હૈદરાબાદ ગૅઝેટ માટે સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, પણ ૬ મહિના લાગશે
સરકાર દ્વારા નિમાયેલી ભૂતપૂર્વ જજ સંદીપ શિંદેની કમિટી ગઈ કાલે મનોજ જરાંગેને મળી હતી. તસવીર : આશિષ રાજે
બદતર વ્યવસ્થાના આંદોલનકારીઓના આરોપ સામે પૂરતી વ્યવસ્થા કરી હોવાનો BMCનો દાવો
મરાઠા અનામત આંદોલનમાં મહારાષ્ટ્રના ખૂણે-ખૂણેથી ભાગ લેવા આવી પહોંચેલા હજારો મરાઠાઓ હાલમાં મુંબઈના આઝાદ મેદાન પરિસરમાં ધામા નાખીને પડ્યાપાથર્યા રહ્યા છે. તેમનું કહેવું છે કે અમને બેઝિક ઍમિનિટીઝ પણ નથી મળતી. પાણી અને ખાવાનું નથી મળતું. જ્યારે સામા પક્ષે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને કહ્યું હતું કે ‘અમે પૂરતી ગોઠવણ કરી રાખી છે. અમે બે ટ્રક ભરીને રેતી આઝાદ મેદાનમાં ઠાલવી હતી જેથી આંદોલનકારીઓને વરસાદમાં અગવડ ન પડે અને અન્ય સિવિક સુવિધાઓ પણ મળી રહે એ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આંદોલન જ્યાં ચાલી રહ્યું છે ત્યાં સફાઈ કામદારો એ જગ્યાને સ્વચ્છ રાખી રહ્યા છે અને મેડિકલ હેલ્પ માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ચાર મેડિકલ ટીમ અને બે ઍમ્બ્યુલન્સ પણ એ સ્પૉટ પર સતત તહેનાત રાખવામાં આવી છે. એ ઉપરાંત પૂરતી લાઇટ મળી રહે એ માટે ફાયર-બ્રિગેડ સાથે મળીને વધુ પ્રકાશ આપે એવી ફ્લડ લાઇટ્સ પણ ત્યાં બેસાડવામાં આવી છે. ૧૧ ટૅન્કર દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે. આઝાદ મેદાનમાં ૨૯ ટૉઇલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. વળી ૧૦ ટૉઇલેટના એક એવા ત્રણ મોબાઇલ ટૉઇલેટ યુનિટની ગોઠવણ મહાત્મા ગાંધી રોડ પર કરવામાં આવી છે અને ૧૨ પોર્ટેબલ ટૉઇલેટની વ્યવસ્થા મેટ્રો સિનેમા તરફ કરવામાં આવી છે. એ સિવાય આઝાદ મેદાનની આસપાસનાં બધાં ‘પે ઍન્ડ યુઝ’ ટૉઇલેટ આંદોલનકારીઓ માટે ફ્રીમાં સર્વિસ પૂરી પાડી રહ્યાં છે.
ADVERTISEMENT
આંદોલનમાં આરામ
મરાઠા અનામતમાં ભાગ લેવા આવેલા આંદોલનકારીઓમાંથી કેટલાક જે પોતાનું વાહન લઈને આવ્યા છે તેમને અંદાજ હતો કે આંદોલન જલદી નહીં સમેટાય એટલે તેઓ સાથે ગાદલાં પણ લાવ્યા હતા. બપોરના સમયે વામકુક્ષિ કરવા ટેવાયેલા ગ્રામીણ ભાગના આંદોલનકારીઓએ પોતાના ટેમ્પોની નીચે જ ગાદલાં પાથરીને લંબાવી દીધું હતું.
મરાઠા અનામતના મુદ્દે મરાઠા ક્રાન્તિ મોરચાના મનોજ જરાંગે આઝાદ મેદાનમાં અનશન પર બેઠા છે ત્યારે ગઈ કાલે આ સમસ્યાનો ઉકેલ લાવવા સરકાર દ્વારા નિમાયેલી ભૂતપૂર્વ જજ સંદીપ શિંદેની કમિટી મનોજ જરાંગેને જઈને મળી હતી અને તેમની સાથે ચર્ચા કરી હતી. મનોજ જરાંગેએ સાતારા અને હૈદરાબાદ ગૅઝેટ અનુસાર મરાઠા અનામત આપવામાં આવે એવી માગણી કરી છે. કમિટીએ એ માટે ૬ મહિનાનો સમય લાગશે એમ કહ્યા બાદ મનોજ જરાંગેએ કહ્યું હતું કે મરાઠાઓને અનામત આપ્યા સિવાય અહીંથી ઊઠીશ નહીં. શિંદે કમિટીએ કહ્યું છે કે પ્રધાનમંડળે હૈદરાબાદ ગૅઝેટ સંદર્ભે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જોકે આ બાબતે નિર્ણય તો પ્રધાનમંડળ જ લેશે, અમે નિર્ણય ન લઈ શકીએ એમ શિંદે કમિટીએ જણાવ્યું હતું. મનોજ જરાંગેએ કહ્યું હતું કે ‘બધા જ મરાઠા કુણબી ગણાતા નથી તો અધર બૅકવર્ડ ક્લાસમાં જાતમાં તમામનો સમાવેશ કેમ કરાય છે? અડધા મરાઠા કુણબી અને અડધા મરાઠા એ કઈ રીતે બને? અડધું પશ્ચિમ મહારાષ્ટ્ર કુણબી છે, અડધું મરાઠવાડા કુણબી છે. કોકણના મરાઠા, પાઠાર ભાગમાં મરાઠા છે. એ જ રીતે ખાનદેશ અને વિદર્ભના મરાઠા પણ કુણબી છે.’
