સામાજિક કાર્યકર અંજલિ દમણિયાનો નવો દાવો
અંજલિ દમણિયા
સામાજિક કાર્યકર અંજલિ દમણિયાએ ગઈ કાલે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વિધાનસભ્ય અને રાજ્યના ફૂડ ઍન્ડ સપ્લાય વિભાગના પ્રધાન ધનંજય મુંડે પર ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ કર્યો હતો. પ્રેસ-કૉન્ફરન્સમાં અંજલિ દમણિયાએ દાવો કર્યો હતો કે ‘મહાયુતિની અગાઉની રાજ્ય સરકારમાં ધનંજય મુંડે કૃષિપ્રધાન હતા ત્યારે ૮૮ કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજનામાં ખેડૂતોનાં બૅન્ક-અકાઉન્ટમાં સરકારની સહાય જમા કરવાનો નિર્દેશ હોવા છતાં એ સમયે કૃષિ વિભાગે ખેતીનાં ઉપકરણ અને ખાતરની માર્કેટથી ઊંચા ભાવે ખરીદી કરી ખેડૂતોને આપવામાં આવ્યાં હતાં. આમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવા મળી આવ્યા છે.’
જોકે ધનંજય મુંડેએ અંજલિ દમણિયાએ કરેલો આરોપ પાયાવિહોણો અને રાજનીતિથી પ્રેરિત હોવાનું કહીને તેમની સામે બદનક્ષીનો દાવો કરવાની જાહેરાત કરી હતી.