કપટથી મેળવેલી અમરપણાની શક્તિથી આસુરી શક્તિ પ્રજાને ત્રાહિમામ્ પોકારાવે ત્યારે તેમને નાથવા એ પડકાર બની જાય છે.
શ્રી કાળરાત્રિ
તપશ્ચર્યા કરીને મેળવેલી શક્તિથી દૈવીવૃત્તિ ધરાવતા લોકો માનવકલ્યાણનું કામ કરે છે, પરંતુ આસુરી વૃત્તિ ધરાવતા લોકો સ્વકલ્યાણમાં જ રચ્યાપચ્યા રહીને અન્ય માનવો પર ત્રાસ કે જુલમ વરસાવવાની હરકતો કરે છે. આવી આસુરી શક્તિનો નાશ કરવા શક્તિરૂપી દુર્ગા કટિબદ્ધ છે અને કરે પણ છે એ આપણે અત્યાર સુધી જોયું, પરંતુ કપટથી મેળવેલી અમરપણાની શક્તિથી આસુરી શક્તિ પ્રજાને ત્રાહિમામ્ પોકારાવે ત્યારે તેમને નાથવા એ પડકાર બની જાય છે.
હિરણ્યકશ્યપુએ ભોળા શિવને છેતરીને અમરતાનું વરદાન માગી લીધું હતું. તે દિવસે ન મરે કે રાતે ન મરે, બહાર ન મરે કે અંદર ન મરે, અસ્ત્રથી ન મરે કે શસ્ત્રથી ન મરે, માણસથી ન મરે કે પશુથી ન મરે એવું ટ્રિકી અર્થાત્ ચાલાકીભર્યું વરદાન માગી લીધું હતું. મૃત્યુનો ભય દૂર થતાં જ તે પોતાને ભગવાન માનવા માંડ્યો હતો. ભલભલી શક્તિઓ તેને હરાવવા અસમર્થ હતી ત્યારે વિષ્ણુએ પોતે એવું નરસિંહનું વિકરાળ સ્વરૂપ ધારણ કરવું પડ્યું જેમાં હિરણ્યકશ્યપુને અપાયેલા વરદાન મુજબ મારવાનું શક્ય બન્યું.
ADVERTISEMENT
આવું જ વિકરાળ સ્વરૂપ આવા જ હેતુ માટે અગાઉ દુર્ગાએ પણ ધારણ કરવું પડ્યું હતું અને એ સ્વરૂપ એટલે શ્રી કાળરાત્રિ. રક્તબીજ નામના અસુરને એવું વરદાન હતું કે યુદ્ધ દરમ્યાન તેના લોહીનું એક ટીપું પણ જમીન પર પડે તો એમાંથી તેના જેવો જ બીજો અસુર પેદા થાય. એનો મતલબ એ જ કે તેનો સંહાર કરવા માટે કોઈ પ્રહાર કરે તો તે શક્તિહીન થવાને બદલે નવું બળ મેળવી વધુ બળવાન બને. પોતાને મળેલા વરદાનનો સદુપયોગ કરીને પ્રજાનું ભલું કરે તો સમજી શકાય, પણ જે આ શક્તિનો દુરુપયોગ કરે, પ્રજા પર જુલમ કરે તેને ચાલાકી કરીને નાથવો જ રહ્યો. અત્યાર સુધી વિવિધ સૌમ્ય રૂપ ધારણ કરતાં દુર્ગામાતાને કાળરાત્રિના રૂપમાં જોઈને આપણે હેબતાઈ જઈએ, પરંતુ જગતના કલ્યાણ માટે દુર્ગામાએ આ રૂપ પણ ધારણ કર્યું હતું. રક્તબીજનું લોહી જમીન પર પડે એ પહેલાં જ પી જવાનું હતું. વિચાર કરો કે આપણે તો કોઈના શરીરમાંથી લોહીનું ટીપું નીકળતું જોઈએ તો પણ કેવા વિચલિત થઈ જઈએ છીએ, તો પછી એ લોહી પીવાનું કોઈ કહે તો આપણા તો હોશ જ ઊડી જાય. આ કામ તો તે જ કરી શકે જે ‘જેવો’ દુશ્મન ‘તેવો’ પોતે બની જાય. આવા શત્રુને હણવા માટે લોહી પી શકે એવો વિચાર, વર્તન અને વેશ જરૂરી છે. રક્તબીજ જેવા અસુરને હણવા માટે નરસિંહ જેવો વિકરાળ દેખાવ આ કાળરાત્રિ પણ ધારણ કરે છે.
પ્રપંચી શત્રુને મારવા માટે એકલું બળ નહીં, પણ પ્રત્યાઘાતી પ્રપંચનો ઉપયોગ પણ કરવો પડે છે જે મા કાળરાત્રિ કરી બતાવે છે. આવી શક્તિનું પૂજન-અર્ચન કરીને આપણે પણ મનમાં કોઈ નકારાત્મક ઊર્જા ભરાઈ ગઈ હોય, ચાલાકી કરીને કે કોઈનું બગાડીને પોતાનું હિત સાધવાની ક્રૂર ભાવના જન્મી હોય તો એનો નાશ કરી શકીએ એમ છીએ.
