ચાણક્યની સૌથી મોટી ખાસિયત એ કે એ રાજાથી માંડીને રંક સૌને જીવન જીવવાનો સાર આપે છે
પ્રતીકાત્મક તસવીર
આજના સમયમાં જો કોઈની અત્યંત આવશ્યકતા હોય તો એ ચાણક્ય છે. ચાણક્યને તમે વાંચો અને તેમણે કહેલી વાત પર ચિંતન કરો તો તમને સહજ રીતે જ તેમનું મહત્ત્વ સમજાઈ જાય. ચાણક્યનું નીતિશાસ્ત્ર માત્ર રાજ કરવાનું, સત્તા પર રહીને સુરાજ્ય સ્થાપવાની નીતિ જ નથી સમજાવતું પણ ચાણક્યનું નીતિશાસ્ત્ર સંસાર ચલાવવા વિશે અને સંબંધો નિભાવવામાં કઈ-કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ એના વિશે પણ અઢળક વાતો કરે છે, સમજણ આપે છે. ચાણક્ય આજે પણ મહદ અંશે યર્થાથ છે અને એનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એ તેમની વાતમાં રહેલી વાસ્તવિકતા છે. સલાહ અને શિખામણ ત્યારે જ વાજબી લાગે જ્યારે એમાં વાસ્તવિકતા અકબંધ હોય. અન્યથા એ એક સુવાક્ય બનીને રહી જાય અને તાળીઓ જ સાંભળે પણ જો જીવનમાં એ વાતનો અમલ કરવો હોય તો એમાં વાસ્તવિકતા જોઈએ. પ્રૅક્ટિકલ ન હોય એવી વાત ભલે ગમે એટલી સારી હોય પણ એ અમલમાં મુકાય નહીં અને અમલમાં મુકાય નહીં એટલે એનું અસ્તિત્વ રહે નહીં.
ચાણક્યની સૌથી મોટી ખાસિયત એ કે એ રાજાથી માંડીને રંક સૌને જીવન જીવવાનો સાર આપે છે. આજના સમયમાં એ નેતાથી માંડીને નોકરિયાત સૌને જીવનસાર સમજાવે છે. ચાણક્ય બહુ સહજ રીતે પ્રાપ્ત છે અને એમ છતાં પણ એનું વાંચન કેમ નથી થતું એ વિચારનો વિષય છે. મારું માનવું છે કે ચાણક્યને જો નાની ઉંમરના અભ્યાસક્રમ મૂકવામાં આવે તો એની લોકચાહના, જે આજે ચોક્કસ વર્ગ સુધી સીમિત છે એમાંથી બહાર નીકળીને દરેક વ્યક્તિ સુધી પહોંચે.
ADVERTISEMENT
સ્કૂલોમાં આપણે નીરસ ઇતિહાસ ભણાવીએ છીએ. હમણાં થોડાં વર્ષોનાં ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોનું ખાસ વાંચન નથી થઈ શક્યું પણ અત્યાર સુધીનો સરવાળે અનુભવ તો એ જ રહ્યો છે કે આપણે ઇતિહાસમાં તારીખો ગોખાવવા સિવાય બીજું કંઈ કરતા જ નથી. પણ તમે વિશ્વના બીજા દેશોનાં ઇતિહાસનાં પુસ્તકો વાંચો તો તમને સમજાય કે એ લોકો ઇતિહાસ થકી ઘડતર કરે છે. ઇતિહાસ ગોખણપટ્ટીનો વિષય નથી, ઇતિહાસ સંસ્કૃતિનું સર્જન કરવાનો વિષય છે અને એટલે જ મને થાય કે આપણે ચાણક્ય જેવા વાસ્તવિક વિચારોના ઘડવૈયાને સ્કૂલથી જ જો બાળકોને પરિચય કરાવીએ તો ઘણો ફરક પડે. પણ જ્યાં સુધી એ ન થાય ત્યાં સુધી માબાપે પોતાના માટે અને પોતાની ભાવિ પેઢી માટે ચાણક્યને ઘરમાં લાવવા પડે. જે ઘરમાં ચાણક્ય આવ્યા છે એ ઘરમાં ક્યારેય કોઈ બાબતમાં અસંતોષ નથી આવ્યો પછી એ વાત સંબંધોની હોય કે સંપતિની.

