ગૌતમસ્વામી ગોચરી વહોરવા નીકળ્યા છે. શેરીમાં રમતો નાનો બાળક અતિમુક્ત ગૌતમસ્વામીને પોતાના ઘરે પધારવા વિનંતી કરે છે. ગૌતમસ્વામી તેના ઘરે પધાર્યા. ભાવથી સુપાત્ર દાનનો લાભ લીધો. પછી આ બાળક ગૌતમસ્વામીને વળાવવા ગયો,
પ્રતીકાત્મક તસવીર
ગૌતમસ્વામી ગોચરી વહોરવા નીકળ્યા છે. શેરીમાં રમતો નાનો બાળક અતિમુક્ત ગૌતમસ્વામીને પોતાના ઘરે પધારવા વિનંતી કરે છે. ગૌતમસ્વામી તેના ઘરે પધાર્યા. ભાવથી સુપાત્ર દાનનો લાભ લીધો. પછી આ બાળક ગૌતમસ્વામીને વળાવવા ગયો,
‘મહારાજસાહેબ, તમારાં પાતરાં ઊંચકી લઉં?’
‘એમ તને ઊંચકવા ન અપાય. એ માટે તો તારે દીક્ષા લેવી પડે.’
‘તો દીક્ષા લઈ લઉં. મને દીક્ષા આપી દો.’
‘એમ તને દીક્ષા કેવી રીતે અપાય? તારાં માતા-પિતાની મંજૂરી-રજા લઈ આવ, તો તને દીક્ષા અપાય.’
અતિમુક્ત ઘરે ગયો અને માતા-પિતાને કહ્યું, ‘મારે દીક્ષા લેવી છે. મને દીક્ષાની રજા આપો.’
‘દીક્ષા? આટલો ટેણિયો થઈને દીક્ષાની વાત કરે છે? દીક્ષામાં તને શું ભાન પડે?’
અતિમુક્તે ગંભીર સ્વરે ગૂઢ જવાબ આપ્યો, ‘હું જાણું તે નવિ જાણું... નવિ જાણું તે જાણું.’
માતા-પિતાને તેની આ ગૂઢવાણીમાં કંઈ જ સમજાયું નહીં, પણ એટલું તો જરૂર લાગ્યું કે ‘અતિમુક્ત છે બાળ, પણ તેની આ વાણી પ્રૌઢ છે.’
માતા-પિતાએ તેની પંક્તિનું રહસ્ય ખોલવા તેને જ કહ્યું.
અતિમુક્તે રહસ્ય ખોલ્યું, ‘મારું મૃત્યુ અવશ્ય થવાનું છે એ હું જાણું છું, પરંતુ એ ક્યારે થવાનું છે એ જાણતો નથી. મૃત્યુ પામીને હું કઈ ગતિમાં જવાનો છું એ હું જાણતો નથી, પરંતુ જો ધર્મ કરીશ તો અવશ્ય સદ્ગતિમાં જઈશ એ હું જાણું છું.’
મૃત્યુનું ગંભીર તત્ત્વજ્ઞાન અતિમુક્તની આ રહસ્યમય વાણીમાં છતું થાય છે.
અતિમુક્ત ચાર વાત કરે છે,
પહેલી વાત છે - સર્ટેનિટીની
બીજી વાત છે - અનસર્ટેનિટીની
ત્રીજી વાત છે - સર્ટેનિટીની
ચોથી વાત છે - અનસર્ટેનિટીની
1. મૃત્યુ સર્ટેન છે. જીવનમાં બધું જ અનસર્ટેન છે સિવાય કે મૃત્યુનું. કોઈ બાળક કેટલું ભણશે? કેટલા રૂપિયા કમાશે? તે લગ્ન કરશે? તે દીક્ષા લેશે? તે ધંધો કરશે? બધું જ અનસર્ટેન, પણ તે મૃત્યુ તો પામશે જ - સર્ટેન.