ગરબારાસ કેવી રીતે શક્તિનો સ્રોત બને?
નવરાત્રિ દરમ્યાન કરાતી ધાર્મિક ક્રિયાઓથી પણ આપણા તનમન ઊર્જાથી ભરપૂર બની જાય છે. આવી એક ધાર્મિક ક્રિયા ઉપવાસ વિશે આપણે ગઈ કાલે જાણ્યું. આજે ગરબા વિશે જાણીએ.
ગરબો એ માત્ર નૃત્ય નથી, પરંતુ શરીર અને મન બન્નેને શક્તિ અને સ્ફૂર્તિથી માલામાલ કરતી તનોરંજક અને મનોરંજક કસરત છે એ ભૂલતા નહીં.
જેમ વૉશિંગ મશીનમાં ગરબા રમેલા એ કપડાંમાંથી મેલ બહાર ફેંકાઈ જાય એ જ રીતે આપણે ગરબા રમીએ ત્યારે આપણા શરીરમાં જમા થયેલાં વિષદ્રવ્યો અને ગરમીમાં ભેગું થયેલું પિત્ત પરસેવા વાટે બહાર નીકળી જાય છે અને શરીરમાં શક્તિ-સ્ફૂર્તિનો અનુભવ થવા માંડે છે.
સામાન્ય સંજોગોમાં શરીરમાં વિષદ્રવ્યોરૂપી એકઠા થયેલા કચરાનો નાશ કરવા શરીરની ઘણી શક્તિ વપરાઈ જાય છે પરંતુ ગરબા-કસરત કરવાથી આ વિષદ્રવ્યોનો નાશ થઈ જાય તો શરીરમાં રહેલી શક્તિ બીજા કાર્યમાં વાળી શકાય છે. આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ચોમાસામાં મંદ પડી ગયેલી પાચનશક્તિ વધે છે. લોહીની રુધિરાભિસરણ શક્તિ વધે છે. મહિલાઓના ગર્ભાશય વિષમુક્ત થઈને શક્તિશાળી અને શુદ્ધ થવા માંડે છે.
ગર્ભને શુદ્ધ કરવા માટેની કસરત પરથી જ ગરબો શબ્દ આવ્યો હોય તો નવાઈ નહીં. મહિલાઓ માટે તો ગરબા રમવાનું ખાસ ફરજિયાત એટલા માટે છે કે એ ગર્ભાશયને સ્વચ્છ, શુદ્ધ અને શક્તિશાળી બનાવે છે, સુખરૂપ માતૃત્વ ધારણ કરી શકે છે. આવનાર શિશુનું પોષણ અને રક્ષણ કરી શકે છે.
ગરબા રમતી વખતે હાથ દ્વારા જે તાળીનો પ્રયોગ થાય છે અને જે રીતે પગના ઠેકા દઈને તાલ લેવામાં આવે છે એમાં હાથ-પગના પ્રેશર-પૉઇન્ટ્સ દબાતાં શરીરનાં દરેક અંગો રીચાર્જ થાય છે, જાણે નવચેતન પામે છે. શરીરમાં શક્તિનો સ્ફોટ થાય છે. મનનો ઉત્સાહ અને આનંદ વધે છે.
વિશાળ ગ્રહો પોતે પોતાની ધરીની આસપાસ ફરે છે અને સૂર્યની આસપાસ પણ ગોળ-ગોળ ફરે છે તો સૂક્ષ્મ કણમાં રહેલા વીજાણુઓ પોતે ગોળ ફરે છે અને કેન્દ્રની આસપાસ પણ પ્રદક્ષિણા કરે છે. મોટા ગ્રહો અને નાના વીજાણુઓ ગરબા રમીને ઊર્જા મેળવી શકતા હોય તો આપણે માનવીઓ ગરબા રમીને શક્તિનો પ્રાદુર્ભાવ કેમ ન કરી શકીએ?
વહાલા વાચકો, ગરબા રમતી વખતે આ જ વાત ધ્યાનમાં રાખવાની છે કે પોતે તો ગોળ ફુદરડી લેવાની જ છે પરંતુ કોઈ દીપક કે માટીના ગરબા કે માતાજીની છબિની આસપાસ પણ ગોળ-ગોળ ફરવાનું છે. પરિભ્રમણ અને પ્રદક્ષિણાથી ઉત્પન્ન થતી ગતિશક્તિ જ ઊર્જામાં પરિવર્તિત થાય છે.
પૂરું બ્રહ્માંડ ગરબા રમી રહ્યું છે, ગતિવાન છે. જે ગતિમાં છે એ જ તો જગત છે.
પૂરા જગતની પ્રચંડ શક્તિ લઈને જગતજનની નવરાત્રિના દિવસોમાં નવદુર્ગાનાં નવ સ્વરૂપે આપણને આશિષ દેવા આપણા આંગણે આવે છે ત્યારે ચાલો ગરબા રમીને આપણે તેમને વધાવીએ.
સોનલ ગરબો શિરે
અંબે મા ચાલો ધીરે ધીરે...
ફર૨૨ ફુદડી ફરે
અંબે મા ચાલો ધીરે ધીરે...

