Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > વેદના નથી ઉદારતા ઘટવાની, વેદના નથી અસમાધિ વધવાની

વેદના નથી ઉદારતા ઘટવાની, વેદના નથી અસમાધિ વધવાની

Published : 04 June, 2026 01:03 PM | IST | Mumbai
Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

મંદીનો મને કોઈ વાંધો નથી; પણ બીજાઓને આપી શકતો નથી, આવે તેમના ચહેરા પર રાજીપો લાવી શકતો નથી એની મને વ્યથા છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


‘મહારાજસાહેબ, આપ કંઈક આશીર્વાદ આપી શકશો?’ પ્રશ્ન એક ટૅક્સી-ડ્રાઇવરનો અને વિસ્તાર હતો જુહુનો, ‘એવું છે કે ધંધામાં મંદી છે, બજારમાં નાણાભીડ છે, મોંઘવારી જાલિમ છે. આ બધાં પરિબળોની વચ્ચે મારો ધંધો પણ બરાબર ચાલતો નથી, બરકત નથી. આપ નહીં માનો પણ મંદી એટલી સખત છે કે માંદા પડનારા માણસો દવાખાને જવાનું પણ ટાળવા લાગ્યા છે.

‘જેના વિના ચાલે નહીં એ દવા લીધા વિના જો માણસો ચલાવે તો ટૅક્સીમાં બેસવાનું પણ ટાળે એ સમજાય એવું છે.’



‘એ જ કહું છું. અમે ઘરમાં છ જણ છીએ. મારાં માતા-પિતા, મારી પત્ની, હું અને મારાં બે બાળકો. કરકસરથી જીવીએ છીએ તોય મહિને ૧૦,૦૦૦નો ખર્ચ આવે જ છે. મારી-તોડીને ઘરખર્ચ પૂરતી કમાણી કરી લઉં છું, પણ...’


‘પણ શું?’

જવાબ આપવામાં ડ્રાઇવરની આંખમાં આંસુનાં બુંદ બાઝી ગયાં.


‘એવું છે કે મારું ઘર છે ત્યાં ગરીબ માણસોનાં ઝૂંપડાં છે. એ લોકોનાં બાળકો આખો દિવસ રસ્તા પર રખડતાં રહે. રાતે ઘરે પહોંચું કે તરત એ બાળકો મારી પાસે આવે, કંઈક ને કંઈક માગ્યા કરે. વર્ષોથી હું તે બાળકોની માગણી સંતોષતો, કારણ કે આવક હતી. એમાંથી ચૉકલેટ, બિસ્કિટ લઈ જતો; પણ હમણાં મારી આવક ઓછી થઈ એટલે ઘરે આવતાં બાળકોને કંઈ જ આપી શકતો નથી. આપ આશીર્વાદ આપી શકતા હો તો એવા આશીર્વાદ આપો કે મારા ઘરે કોઈ પણ માગવા આવે, હું તેને ના પાડું જ નહીં.’

ડ્રાઇવરે દિલથી કહ્યું.

‘મંદીનો મને કોઈ વાંધો નથી; પણ બીજાઓને આપી શકતો નથી, આવે તેમના ચહેરા પર રાજીપો લાવી શકતો નથી એની મને વ્યથા છે.’

આટલું બોલતાં તો ટૅક્સી-ડ્રાઇવરની આંખમાં ફરી આંસુ આવી ગયાં.

મંદીની વેદના ખરી, પણ જલસા માટે નહીં પરંતુ દાન થઈ શકતું નથી એ માટેની વેદના. ધન્ય છે એ ટૅક્સી-ડ્રાઇવરની ઉદાત્ત ભાવનાને!

પૂછો તમારા અંતઃકરણને, ધંધાની મંદી ખટકી રહી છે એની પાછળ વેદના શેની છે? દુઃખમાંથી સુખમાં જવાનો જે ધખારો છે એની પાછળ કારણ શું છે? લગભગ એક જ કારણ છે : સગવડો ભોગવવી છે, જલસા કરવા છે, મજા માણવી છે.

ક્યાંય વેદના નથી ધર્મ ઘટી ગયાની. ક્યાંય વેદના નથી ઉદારતા ઘટી ગયાની. ક્યાંય વેદના નથી અસમાધિ વધી ગયાની. ક્યાંય ખચકાટ નથી આરાધના નથી થઈ શકતી એનો. ક્યાંય ઉદ્વેગ નથી. મન ચોવીસ કલાક સંક્લેશોમાં જ રમ્યા કરે છે તેનો. જીવ જ્યારે બીજા માટે પીડાય ત્યારે માનવું કે જીવન સાર્થક થઈ ગયું.

Whatsapp-channel Whatsapp-channel

04 June, 2026 01:03 PM IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK