિત કરવા માટે આ પાંચ વસ્તુઓની જરૂર પડે છે : પહેલી, મૂળમાં સ્નેહનું જળ; બીજી, સારા સંસ્કારોનું ખાતર; ત્રીજી, પૂર્ણ સ્વચ્છંદતા નહીં પરંતુ જરૂરી સ્વતંત્રતા એટલે કે આકાશ; ચોથી, સારો સંગ અર્થાત્ પ્રકાશ અને પાંચમી, પ્રાણતત્ત્વનો અનુભવ એટલે કે હવા.
બાળકો પર અનુશાસન જરૂર કરો, પણ મર્યાદામાં રહીને. મુક્તિની વેલને મજબૂત કરવા માટે સ્નેહનું જળ અને સૂચનોનું ખાતર આપવાનું છે. સારું ખાતર મળશે તો પુષ્ટિ જલદી થશે. એને જલદી પુષ્ટિ મળશે તો એ મજબૂત બનશે અને એનાં મૂળિયાં મજબૂત થશે. ખાતર શું છે? બાળકોની રુચિ સમજીને, તેમની રુચિને પોતાની વિવેકબુદ્ધિથી યોગ્ય-અયોગ્ય અલગ કરીને, તેમનું મન માને એવી રીતે જરૂર પડે ત્યારે નિર્ણય કરવો એ ખાતર છે. માત્ર તમારી મરજી તેમના પર ન લાદો. શક્ય હોય ત્યાં સુધી તેમના હિતમાં તેમની અભિરુચિને ધ્યાનમાં રાખીને દરેક વળાંક પર તેમના નિર્ણયને સારાં સૂચનોનું ખાતર આપો. આ બે વસ્તુ મૂળમાં. પછી ઉપર ૩ વસ્તુ આકાશ, પ્રકાશ અને હવા આપો. આકાશ ન હોય તો કોઈ વૃક્ષ ફળે જ નહીં. એને આકાશ જોઈએ, વિશાળતા જોઈએ, પ્રકાશ અને હવા જોઈએ. જ્યારે મૂળિયાં મજબૂત થઈ જાય ત્યારે આ ૩ વસ્તુઓ એને મળે. આકાશ મળે એનો અર્થ એવો નથી કે એને સ્વચ્છંદતા મળે, થોડી સ્વતંત્રતા મળવી જોઈએ. તેમના મનમાં જે આવે તેઓ કરે એમ પણ નહીં. યુવાન ભાઈઓ-બહેનોને પણ હું એ જ કહીશ કે તમે ભલે આકાશ મેળવો, પરંતુ એટલાં સ્વતંત્ર ન થઈ જાઓ કે તમારા ઘર-પરિવાર માટે એ વિનાશક બની જાય.

