જો તમારું ધાર્યું થયું તો ઈશ્વરની કૃપા માનવી અને ન થયું તો જેવી હરિની ઇચ્છા એમ માનીને દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવું.
શુભ મેળો-કુંભ મેળો
કુંભ મેળો
છેલ્લા ત્રણ દિવસથી આપણે કુંભયાત્રા કરવા માટે કેવા નિયમો હોવા જોઈએ અને કેવી યોગ્યતા હોવી જોઈએ એની છણાવટ કરી રહ્યા છીએ એનો અર્થ એ નથી કે ત્યાં જવાની અનુકૂળતા હોય તોયે ત્યાં ન જવું. કદાચ આંતરિક યાત્રા માટે એટલે કે મોક્ષ તરફની આધ્યાત્મિક યાત્રા માટે આપણે અત્યારે તૈયાર ન હોઈએ કે પછી યોગ્ય ન હોઈએ તો પણ એ તરફની સમજણ માટે પણ કુંભ યાત્રા કરવાની તક મળે તો કરી લેવી. સાથે-સાથે ખાસ મુહૂર્તમાં જ ખાસ સ્નાન કરવા માટે અયોગ્ય માર્ગ અપનાવવો ન જોઈએ.
જો તમારું ધાર્યું થયું તો ઈશ્વરની કૃપા માનવી અને ન થયું તો જેવી હરિની ઇચ્છા એમ માનીને દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવું.
ADVERTISEMENT
હવે પછી ૧૪૪ વર્ષે મહાકુંભનો યોગ આવશે. આપણને આ જન્મમાં ફરી આવો મોકો નહીં મળે એવું વિચારીને નિરાશ ન થવું જોઈએ.
૧૪૪ વર્ષ ૧૨ કુંભ પત્યા પછી આવતો એક લૅન્ડમાર્ક છે. સીમાચિહ્ન છે. એને લઈને ગુરુ જે દર બાર વર્ષે વૃષભ રાશિમાં આવે છે એની ગતિમાં કે સ્થાનમાં લેશમાત્ર ફરક પડતો નથી. જેમ ક્રિકેટર ૫૦ રન બનાવે તો અડધી સદી ફટકારી એમ કહેવાય. ૭૫ રન એટલે પોણી સદી અને ૧૦૦ રન કરે તો સદી ફટકારી કહેવાય. એ જ રીતે દર છ વર્ષે જે કુંભયોગ આવે એને અર્ધકુંભ કહેવાય. બાર વર્ષે આવે એને પૂર્ણ કુંભ કહેવાય અને ૧૪૪ વર્ષ મતલબ કે ૧૨ પૂર્ણકુંભ પછી જે કુંભયોગ બને એને મહાકુંભ કહેવાય.
કોઈ બૅટ્સમૅન ૧૦૦ રન કરે તો તે એક નક્કી કરેલી સીમારેખા પાર કરે છે. સદી એના માટે યાદગાર સીમાચિહ્ન બની જાય છે. એથી વિશેષ કંઈ નથી. હવે કોઈ બૅટ્સમૅન ૯૦ રન કરીને આઉટ થઈ જાય તો પણ તેની બૅટિંગનાં વખાણ તો થાય જ. તે ખરાબ બૅટ્સમૅન ન કહેવાય. ૧૪૪ એ માત્ર નંબરગેમ છે. સાઇકૉલૉજી છે. એથી વિશેષ કશું જ નથી.
સારો બૅટ્સમૅન મૅચ જીતવા માટે રમે છે. દર્શકોને આનંદ આપવા રમે છે. દેશના ગૌરવ માટે રમે છે. પોતાના વ્યક્તિગત લાભ, સ્ટેટસ કે રેકૉર્ડ માટે નથી રમતો. અર્ધકુંભ હોય, પૂર્ણકુંભ હોય કે પછી મહાકુંભ હોય આપણે મોક્ષ તરફ ગતિ મળી રહે એવા પ્રયત્નો કરતા રહેવા.
સફળતા મળવાની હશે તો અર્ધકુંભમાં પણ મળશે અને નહીં મળવાની હોય તો મહાકુંભમાં પણ નહીં મળે. માટે નિરાશ ન થવું. ૧૪૪ના આંકડામાં ન ફસાવું.