આ દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય શું? સરોવરના અધિષ્ઠાયક યક્ષનો આ પ્રશ્ન હતો. યુધિષ્ઠિરે એનો જવાબ આપ્યો, મૃત્યુ આવવાનું જ છે એ બધા જાણે છે છતાં એ ક્યારેય આવવાનું નથી એમ જ બધા જીવે છે. આ આશ્ચર્યની પરાકાષ્ઠા છે. યુગોના યોગો વીતી ગયા પણ હજીય એ આશ્ચર્ય મટ્યું નથી. ક્યારેય મટશે ખરું?
2. મૃત્યુ ક્યારે આવવાનું છે એ અનસર્ટેન છે.
તારીખ - મૃત્યુ કઈ તારીખે આવશે?
એન્વાયર્નમેન્ટ - મૃત્યુ કઈ પરિસ્થિતિમાં આવશે? સભાન અવસ્થામાં? બેભાન અવસ્થામાં? પીડામાં? સ્વસ્થતામાં?
ઍડ્રેસ - મૃત્યુ કયા સ્થળે આવશે? ઘરમાં? દુકાનમાં? બસમાં? બાથરૂમમાં? રસ્તા પર?
સમય - મૃત્યુ કયા સમયે આવશે?
ઘોડો - મૃત્યુ કયા ઘોડા પર સવાર થઈને આવશે? હાર્ટ-અટૅકના? કૅન્સરના? પૅરૅલિસિસના? અકસ્માતના?
આ બધા પ્રશ્નોના જવાબ કોઈની પાસે નથી.
મૃત્યુ શબ્દની યથાર્થતા એની આ બધી અનસર્ટેનિટી દ્વારા સિદ્ધ થઈ જાય છે.
એક ભાઈ મળેલા. તેમને જૉબ એવી કે અચાનક ટૂર પર જવું પડે. ક્યારેક કલકત્તા, ક્યારેક દિલ્હી, ક્યારેક મદ્રાસ, ક્યારેક હૈદરાબાદ.
અને જ્યારે જવાનું થાય ત્યારે અચાનક નક્કી થાય અને તરત નીકળવું પડે. બે કલાક પહેલાં નક્કી થાય અને બે કલાકમાં તો રવાના થઈ જવું પડે અને આ ટૂર ક્યારેક પાંચ દિવસની હોય, ક્યારેક સાત દિવસની હોય, ક્યારેક પંદર દિવસની પણ હોય.
મેં એ ભાઈને પૂછ્યું, ‘આમ અચાનક તમારે ટૂર પર નીકળવું પડે તો તમે એક-બે કલાકમાં તૈયારી કેવી રીતે કરો?
‘ગમે ત્યારે અચાનક ટૂર પર નીકળવું પડે એ ખ્યાલ હોવાથી હું હંમેશાં મારી બૅગ-સામાન ભરીને તૈયાર જ રાખું છું.’
એ ભાઈને ટૂરની અનસર્ટેનિટી હતી માટે હંમેશાં બૅગ તૈયાર રાખતા.
મૃત્યુની અનસર્ટેનિટી છે. બૅગ તૈયાર ખરી? ડૉક્ટરને અચાનક ગમે ત્યારે વિઝિટ માટે કૉલ આવે. ક્યારેક સવારે ૬ વાગ્યે પણ આવે. બપોરે બે વાગ્યે પણ આવે અને ક્યારેક રાતે એક વાગ્યે પણ આવે અને મોટે ભાગે ઇમર્જન્સી કૉલ હોય.
કૉલ આવે પછી ડૉક્ટર વિઝિટ-બૅગ ભરવા બેસે તો? સ્ટેથોસ્કોપ, બીપી મશીન, જરૂરી દવાઓ, ઇન્જેક્શનની સિરિન્જ. એ બધું કૉલ આવે ત્યારે બૅગમાં ભરવા ન બેસે.
આપણી પરલોક માટેની વિઝિટ-બૅગ તૈયાર ખરી? કૉલ તો ગમે ત્યારે આવી પડશે.
ક્રિકેટ કે કોઈ પણ સ્પોર્ટ્સની મજા અથવા ક્રેઝનું ખરું હાર્ટ એ છે કે રમતમાં ખેલાડી આઉટ થાય છે. કોઈ પણ ખેલાડી ક્યારેય આઉટ જ ન થાય એવો જ રમતનો કાયદો હોય તો રમતમાં રસ કોને પડે?
અને સમજો કે રમતમાં એવો કાયદો હોય કે દરેક ખેલાડીએ પાંચ ઓવર રમવી અને એ પહેલાં તે આઉટ ન થઈ શકે અને પાંચ ઓવર પૂરી થતાં ફરજિયાત તે આઉટ ગણાય, તો પણ રમતમાં રસ કોને પડે?
રમતમાં ખેલાડી આઉટ થઈ શકે એવો નિયમ છે માટે ખેલાડી અને દર્શક બધાની એ રમત પ્રત્યેની સિન્સિયરિટી જળવાયેલી રહે છે અને ગમે તે બૉલ પર બૅટ્સમૅન આઉટ થઈ શકે છે માટે બૅટ્સમૅન સતત અલર્ટ અને સાવધાન રહે છે.
જીવનની રમત પણ આવી જ છેને. એમાંય એક વાર અવશ્ય આઉટ થવાનું છે માટે જીવન પ્રત્યે અત્યંત ગંભીર હોવું જ ઘટે.
અને ક્યારે આઉટ થવાનું છે એ સર્ટેન ન હોવાથી પ્રત્યેક ક્ષણે અને પ્રત્યેક શ્વાસે સાવધાન રહેવું પણ અનિવાર્ય બને.
નિઃશ્વાસે નહીં વિશ્વાસઃ કદા રુદ્ધો ભવિષ્યતિ
3. મૃત્યુ પામીને પરલોકમાં ક્યાં જવાનું છે એ સર્ટેન નથી.
4 ગતિ... 84 લાખ યોનિ... 14 રાજલોકનું વિશાળ વિશ્વ...
અહીંથી માઇગ્રેટ થવા માટે કેટલા અઢળક વિકલ્પો છે, પણ અહીંથી સ્થળાંતર ક્યાં થવાનું છે એની કોને ખબર છે? વડોદરાના બસ-સ્ટેશન પર જુદા-જુદા સ્થળે જનારી ૪૦ બસો ઊભી છે. એક પ્રવાસી બસનું પાટિયું જોયા વગર એક બસમાં ચડી જાય છે. તેને એટલી ખબર છે કે હું વડોદરા છોડું છું, પણ ક્યાં પહોંચીશ એની તેને ક્યાં ખબર છે?
4. ધર્મ કરશો તો સદ્ગતિ... પાપ કરશો તો દુર્ગતિ... આ વાત સર્ટેન છે.
મુંબઈથી અમદાવાદ જનતાની અમદાવાદની રિઝર્વેશન ટિકિટ કઢાવી. હવે એ પ્રવાસી અમદાવાદ જનતામાં અમદાવાદ જનારી ટ્રેનમાં જ બેસશે અને અમદાવાદ જ પહોંચશે.
જરૂરી છે જ્યાં જવાની ઇચ્છા હોય ત્યાંની ટિકિટ કઢાવવી. ધર્મ એ સદ્ગતિની ટિકિટ છે. પાપ એ દુર્ગતિની ટિકિટ છે. અતિમુક્તની વાણી પ્રેરકવાણી છે. એ માત્ર એક પંક્તિ નથી, એક પંક્તિનું મહાકાવ્ય છે. મોહનિદ્રામાંથી જગાડી દે અને સતત જાગતા જ રાખે એવો અલાર્મ કૉલ છે.