પાડોશી એટલે જીવન પર અસર પાડનારું એક મહત્ત્વનું પરિબળ છે. ખાસ કરીને ઊછરતાં બાળકો પર આસપાસની ગહેરી અસર પડે છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
માણસ એક સામાજિક પ્રાણી છે. વ્યવહારોમાં અને સંબંધોમાં તે ગૂંથાયેલો છે. સારા સંબંધી મેળવવાનો અને સારી રીતે સંબંધો જાળવવાનો ભાવ દરેકને હોય છે. સંબંધોની દુનિયાનો એક વણલખ્યો નિયમ છે કે એમાં તમને કોઈ ચૉઇસ આપવામાં આવતી નથી. ‘જન્મ આપે તે મા’ આ એક નિયમના આધારે મામા-મામી, માસા-માસી બધાં જ નક્કી થઈ ગયાં. પપ્પા નિશ્ચિત થતાં જ કાકા-કાકી, ફોઈ-ફુઆ પણ બાકાયદા નક્કી! દાદા-દાદી, નાના-નાની અને કઝિન્સની ફોજ પણ આ જ રીતે નક્કી થઈ જાય છે.
સંબંધોની દુનિયામાં ૩ વાતે માણસ સ્વતંત્ર છે : (૧) પાડોશી (૨) જીવનસાથી (૩) મિત્ર. આ ત્રણની પસંદગીમાં તે સ્વતંત્ર છે. છેલ્લા દોઢેક દાયકામાં નવાં ઘરોનું વેચાણ ખૂબ વધ્યું છે. અફૉર્ડેબલથી લઈને હાઈ-એન્ડ હોમ્સની બોલબાલા છે. મુંબઈ-અમદાવાદ-સુરત જેવાં શહેરોમાં રીડેવલપમેન્ટને કારણે અથવા નવા વિસ્તારો વિકસવાને કારણે કદાચ લાખો લોકો નવાં ઘરોમાં શિફ્ટ થયા છે. નવું ઘર લઈએ ત્યારે આપણે અજાણતાં જ નવા પાડોશીને પણ લઈએ જ છીએ.
ADVERTISEMENT
પાડોશી એટલે જીવન પર અસર પાડનારું એક મહત્ત્વનું પરિબળ છે. ખાસ કરીને ઊછરતાં બાળકો પર આસપાસની ગહેરી અસર પડે છે. સભ્ય ઘરનાં સંતાનો પણ ગાળો બોલતાં શીખી જાય છે એમાં તેમનો પાડોશ અગત્યનો ભાગ ભજવે છે. બાળકોની જેમ પ્રૌઢ વર્ગ પણ આ અસરમાંથી બાકાત નથી. જુગાર, બાટલી, સટ્ટો, વ્યસન જેવી ઘણી ખરાબી પાડોશમાંથી આયાત થતી હોય છે.
સારો પાડોશ અનેક રીતે ફાયદાકારક બને છે. બહારગામ ગયા હોઈએ ત્યારે, ઘરમાં કોઈ માંદું પડે ત્યારે, અડધી રાત્રે ચોર આવે ત્યારે સારા પાડોશીનો મહિમા સમજાય. જૂના સમયમાં ઘરે અચાનક મહેમાન આવી જાય ત્યારે ઊભા-ઊભા દૂધ લેવા જવાનું સ્થાન એટલે પાડોશ! વધુ બે દાયકા પાછળ જશો તો પોતાના સંપર્ક માટે જેમનો નંબર અપાતો અને ‘બાજુમાંથી બોલાવી આપોને’ એમ બેધડક જેમના માટે કહી શકાતું એ પાડોશ! ઘરે વધુ મહેમાનોનું રાત્રિરોકાણ હોય તો જેમના ઘરેથી ચાર ગાદલાં લાવી શકાય અથવા જેમને ત્યાં ચાર જણને ઊંઘવા મોકલી શકાય એ પાડોશ! પોતાના ઘરનું દૂધ, શાકભાજી વગેરે જેમના ફ્રિજમાં મૂકી શકાય એ પાડોશ. ઘરે બનતાં દહીંવડાં અને હાંડવા વચ્ચે જ્યાં વાડકી-વ્યવહાર ચાલતો એ પાડોશ.
બંગલા સિસ્ટમ કરતાં પણ વધુ અલાયદાપણાનો અહેસાસ કરાવતી આજની હાઈ-એન્ડ ફ્લૅટ સિસ્ટમમાં હવે પાડોશી જેવું ખાસ રહેતું નથી. ભગવાનને બે પ્રાર્થના ચોક્કસ કરી શકાય કે ‘હે ભગવાન! મને સારા પાડોશી આપજે અને મારા પાડોશીને પણ સારા પાડોશી આપજે.’
કરજો પ્રાર્થના, બહુ સુખી થશો.

