મેટ્રોની જેમ કૉરિડોર બનાવીને ટ્રેનો દોડાવાય અને સ્વતંત્ર સંચાલન થાય એવી યોજના પર વિચારણા
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની લોકલ રેલવેમાં ટ્રેનોની સંખ્યા અને માળખાગત સુવિધાઓ વધારવાનું કામ મેટ્રોની જેમ કૉરિડોર બનાવીને કરવામાં આવે એવી યોજના છે. દરેક કૉરિડોરનું સંચાલન સ્વતંત્ર રીતે કરવામાં આવશે જેથી અત્યારની પરિસ્થિતિની જેમ ટ્રેનો મોડી પડવી, રદ થવી કે એક સ્ટેશન પર ટેક્નિકલ ખામી સર્જાય તો આખા રૂટની ટ્રેનોને અસર થાય એવી સમસ્યાઓ ઉકેલી શકાશે.
કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે મૂળ સેન્ટ્રલ રેલવે માટે આ યોજનાનું સૂચન કર્યું હતું. હવે આ યોજના સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેના સબર્બન રેલવે નેટવર્ક માટે લાગુ કરાય એવી શક્યતા છે.
દરેક કૉરિડોરનું સંચાલન અન્ય કૉરિડોરથી સ્વતંત્ર રીતે કરવામાં આવશે. એક કૉરિડોરની ટ્રેનો એ જ કૉરિડોરનાં સ્ટેશનો દરમ્યાન ચાલશે. આ રીતે કૉરિડોર્સનું સંચાલન કરવામાં આવે તો ક્યારેક ટેક્નિકલ ખામી સર્જાય તો બીજા કૉરિડોર્સની ટ્રેનોને એની અસર ન થાય અને સંચાલન સરળ રહે. બધા કૉરિડોરના સંચાલનમાં મેટ્રોની જેમ સમાનતા હોય એટલે મુસાફરોને આખા રૂટ પર મુસાફરી કરવામાં અગવડ પડે નહીં એવી ધારણા છે.
ADVERTISEMENT
સેન્ટ્રલ રેલવે ૧૨૦ કિલોમીટરથી પણ લાંબા માર્ગ પર દોડે છે. જો આ રીતે કૉરિડોર બનાવી દેવાય તો દરેક કૉરિડોરનું સંચાલન કરવું સરળ બને અને મુસાફરોની અગવડ ઘણા અંશે ઓછી કરી શકાય. દર ૩ મિનિટે એક ટ્રેન દોડે એવી યોજના માટે નવી ટ્રેનો પણ કૉરિડોર પ્રમાણે આપવામાં આવે એવો પ્રસ્તાવ છે.
જોકે અમુક પ્રવાસીઓ અને રેલવે અધિકારીઓએ આ પ્રસ્તાવને મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. એક વર્ગનું માનવું છે કે આ યોજના લોકલ ટ્રેનના મુસાફરો માટે લાભદાયી નહીં નીવડે તો રેલવેના નિષ્ણાતોનું માનવું છે કે કૉરિડોર બનાવવા અને એ મુજબ સંચાલન કરવું પ્રૅક્ટિકલી શક્ય નહીં બને.
પ્રસ્તાવિત ૮ કૉરિડોર
યોજના મુજબ સેન્ટ્રલ રેલવેને ૮ કૉરિડોરમાં વહેંચવામાં આવશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)-થાણે (સ્લો લાઇન), થાણે-કલ્યાણ (સ્લો લાઇન), કલ્યાણ-કસારા (સ્લો લાઇન), કલ્યાણ-કર્જત (સ્લો લાઇન), CSMT-કલ્યાણ (ફાસ્ટ લાઇન), CSMT-પનવેલ ( સ્લો લાઇન), બેલાપુર-ઉરણ (સ્લો લાઇન) અને થાણે-નેરુલ/વાશી (સ્લો લાઇન) એમ આઠ કૉરિડોર બનાવાય એવી શક્યતા છે.