સારા વિચાર, સારી વાણી અને સારું વર્તન તેમ જ અંગત સ્વાર્થ નહીં, પણ પરમાર્થ માટેનું જીવન મહાકુંભના સ્નાન કરતાં પણ વિશેષ આધ્યાત્મિક લાભ આપી શકે છે.
એક ગામમાં મોટા પ્રતિષ્ઠિત મંદિરનું નિર્માણ થયું હતું. ઉદ્ઘાટનના દિવસે આસપાસનાં અને દૂર-દૂરનાં ગામડાંઓને પણ નિમંત્રણ અપાયું હતું. આ મંદિરની ખાસિયત એ હતી કે એના પ્રાંગણમાં એક પિત્તળનો થાળ રાખવામાં આવ્યો હતો. સૂર્યાસ્ત સુધીમાં જે પણ ભક્ત આવે તેને આ થાળનો સ્પર્શ કરાવવાનો હતો. પ્રભુનો સાચો ભક્ત હશે તો તેના સ્પર્શથી આ પિત્તળનો થાળ સોનાનો બની જશે એવી સૂચના ત્યાં લખી રાખી હતી.
મોટા-મોટા રાજાઓ, વેપારીઓ, ખેડૂતો, સંસારીઓ, સાધુ-સંન્યાસીઓ પણ પોતાનો હાથ અજમાવી ચૂક્યા હતા, પરંતુ કોઈના સ્પર્શથી આ થાળ સોનાનો થયો નહોતો.
દૂરના ગામમાંથી એક ખેડૂત પણ મંદિરમાં દર્શનાર્થે જવા નીકળ્યો હતો. રસ્તામાં એક ગરીબ, વૃદ્ધ અને બીમાર મનુષ્યે આ ખેડૂતની મદદ માગી. અશક્ત અને માંદા માણસને જોઈ ખેડૂતના મનમાં દયાભાવ જાગ્યો. તેના હૃદયમાં કરુણાભાવ પ્રગટ્યો. તે આ બીમાર વૃદ્ધની શૂશ્રૂષા કરવા રોકાયો. દર્શન કરીને પરત ફરી રહેલા તેના ઓળખીતા ભાવિકોએ તેને સમજાવતાં કહ્યું કે સૂર્યાસ્ત પહેલાં મંદિરમાં દર્શન કરી લે અને થાળને સ્પર્શ કરી લે. આ માણસની સેવામાં તો સમય વીતી જશે.
પેલો ખેડૂત કહે કે આ માણસને મ૨તો મૂકીને પ્રભુનાં દર્શન કરવાનો શો અર્થ? એ તનમનથી થોડો સ્વસ્થ થાય એટલે હું આગળ વધીશ.
આવા વિચારવાળા ખેડૂતને મંદિર પહોંચતાં મોડું થઈ ગયું. દર્શન કરીને ગર્ભગૃહની બહાર નીકળ્યો. પેલો થાળ હજી પણ ત્યાં પડ્યો હતો. એ સોનાનો થયો નહોતો. અને હવે સમય પણ વીતી ગયો હતો. સૂર્યાસ્ત થઈ ચૂક્યો હતો. મંદિર બંધ થવાની તૈયારી હતી. છતાંય પૂજારીએ પેલા ખેડૂતને કહ્યું, ‘ભાઈ, તમે મોડા પડ્યા, પણ જતાં-જતાં પેલા થાળને સ્પર્શ તો કરતા જજો. ખેડૂતે પૂજારીની વાત માની. બે હાથથી થાળને નમન કરી સ્પર્શ કર્યો અને ચમત્કાર સર્જાયો. થાળ સોનાનો થઈ ગયો.
જે જરૂરતમંદ અને મજબૂર વ્યક્તિનો સમય સાચવી લે છે એને સમય કે મુહૂર્તના બંધન નથી નડતા. કુંભ સ્નાનનો સમય સાચવવા પડાપડી કરવી નહીં. કોઈને પાડીને નહીં, પણ પડતા માણસને ઉપાડીને ખુશ રહેજો. શુભ સમય તમારા ચરણ ચૂમશે.
(ક્રમશઃ)