દરેક શિવભક્તને જીવનમાં એક વખત ૧૨ જ્યોતિર્લિંગનાં દર્શન કરવાની ઇચ્છા તો હોય જ છે, પણ એકધારાં બારેબાર સ્થાનનાં દર્શન કરવાં કદાચ ઇમ્પૉસિબલ હોઈ શકે
હર હર મહાદેવના નામથી જર્નીની કરી શરૂઆત.
દરેક શિવભક્તને જીવનમાં એક વખત ૧૨ જ્યોતિર્લિંગનાં દર્શન કરવાની ઇચ્છા તો હોય જ છે, પણ એકધારાં બારેબાર સ્થાનનાં દર્શન કરવાં કદાચ ઇમ્પૉસિબલ હોઈ શકે. જોકે થાણેના ઘોડબંદર રોડ વિસ્તારમાં રહેતી રાવરિયા ફૅમિલીએ એને પૉસિબલ કરી દેખાડ્યું છે. પરિવાર સાથે રોડથી ટ્રાવેલિંગ કરીને આવી સ્પિરિચ્યુઅલ ટૂર કરવાનું ડ્રીમ ૧૭ વર્ષના નિત્ય રાવરિયાએ પૂરું કર્યું એટલું જ નહીં, ૧૫ રાજ્યોના આ પ્રવાસ દરમ્યાન બીજાં અનેક ધર્મસ્થાનોમાં દર્શન કરવાનો લહાવો પણ લીધો
ટ્રાવેલિંગનો અર્થ માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો નથી, પણ એ નવી ઊર્જાનો સંચાર કરવાની પ્રક્રિયા છે. થાણેના ઘોડબંદર રોડ વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષના નિત્ય રાવરિયાએ તેનાં મમ્મી-પપ્પા અને ભાઈ સાથે સેવન-સીટર કારથી ૧૨,૦૦૦ કિલોમીટર કરતાં વધુ પ્રવાસ કરીને ૧૨ જ્યોતિર્લિંગની અખંડ યાત્રાનો સંકલ્પ સફળતાપૂર્વક પૂરો કર્યો હતો. ભક્તિની સાથે દેશની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને ઍડ્વેન્ચરથી ભરપૂર ટૂર કરી આવેલા નિત્યને ઘણા અનુભવો થયા હતા. ૧૯ દિવસમાં ૧૫ રાજ્યોની ટૂર કરી ચૂકેલી રાવરિયા ફૅમિલીને આ પ્રકારની ટૂરનો વિચાર કઈ રીતે આવ્યો અને એને પાર પાડવામાં કેવા પડકારો અને અનુભવો થયા એ નિત્ય પાસેથી જાણીએ.
ADVERTISEMENT
રોડમૅપ બનાવ્યો
૧૨ જ્યોતિર્લિંગના અખંડ પ્રવાસની ઇચ્છા તો બે વર્ષથી હતી, પણ જ્યાં સુધી ભગવાન ન બોલાવે ત્યાં સુધી ગમે એટલી કોશિશ કરો તોય તમે પહોંચી શકો નહીં એવું માનતા ૧૭ વર્ષના યુટ્યુબર અને સ્ટુડન્ટ નિત્યએ આ વખતે ટૂરને કઈ રીતે એક્ઝિક્યુટ કરી એ વિશે જણાવતાં તે કહે છે, ‘મારાં મમ્મી રમીલાબહેન અને પપ્પા ચંદ્રકાંતભાઈ શંકર ભગવાનને માને છે. તેમને જોઈને મારામાં પણ આધ્યાત્મિકતા વધી. મારો ભાઈ હ્રિધાન ૧૧ વર્ષનો છે. તે પણ ટ્રાવેલનો શોખીન છે. આમ તો કેદારધામ સિવાય અમે ટુકડા-ટુકડામાં જ્યોતિર્લિંગનાં દર્શન કર્યાં છે, પણ બે વર્ષ પહેલાં સોમનાથ ગયા હતા