ધર્મના ક્ષેત્રના લોકો સત્યને માનીને, સ્વીકારીને ચાલે છે. જ્યારે વિજ્ઞાન માન્યતાના આધારે ચાલતું નથી, એ પહેલાં પ્રયોગ કરે છે; પછી એ ચાલીને માને છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
એક શાસ્ત્રનું સત્ય છે, બીજું ધર્મનું સત્ય છે અને ત્રીજું વિજ્ઞાનનું સત્ય છે. હું તો કહું છું કે વિજ્ઞાન અને ધર્મ એકબીજાનાં વિરોધી ન હોઈ શકે, કારણ કે બન્ને સત્યનાં શોધક છે. ફરક એટલો છે કે એક માનીને ચાલે છે અને બીજો ચાલીને માને છે.
ધર્મના ક્ષેત્રના લોકો સત્યને માનીને, સ્વીકારીને ચાલે છે. જ્યારે વિજ્ઞાન માન્યતાના આધારે ચાલતું નથી, એ પહેલાં પ્રયોગ કરે છે; પછી એ ચાલીને માને છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં કોઈ સત્ય અંતિમ સત્ય હોતું નથી નહીં તો રિસર્ચની આખી યાત્રા અટકી જાય. જોકે વિજ્ઞાન અને ધર્મ ખોજ તો સત્યની જ કરે છે અને સત્યની ખોજ કરાવવામાં જો કોઈનો સૌથી મોટો હાથ હોય તો એ મા છે કારણ કે મા સંસ્કાર આપે છે.
ADVERTISEMENT
કોઈકે સાચું જ કહ્યું છે કે ‘માનો ખોળો દુનિયાની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી છે. ત્યાંથી જ શિક્ષણ અને સંસ્કાર મળે સાચાં, એવું શિક્ષણ કોઈ પણ યુનિવર્સિટીની ડિગ્રીની તોલે ન આવી શકે.’ ભલે ગમે તેવી પ્રખ્યાત યુનિવર્સિટીની ડિગ્રી લઈને આવ્યા હોય પણ માએ જે સંસ્કાર આપ્યા હોય એની તોલે કોઈ ડિગ્રી ન આવી શકે. આપણી ચાર સંસ્કારપીઠો છે જે વ્યક્તિને સંસ્કારી બનાવે છે. એ ચાર સંસ્કારપીઠોમાં સૌથી પહેલી સંસ્કારપીઠ છે માની કૂખ, પછી પિતાનું કુળ, ત્રીજું ગુરુકુળ અને ચોથી પીઠ વ્યાસપીઠ.
વિજ્ઞાની જો ધર્મનો અનાદર કરે અથવા ધાર્મિક લોકો જો વિજ્ઞાનમાં શ્રદ્ધા ન ધરાવે તો કેટલી વિચિત્રતા અને એમાં કેવી વિસંગતિ દેખાય? જે ખરેખર થોડોક ચિંતનની દૃષ્ટિથી સ્વસ્થ છે તે માને ભલે નહીં, પણ અનાદર તો નહીં જ કરે. મને તો ડૉક્ટર મિત્રોને મળવાનું થાય તો તેઓ કહેતા હોય છે કે અમે તો ભગવાનની રચનાના નિરંતર સંપર્કમાં છીએ. કેવી અદ્ભુત રચના છે, લોહીનાં પણ કેટલાં ગ્રુપ છે! ઘણી વાર ધર્મના ક્ષેત્રમાં રહેલા ધર્મગુરુની શ્રદ્ધા કરતાં એવા વૈજ્ઞાનિકની શ્રદ્ધા વધારે સ્વસ્થ હોય છે. આત્મસ્વીકૃતિમાંથી સ્ફૂરે એ શ્રદ્ધા.
આજે બુદ્ધિ વધી છે પણ શ્રદ્ધા અને શુદ્ધિ ઘટી છે અને એને લીધે માણસ હેરાન થાય છે. બુદ્ધિ વધી એટલે સાધનો વધ્યાં. માણસ કરોડપતિ થયો છતાં દુખી હોય છે. પૈસા હોય એટલે આપણે દુખી ન થઈએ એવું નહીં. બધા પ્રકારની સુવિધા ખરીદી લીધી હોય એ લોકો સુખચેનથી દુખી થતા હોય પણ શુદ્ધિ નથી ત્યાં શાંતિ નથી અને શાંતિ નથી ત્યાં સુખ નથી. શાંતિ હોય ત્યાં સુખ આવે અને સુખ ત્યાં આવે જ્યાં સંસ્કાર હોય એટલે યાદ રાખજો જીવનમાં સંસ્કાર, શાંતિ, સંતોષ સઘળું મા થકી જ પ્રાપ્ત થાય છે.
- ભાઈશ્રી રમેશભાઈ ઓઝા (પ્રખર ભાગવતકાર ભાઈશ્રી ભાગવત-પ્રસાર ઉપરાંત પોરબંદરમાં સાંદીપનિ આશ્રમ દ્વારા નવી પેઢીમાં ધર્મભાવના જગાડવાનું કામ કરે છે.)

