શ્રી ગંગાનગરમાં ડ્રગ્સ, ગેરકાયદે હથિયારો અને સંગઠિત ગુનાઓ સામેની ખાસ ઝુંબેશના ભાગરૂપે પોલીસટીમ નાકાબંધી કરીને ચેક કરી રહી હતી
રોહિત શેટ્ટી
રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં શુક્રવારે સાંજે પીછો કરતી વખતે પોલીસ પર ગોળીબાર કરીને ભાગવાનો પ્રયાસ કરનાર પચીસ વર્ષના લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના સભ્ય આકાશ નિગમને પોલીસે એન્કાઉન્ટર દરમ્યાન પગમાં ગોળી મારતાં તે ઘાયલ થયો હતો. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ હરિ શંકરે આકાશ નિગમ ઉત્તર પ્રદેશના આગરાનો રહેવાસી હોવાનું જણાવતાં કહ્યું હતું કે ‘૩૧ જાન્યુઆરીથી પહેલી ફેબ્રુઆરીની રાતે મુંબઈના જુહુ વિસ્તારમાં ફિલ્મનિર્માતા રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબારની ઘટનામાં સામેલ જૂથ સાથે આકાશ નિગમનો સીધો સંબંધ હતો અને તેણે ત્યાં ગોળીબાર કરવાનો કૉન્ટ્રૅક્ટ લીધો હતો. તે બિશ્નોઈ ગૅન્ગ સાથે જોડાયેલો છે અને તેણે ટાર્ગેટ-ફાયરિંગ કરવા માટે જયપુર, શ્રીગંગાનગર અને હનુમાનગઢ જિલ્લામાં રેકી-કામગીરી હાથ ધરી હતી.’
શ્રી ગંગાનગરમાં ડ્રગ્સ, ગેરકાયદે હથિયારો અને સંગઠિત ગુનાઓ સામેની ખાસ ઝુંબેશના ભાગરૂપે પોલીસટીમ નાકાબંધી કરીને ચેક કરી રહી હતી ત્યારે આ એન્કાઉન્ટર થયું હતું. નાકાબંધી દરમ્યાન કાળું ટી-શર્ટ પહેરેલો એક માણસ રજિસ્ટ્રેશન નંબર વગરની કાળી મોટરસાઇકલ પર આવ્યો હતો. પોલીસે તેને બાઇક રોકવાનું સિગ્નલ આપ્યું ત્યારે તે અચાનક યુ-ટર્ન લઈને પંજાબ તરફ તેની બાઇક ભગાવી ગયો હતો. એનાથી શંકા જતાં પોલીસટીમે તેનો પીછો કર્યો હતો. ગામડાના રસ્તા પાસે, શંકાસ્પદ મોટરસાઇકલ છોડીને ચાલીને ભાગવાનો પ્રયાસ કરતા આરોપી આકાશ નિગમે પોલીસટીમ પર રિવૉલ્વરથી ૩ રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાનો આરોપ છે. પોલીસે વળતો જવાબ આપતાં તેને પગમાં ગોળી વાગી હતી અને તે સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો. પોલીસે દાવો કર્યો કે તેની પાસેથી એક રિવૉલ્વર, ૩ જીવંત કારતૂસ, ખાલી શેલ અને નંબર વગરની સ્પ્લેન્ડર મોટરસાઇકલ જપ્ત કરવામાં આવ્યાં છે. આકાશ નિગમને ગોળી વાગવાથી તેને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