ત્યારે વિચાર આવ્યો કે બારેબાર જ્યોતિર્લિંગનાં દર્શન એકસાથે કરીએ અને એ પણ પરિવાર સાથે. આ દુર્લભ સુખને હકીકતમાં બદલવા માટે અમે ગયા વર્ષે કોશિશ કરી હતી, પણ અમુક કારણોસર એ પૉસિબલ થઈ શક્યું નહીં. જોકે આ વર્ષે નક્કી થયું અને પ્લાનિંગ કરીને અમે કારથી નીકળી ગયા ૧૨ જ્યોતિર્લિંગના અખંડ પ્રવાસે. મારાં મમ્મી મેકઅપ આર્ટિસ્ટ છે અને પપ્પાનો ગ્રોસરીનો બિઝનેસ છે. બન્નેએ પોતપોતાનું કામ ઍડ્જસ્ટ કર્યું અને મેં મારી સ્ટડીઝ. જવાનો નિર્ણય લેવાઈ ગયો ત્યારે પપ્પાએ ફાઇનૅન્સ સંભાળવાની જવાબદારી લીધી અને મેં અને મમ્મીએ ગૂગલ મૅપ્સની મદદથી આખો રૂટ નક્કી કર્યો કે કયા દિવસે ક્યાંથી ક્યાં જવું. કોઈ પણ વ્યક્તિને કન્સલ્ટ કર્યા વિના જાતમહેનતે અમે આખી ટ્રિપ પ્લાન કરી અને ૧૪ જુલાઈએ રાતે ચારેય જણ થાણેથી કારમાં ઊપડી ગયા.’
જ્યોતિર્લિંગનો રોડમૅપ કાર પર દેખાડ્યો હતો.
કારથી જ કેમ?
જ્યોતિર્લિંગના પ્રવાસે નીકળેલી રાવરિયા ફૅમિલીએ કારને પણ ક્રીએટિવ રીતે ડેકોરેટ કરી હતી. ૧૨ જ્યોતિર્લિંગના ફોટો રૂટ સાથે કારની ફરતે લગાવ્યા હતા. ટ્રાવેલિંગ માટે પર્સનલ કારની પસંદગી કરવા પાછળનું કારણ જણાવતાં નિત્ય કહે છે, ‘અમારી પોતાની સેવન-સીટર કાર હતી. જો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ગયા હોત તો એમના સમય મુજબ ચાલવું પડે અને અમે જે પ્લાનિંગ કર્યું હતું એ જોતાં એને ફૉલો કરવું થોડું અઘરું હતું. તેથી અમે અમારી સેવન-સીટર કાર લઈને બારેબાર જ્યોતિર્લિંગ બાય રોડ જ કવર કરવાનું વિચાર્યું. કારમાં લાંબો પ્રવાસ હતો તેથી ગાડીની વચ્ચેની સીટ કાઢીને એના પર અમારો સામાન રાખ્યો અને સામાન પર ગાદલું નાખીને બેડ બનાવી નાખ્યો, જેથી જો હોટેલ ન મળે તો રાત અમે કારમાં આરામથી વિતાવી શકીએ અને સાથે કુદરતના સૌંદર્યને પણ મન મૂકીને માણી શકીએ. આપણી પોતાની કાર હોય તો મનફાવે ત્યાં ઊભી રાખી શકીએ. આ છૂટ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ન મળે અને રોડનું ટ્રાવેલિંગ ખરેખર ઍડ્વેન્ચરસ હોય છે. આખી ટ્રિપમાં ડ્રાઇવિંગ મારા પપ્પાએ જ કર્યું છે. અમે સેફ્ટી માટે ૭ વાગ્યા પછી જ્યાં પહોંચ્યા હોઈએ ત્યાં જ રાતવાસો કરી લેતા અને સવારે ત્યાંથી આગળ જવા નીકળતા.’
કેદારનાથ ધામમાં રાવરિયા દંપતી.
યાત્રાનો પ્રારંભ
સૌથી પહેલું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવના આશીર્વાદ લઈને યાત્રાની શરૂઆત કરી. નિત્ય કહે છે, ‘અમે શ્રાવણ મહિનો બેસે એ પહેલાં જ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ૧૪ જુલાઈએ રાત્રે અમે થાણેથી સોમનાથ જવા નીકળ્યા. બીજા દિવસે સવારે સોમનાથ જ્યોતિર્લિંગનાં દર્શન કરીને ભગવાન શિવનાં દર્શન સાથે યાત્રાનો આરંભ અત્યંત પવિત્ર લાગ્યો. ત્યાર બાદ અમે દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શન કર્યાં અને ત્યાંથી મધ્ય પ્રદેશના ઉજ્જૈન જવા નીકળ્યા. બે દિવસનું ટ્રાવેલિંગ કરીને અમે ૧૮ જુલાઈએ રાતે ત્યાં પહોંચ્યા અને ૧૯ જુલાઈએ સૌથી પહેલાં ઓમકારેશ્વરનાં દર્શન કર્યાં. ત્યાંથી સાંજે પાછા મહાકાલેશ્વર આવીને રાત્રે ૩ વાગ્યાની ભસ્મ આરતીનો લહાવો લીધો. મહાકાલેશ્વરનો અનુભવ તદ્દન અદ્ભુત અને અવિસ્મરણીય હતો. પરિવાર સાથે અહીં આવવાનું દુર્લભ સુખ મને નસીબ થયું.’
ઉજ્જૈન ટુ કેદારનાથ
મહાકાલેશ્વર બાબાનાં દર્શન કરીને અમે એ જ દિવસે એટલે કે ૨૦ જુલાઈએ ઉત્તરાખંડ જવા નીકળ્યા એમ જણાવતાં નિત્ય કહે છે, ‘ત્યાં અમે નક્કી કર્યું હતું કે કેદારનાથની સાથે છોટા ચારધામની યાત્રા કરવી છે એટલે કે ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદરીનાથની યાત્રા. ૨૧ જુલાઈએ સવારે અમે ઉત્તરાખંડમાં એન્ટર થઈ ગયા હતા અને ત્યાં અમારું પહેલું સ્ટૉપ હતું યમુનોત્રી. અહીં જવા માટે અમે રાત્રે બરકોટ બેઝ કૅમ્પમાં પહોંચ્યા. ત્યાં રાત વિતાવીને બીજા દિવસે યમુનોત્રી જવાનું હતું. ત્યાં જવા માટે થોડું ટ્રેકિંગ છે. ત્યાં દર્શન કરીને બીજા દિવસે ગંગોત્રીનાં દર્શન કર્યાં. ૨૩ જુલાઈએ ઉત્તરકાશી જઈને ત્યાં હૉલ્ટ લીધો અને ૨૪ જુલાઈએ સોનપ્રયાગ માટે નીકળ્યા. સોનપ્રયાગ જવાના રૂટમાં વચ્ચે હૃષીકેશ આવે. શ્રાવણ મહિનાના પહેલા દિવસે એટલે કે પચીસમી જુલાઈના મળસકે પાંચ વાગ્યે કેદારનાથ જવા માટે ટ્રેકિંગ શરૂ કર્યું અને સાંજે છ વાગ્યે કેદારધામ પહોંચ્યા. અહીં સુધી કારથી પહોંચવામાં ઘણાં ભૂસ્ખલન થયાં, પણ જાણે ડિવાઇન એનર્જી અમને પ્રોટેક્ટ કરી રહી હોય અને અમારા સંકલ્પને પૂરો કરવા માટે અમને મદદ કરી રહી હોય એવી ફીલિંગ આવતી હતી. અમે કેદારનાથ પહોંચ્યા ત્યારે હવામાન બહુ મસ્ત હતું. વરસાદ હોવાથી વાતાવરણ એટલું મસ્ત હતું અને નયનરમ્ય નજારો જોવાની જે અનુભૂતિ હતી એનું વર્ણન કરી શકાય એમ નથી. જાણે સ્વર્ગમાં જ આવી ગયા હોઈએ એવી અનુભૂતિ થઈ હતી. અમે સાંજે છ વાગ્યે કેદારનાથ પહોંચ્યા હોવાથી સાંજની આરતીનો લાભ લીધો હતો. રાત પડી જતાં અમને મંદિરના ૨૦૦ મીટરના અંતરે સ્ટે મળી ગયો હોવાથી અમે સવારે ત્યાંથી નીકળ્યા. આ દરમ્યાન અમે બે વાર કેદારનાથ મહાદેવને સ્પર્શ કરીને દર્શન કર્યાં. કેદારધામ એવી જગ્યા છે જ્યાં પહોંચ્યા બાદ ત્યાંથી પાછા જવાનું મન થતું નથી. એમ છતાં અમે કઠણ કાળજે ત્યાંથી સવારે ૯ વાગ્યે નીકળ્યા. ચડાણ જેટલું કપરું હતું એટલું જ સહેલું નીચે ઊતરવું હતું. અમારે પાંચ કલાકમાં નીચે ઊતરવાનો ટાર્ગેટ હતો, પણ રસ્તામાં ભૂસ્ખલન થવાને લીધે ૬ કલાક થયા. નીચે હતાં એ જ્યોતિર્લિંગની આસપાસમાં અમે અગાઉથી સ્ટે બુક કર્યો હતો, ફક્ત કેદારનાથ અને યમુનોત્રીમાં સ્ટે બુક નહોતો કર્યો. ૨૬ જુલાઈએ સાંજે અમે કેદારનાથથી ત્રિયુગી નારાયણનાં દર્શન માટે નીકળ્યા. સોનપ્રયાગથી બાવીસ કિલોમીટરના અંતરે આવેલા આ સ્થળે રાત્રે પહોંચ્યા હોવાથી રોકાઈ ગયા અને સવારે દર્શન કરીને બદરીનાથ પહોંચ્યા હતા. આ રૂટ પણ ડ્રાઇવિંગ માટે થોડો કપરો હતો, પણ જાણે ભગવાન અમને પ્રોટેક્ટ કરી રહ્યા હોય એમ કારને કે અમને જરાય આંચ આવી નહીં અને સ્મૂધલી રાત્રે બદરીનાથ પહોંચ્યા. બદરીનાથ એટલું ડેવલપ થયું છે કે તમને વિશ્વાસ જ નહીં આવે કે આવા વિદેશ જેવા રોડ ભારતમાં હશે. ૨૮ જુલાઈએ બદરીનાથનાં દર્શન કરીને ત્યાંથી નૈનીતાલ ગયા. રૂટમાં પ્રસિદ્ધ કૈંચીધામનાં દર્શન પણ થયાં. કૈંચીધામ અમારા પ્લાનમાં હતું નહીં, પણ દર્શન કરીને ખરેખર મન પ્રસન્ન થઈ ગયું. ૨૯ જુલાઈએ સવારે કૈંચીધામનાં દર્શન કર્યા બાદ અમે અયોધ્યા જવા પ્રયાણ કર્યું. એ જ દિવસે રાત્રે અયોધ્યા પહોંચ્યા બાદ બીજા દિવસે એટલે કે ૩૦ જુલાઈએ સવારે રામલલાનાં દર્શન કર્યાં અને કાશી વિશ્વનાથ જવા વારાણસી પહોંચ્યા. અમે એટલા નસીબવાળા હતા કે કાશી વિશ્વનાથ બાબાનાં દર્શન અમને એક વખત નહીં પણ બે વખત મળ્યાં. જે દિવસે રાત્રે પહોંચ્યા હતા ત્યારે મંદિરમાં ભીડ નહોતી એટલે દર્શન કરી લીધાં અને સવારે પણ કર્યાં.’
નાગેશ્વરમાં નિત્ય રાવેરિયા
વારાણસીથી પુરી
પ્લાનિંગ કરતાં પણ વધુ સારી ટ્રિપ થઈ હોવાનું માનતો નિત્ય વાતને આગળ વધારતાં કહે છે, ‘૩૧ જુલાઈએ વારાણસીથી ઝારખંડના દેવઘરસ્થિત બાબા વૈદ્યનાથનાં દર્શન માટે નીકળ્યા. એ જ રાતે અમે પહોંચી ગયા હતા અને બીજા દિવસે સવારે એટલે પહેલી ઑગસ્ટે સવારે બાબાનાં દર્શન કર્યાં. અહીં થયું એવું કે એ સમયે કાવડયાત્રા ચાલુ હતી અને મંદિરમાં એને કારણે વધુ ભીડ હતી. ૨૪ કલાક ઊભા રહેવું પડે એટલી લાંબી લાઇન હતી. અમારા માટે એ પૉસિબલ ન હોવાને લીધે અમે VIP લાઇનમાં જઈને દર્શન કર્યાં, કારણ કે સમયનો અભાવ હતો. ત્યાંથી જગન્નાથપુરી અને ત્યાંથી કોણાર્કના સૂર્યમંદિરની મુલાકાત લઈને અમે નીકળ્યા આંધ્ર પ્રદેશમાં આવેલા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનાં દર્શન કરવા.’
કારની વચ્ચેની સીટ કાઢી ત્યાં સામાન રાખી ઉપર ગાદલું મૂકીને બેડ બનાવ્યો હતો.
દક્ષિણ ભારત મોટો પડકાર
દિક્ષણ ભારતમાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો એમ જણાવીને ટ્રિપ દરમ્યાન થયેલા અનુભવો જણાવતાં નિત્ય કહે છે, ‘પુરીથી શ્રીસૈલમ મલ્લિકાર્જુન પહોંચવાનું અંતર આશરે ૧૦૦૦ કિલોમીટર જેટલું હતું. ઉત્તર અને મધ્ય ગુજરાત ખાવા-પીવા અને રહેવાના મામલે દક્ષિણ ભારત કરતાં ઘણું સારું હતું. અમને કમ્ફર્ટ ફૂડ અને સ્ટે માટે હોટેલ મળી જતી હતી, પણ મલ્લિકાર્જુન જતી વખતે ખાવા-પીવાનો બહુ પ્રૉબ્લેમ થયો હતો. હાઇવે પર પણ એકેય હોટેલ કે ઢાબા મળે નહીં. ત્યાં મેઇન પ્રૉબ્લેમ હતી ભાષા. તેઓ અમારી ભાષા ન સમજી શકે અને અમે તેમની ન સમજી શકીએ. એ વખતે અમે ડિસાઇડ કર્યું કે સાઉથમાં અમે બહુ જ સાવચેતીથી અને સમજી-વિચારીને આગળ વધીશું અને નાઇટ ડ્રાઇવ કરીશું જ નહીં. ચોથી ઑગસ્ટે અમે મલ્લિકાર્જુનનાં દર્શન કરીને રામેશ્વરમ માટે નીકળી ગયા. ત્યાં પહોંચવા પહેલાં અમે ચેન્નઈમાં રાત રોકાયા. છ ઑગસ્ટે અમે રામેશ્વરમનાં દર્શન કરીને રામસેતુની પણ મુલાકાત લીધી. ગાડીથી જાઓ તો ૧૫ મિનિટ અને ચાલતા જાઓ તો એક કલાક લાગે. વચ્ચે અમને વિભીષણ મંદિર પણ મળ્યું હતું. બપોરે ૧૨ વાગ્યા સુધીમાં અમારો કાર્યક્રમ પતાવીને ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ માટે નીકળી રહ્યા હતા ત્યારે અમને એક વ્યક્તિએ કહ્યું કે તમે અહીં સુધી આવ્યા છો તો તિરુવનંતપુરમમાં પદમનાભસ્વામી મંદિરની મુલાકાત લેવા જેવી છે. અનંત શયનમુદ્રામાં વિષ્ણુ ભગવાનને સમર્પિત આ મંદિરની મુલાકાત ખરેખર વર્થ હતી. દરેક હિન્દુએ અહીં આવવું જ જોઈએ. ત્યાંથી અમે ગંગાધરેશ્વર પછી જટાયુ અર્થ સેન્ટર જોઈને બૅન્ગલોરમાં એક રિલેટિવના ઘરે સ્ટે કર્યો. ત્યાં આદિયોગીની રેપ્લિકા અને દુનિયાનું સૌથી મોટું ૧૦૮ ફુટ ઊંચું વિશાળ શિવલિંગ ધરાવતા કોટિલિંગેશ્વરની મુલાકાત પણ લીધી. આ પણ અમારા પ્લાનમાં સામેલ નહોતું, પણ અનએક્સ્પેક્ટેડ જગ્યાઓ એક્સપ્લોર કરવી સૌથી બેસ્ટ હોય છે.’
