માનસિકતા જ્યારે બંધાયેલી રહે ત્યારે માણસ શારીરિક, માનસિક વિકાસ રુંધી નાખે છે. જો હિંસા આટલી સીમિત હોય તો અન્ય હિંસાઓને પણ સમજવી જરૂરી છે.
તસવીર સૌજન્ય : એ.આઈ
કેટલાક એવા હોય છે જેનાથી હિંસાની વાત વાંચી કે સાંભળી નથી શકાતી. તેમના આ સ્વભાવના કારણે તેમને એમ છે કે પોતે ઋજુ હૃદય ધરાવે છે પણ આ ઋજુતા નથી. આવી ઋજુતા હોય પણ નહીં. આ પ્રકારના લોકોને મન હિંસાની એક જ વ્યાખ્યા છે. શારીરિક અત્યાચાર પણ હિંસાને શારીરિક અત્યાચાર માનવા એનો અર્થ એટલો જ થાય કે તમે તમારી માનસિકતાને બાંધી રાખી છે અને માનસિકતા જ્યારે બંધાયેલી રહે ત્યારે માણસ શારીરિક, માનસિક વિકાસ રુંધી નાખે છે. જો હિંસા આટલી સીમિત હોય તો અન્ય હિંસાઓને પણ સમજવી જરૂરી છે.
કોઈનું દિલ દુભાવવું એ પણ હિંસા છે. કોઈનું અહિત વિચારવું એ પણ હિંસા છે અને કોઈની નિંદા કરવી એ પણ હિંસા છે. અરે શ્વાસ લેવો પણ હિંસા છે અને ઉચ્છવાસ છોડવો એ પણ હિંસા છે. માણસ સંસારમાં રહે છે અને સંસાર હંમેશાં નિયમો મુજબ ચાલે. જ્યાં નિયમભંગ થતો હોય ત્યાં દંડની વ્યવસ્થા પણ હોય જ. આવા દંડ હંમેશાં ન્યાયપૂર્વકના જ હોય છે એવું કહી શકાય નહીં. આવા દંડો પણ હિંસા જ છે અને એને આપણે સમાજમાં સ્વીકાર્ય રાખ્યો છે, જેનો અર્થ એ થયો કે આપણે અહિંસાની વાતો કરીએ છીએ પણ આપણે એ વાતો માત્ર અને માત્ર આંખોથી થતી હિંસાની સાથે જ જોડીએ છીએ. જૈનો જે અહિંસાની વાત કરીએ છીએ એ મન-વચન અને કાયાની હિંસાની એમાં વાત આવતી નથી.
ADVERTISEMENT
જો તમે ધારતા હો કે તમારે અહિંસાનું પાલન કરવું છે તો આ પ્રકારની સામાજિક હિંસાને પણ સમાજે સ્વસ્થપણે દૂર કરવી જોઈએ અને સમાજમાં જ્યાં પણ આ પ્રકારની હિંસા થાય છે એનો પણ વિરોધ કરવો જોઈએ. હું તો કહીશ કે આવી માનસિક યાતના અને માનસિક હિંસાનો વિરોધ પહેલાં થવો જોઈએ કારણ કે એ સ્વસ્થ સમાજની નિશાની છે અને આપણે હજી પણ સ્વસ્થ સમાજની રૂપરેખામાં આવ્યા નથી.
હિંસાનો વિરોધ માત્ર દૈહિક જ ન હોવો જોઈએ. જો કોઈ ત્રાહિતને માર મારવામાં આવે તો જ એનો વિરોધ થાય તો એ તો સ્થૂળ માનસિકતા થઈ અને સ્થૂળ માનસિકતા ક્યારેય સ્વસ્થ સમાજનું નિર્માણ ન કરે. પશ્ચિમના દેશોને જુઓ તમે, એ દેશોમાં સ્થૂળ માનસિકતા સાથે કોઈ વિચારને સ્વીકારવામાં નથી આવ્યો, ત્યાં જ્યારે પણ વિચારનો સ્વીકાર થયો છે ત્યારે એમાં સ્વસ્થતા સાથે અને ૩૬૦ ડિગ્રી સાથે એ વાતને સમજણમાં લેવામાં આવી છે. સમય આવી ગયો છે કે આપણે એ રીતે અને એ જ દૃષ્ટિકોણ સાથે વિચારને સ્વીકારીએ અને આગળ વધીએ.