જે.જે. જૅમ
મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા મરાઠાઓએ ગઈ કાલે જે.જે. ફ્લાયઓવરની નીચેનો રસ્તો બ્લૉક કરી દીધો હતો. જોકે મુંબઈ પોલીસે ટ્રાફિક જૅમ થતાં આંદોલનકારીઓને ફ્લાયઓવર પરથી તેમનાં વાહનો લઈ જવા માટે આખરે પરવાનગી આપવી પડી હતી. તસવીર : અતુલ કાંબળે
હૈદરાબાદ ગૅઝેટ શું છે?
હૈદરાબાદ ગૅઝેટ એટલે ૧૯૧૮માં હૈદરાબાદની નિઝામશાહી સરકારે બહાર પાડેલો આદેશ/ગૅઝેટ. એ વખતે હૈદરાબાદ સંસ્થાનમાં મરાઠાઓની સંખ્યા મોટા પ્રમાણમાં હતી અને સત્તા અને નોકરીઓમાં તેમની ઉપેક્ષા થતી હતી. એથી નિઝામ સરકારે મરાઠા સમાજને ‘હિન્દુ મરાઠા’ના નામે શૈક્ષણિક અને નોકરીમાં અનામત આપવાનો આદેશ બહાર પાડ્યો હતો. ૧૯૧૮માં નિઝામ સરકારે મરાઠાઓને અનામત આપી હતી. એને જ આ અનામતની લડાઈમાં ઐતિહાસિક પુરાવા તરીકે રજૂ કરવામાં આવે છે.
હૈદરાબાદ ગૅઝેટના મુખ્ય મુદ્દા
હૈદરાબાદ રાજ્યના મરાઠાઓને સરકારી નોકરી અને એજ્યુકેશનમાં અનામત આપવાનો નિર્ણય.
આ નિર્ણય અધિકૃત ગૅઝેટ દ્વારા નોંધવામાં આવ્યો એટલે એ ‘હૈદરાબાદ ગૅઝેટ’ કહેવાય છે.
આગળ જતાં મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગણીઓ માટે ઐતિહાસિક પુરાવા તરીકે આ જ ગૅઝેટ વારંવાર દેખાડવામાં આવે છે.
મરાઠા સમાજ પહેલેથી જ પછાત છે એવી સરકારી દસ્તાવેજોમાં નોંધ છે એનો પુરાવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.
મરાઠા આંદોલનમાં વધુ એક જણનું હૃદયરોગથી મોત- મનોજ જરાંગેએ કહ્યું, સરકારે અમારા બે બલિ લીધા
એક બાજુ મરાઠા અનામતનું આંદોલન જોર પકડી રહ્યું છે ત્યારે ગઈ કાલે આંદોલનમાં ભાગ લઈ રહેલા લાતુર જિલ્લાના અહમદપુર તાલુકાના વિજય ઘોગરેનું હૃદયરોગનો હુમલો આવતાં મૃત્યુ થયું હતું. તેને તરત જ જે. જે. હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, પણ ડૉક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ પહેલાં શિવનેરી પાસે આંદોલનમાં ભાગ લઈ રહેલા એક યુવાનનું પણ મોત થયું હતું. મનોજ જરાંગેએ આ બાબતે તીવ્ર શબ્દોમાં સંતાપ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘સરકારે અમારા બે બલિ લીધા. આવતા શનિ-રવિમાં દેખાશે કે મુંબઈમાં કેટલા મરાઠાઓ આવે છે.’
OBCને અન્યાય ન થાય એ માટે નાગપુરમાં સાંકળી ઉપવાસ શરૂ
મરાઠા આંદોલન સામે OBCનું આંદોલન
મરાઠાની જેમ જ મુંબઈમાં આવીને આંદોલન કરવાની તૈયારી
મરાઠા ક્રાન્તિ મોરચાના મનોજ જરાંગેના વડપણ હેઠળ મરાઠા અનામતની આગ ભડકી રહી છે અને આંદોલન વેગ પકડી રહ્યું છે ત્યારે એની સામે હવે અધર બૅકવર્ડ ક્લાસ (OBC) સમાજ પણ આક્રમક થઈ રહ્યો છે. મરાઠાઓને શાંત કરવા અમારા ભાગની અનામત કોઈને ન આપવી એવું ધોરણ તેમણે અપનાવ્યું છે. ગઈ કાલથી ઑલરેડી રાષ્ટ્રીય OBC મહાસંઘે નાગપુરમાં સાંકળી ઉપવાસ શરૂ કરી દીધા છે. બબનરાવ તાયવાડેની અધ્યક્ષતા હેઠળ શરૂ થયેલા આ આંદોલનમાં નાગપુરના સર્વપક્ષીય નેતાઓ સામેલ થયા છે. OBCની અનામતને જો સરકારે જરાય ઓછી કરવાનો પ્રયાસ કર્યો તો અત્યારે જે સાંકળી ઉપવાસ છે એ આમરણ ઉપવાસમાં પલટાવી નાખીશું એવી ચીમકી પણ OBC મહાસંઘે આપી છે. જો જરૂર પડશે તો મુંબઈમાં મોટી સંખ્યામાં આવીને મરાઠા અનામતના આંદોલનને ટક્કર આપીશું એવો પડકાર પણ તેમણે આપ્યો છે.