છેલ્લે મહારાષ્ટ્ર
ટ્રિપના અંતિમ તબક્કા વિશે જણાવતાં નિત્ય કહે છે, ‘ફાઇનલી અમે ત્યાંથી ૧૫૦૦ કિલોમીટર જેટલો પ્રવાસ કરીને સોલાપુર પહોંચ્યા અને ત્યાં તુળજાભવાની માતાનાં દર્શન કરીને ઘૃષ્ણેશ્વરનાં દર્શન રાત્રે જ કરી લીધાં. બીજા દિવસે સોમવાર હતો એટલે સવારના પહોરમાં ભક્તોની ભીડ થવાની હતી એ અંદાજ આવી જતાં રાત્રે જ દર્શન કરવાનો નિર્ણય લીધો હતો. ત્યાંથી અમે ૧૩ ઑગસ્ટે ભીમાશંકરનાં દર્શન કર્યાં. ત્યાં ભીડ હોવાને લીધે અમને પાંચ કલાકે દર્શન કરવા મળ્યાં. આ એરિયામાં અચાનક અમારી કાર ખોટકાઈ ગઈ હતી. આસપાસ મદદ માટે કોઈ દેખાતું નહોતું ત્યારે અચાનક એક વ્યક્તિ અમારી વહારે આવી અને પ્રૉબ્લેમ સૉલ્વ કર્યો ત્યારે એવું લાગ્યું કે જાણે સાક્ષાત્ મહાદેવે જ અમારી મદદ કરી હોય. ભીમાશંકરથી યંબકેશ્વર અને ત્યાંથી અંજનેરી હનુમાન મંદિરનાં દર્શન કરીને ૧૪ ઑગસ્ટે રાત્રે અમે ટ્રિપની પૂર્ણાહુતિ કરીને ઘરે પહોંચ્યા. અમે ૧૫ રાજ્યોની સાથે ૧૨,૦૦૦ કરતાં વધુ કિલોમીટરનો પ્રવાસ કરીને દર થોડા-થોડા અંતરે દેશની બદલાતી સંસ્કૃતિ અને ફૂડનો લહાવો લીધો હતો. સાઉથ ઇન્ડિયામાં તો અમે ખાલી ઇડલી-સાંભાર ખાઈને દિવસો કાઢ્યા, પણ એનીયે અલગ મજા હતી. અમારા બધાના જ જીવનની આ સૌથી મેમરેબલ ટૂર રહી હતી. નૉર્મલી આટલું ફરી આવ્યા બાદ થાક લાગતો હોય છે, પણ અમને થાકની અનુભૂતિ જ નથી થઈ. મારા પપ્પા તો આટલું ડ્રાઇવિંગ કર્યા બાદ પહોંચીને તરત કામે ચડી ગયા.’

