Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > નારીને આજે પણ સમાન અધિકાર માટે લડવું પડે છે એ પીડાદાયક છે

નારીને આજે પણ સમાન અધિકાર માટે લડવું પડે છે એ પીડાદાયક છે

Published : 30 March, 2026 12:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય સંસ્કૃતિના ઊંડા અભ્યાસ દ્વારા એ સ્પષ્ટ થાય છે કે સ્ત્રી અહીં ઋષિકા પણ હતી તો પુરોહિત પણ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


વિશ્વના સૌથી પ્રાચીન સાહિત્ય ‘વેદ’માં નારીને એવું ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત થયું છે જે અન્યત્ર દુર્લભ છે. એવી જ રીતે રામાયણમાં ‘જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી’ જેવા શબ્દો દ્વારા જનની અને જન્મભૂમિને સ્વર્ગ કરતાંય વધુ મહાન કહેવામાં આવ્યાં છે. આવી અનેક વિશેષતાઓથી સંપન્ન તેમ જ મહિમાયોગ્ય નારીને આજે એકવીસમી સદીમાં પોતાના ગૌરવ અને સમાન અધિકાર માટે લડત લડવી પડે છે એ કેટલી વિચિત્ર અને પીડાદાયક વાત છે? માનવશરીરમાં બે આંખો છે જેમનું સમાન મહત્ત્વ છે અને એટલે જ નર-નારી બન્ને સમાન આદરના હકદાર છે. આજની તારીખે એવું એકેય ક્ષેત્ર નથી જ્યાં મહિલાઓએ નામના મેળવી ન હોય. લશ્કર, ઍરફોર્સ, પોલીસ, IT, એન્જિનિયરિંગ, તબીબી સેવા તેમ જ શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં આજે આધુનિક ભારતીય મહિલાઓ ઘણું નામ કમાઈ છે એ હકીકતનો સ્વીકાર સમાજે કર્યે જ છૂટકો છે. એટલે એ કહેવું અતિશયોક્તિ નહીં હોય કે વિકાસ અને પ્રગતિના આજના યુગમાં ક્યાંક-ક્યાંક તો સ્ત્રીઓ પુરુષો કરતાંય બે ડગલાં આગળ વધી ગઈ છે.

ભારતીય સંસ્કૃતિના ઊંડા અભ્યાસ દ્વારા એ સ્પષ્ટ થાય છે કે સ્ત્રી અહીં ઋષિકા પણ હતી તો પુરોહિત પણ. કુટુંબમાં તે ગૃહિણીના રૂપમાં બધાની પાલનહાર છે, પુરુષની અભિન્ન સહચરીના રૂપમાં અર્ધાંગના, ગૃહની શ્રી સમૃદ્ધિના રૂપમાં ગૃહલક્ષ્મી ઇત્યાદિ જેવા અલંકારોથી સુશોભિત હતી. સદીઓથી જે સમાજ ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ। યત્રૈતાસ્તુ ન પૂજ્યન્તે સર્વાસ્તત્રાફલાઃ ક્રિયાઃ।।’નો ઢંઢેરો પીટી રહ્યો છે ત્યાં આજે નારીને પોતાના અધિકાર માટે આરક્ષણની કાખઘોડીનો આશરો લેવો પડે એ વાત હજમ થાય એમ નથી, કારણ કે વાસ્તવમાં સમાન અધિકાર તો નારીનો હક છે જેને કોઈ પણ છીનવી ન શકે. અતઃ અધિકારોની આ લડતમાં પોતાના સ્વમાનનું બલિદાન આપવું યોગ્ય નથી. વર્તમાન સમયની આ ડિમાન્ડ છે કે એકવીસમી સદીમાં પોતાની પ્રગતિની સાથે જાગ્રત સ્ત્રીઓએ તેમની લાખો પછાત બહેનોને પણ સાથે લઈને આગળ વધવું જોઈએ અને તેમનાં દુઃખદર્દને વહેંચીને તેમને પણ પ્રગતિના માર્ગે ચાલતાં શીખવવું જોઈએ. જો પ્રગતિની દિશામાં અગ્રસર જાગ્રત નારી આટલું કરી શકી તો તે ટૂંક સમયમાં જ પોતાના પૂજનીય દેવી સ્વરૂપના લક્ષ્યને પ્રાપ્ત કરી લેશે.


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2026 12:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK