મળો એવા લોકોને જેમને કવિતા લખવાનું ગમે છે એટલું જ નહીં, તેમના દ્વારા લખવામાં આવેલી કવિતાને સન્માન પણ પ્રાપ્ત થયું છે
પ્રતીકાત્મક તસવીર
હૃદયમાં ઊઠતાં તરંગો, લાગણીઓ અને માનવીય સંવેદનાઓને શબ્દો વડે લયબદ્ધ રીતે વ્યક્ત કરવાની રીત એટલે કવિતા. જોકે કેટલાંક સર્વેક્ષણો મુજબ સાહિત્ય અને કલાનાં અન્ય સ્વરૂપોની તુલનામાં ખાસ કરીને યુવા વયસ્કોમાં કવિતાના લેખન અને વાંચનમાં ઘટાડો થયો છે. ૨૦૨૨માં થયેલા એક સર્વેક્ષણ મુજબ માત્ર ૯ ટકા જેટલા જ લોકો કવિતામાં રસ ધરાવે છે જે ખરેખર ચિંતાનો વિષય છે, પરંતુ અંધારામાં દીપક સમાન આજે પણ એવા કવિહૃદય અને કલમ ધરાવનાર યુવાનો છે જેમને કવિતા લખવાનું ગમે છે એટલું જ નહીં, તેમના દ્વારા લખવામાં આવેલી કવિતાને સન્માન પણ પ્રાપ્ત થયું છે. આજે વર્લ્ડ પોએટ્રી ડે છે ત્યારે ચાલો મળીએ મુંબઈના યુવાન કવિઓને
વિમેન એમ્પાવરમેન્ટ પર કવિતા લખવાનું ગમે
ADVERTISEMENT
બોરીવલીમાં રહેતાં ૩૬ વર્ષનાં સેજલ ડગલી કહે છે, ‘હું જ્યારે આઠમા ધોરણમાં ભણતી હતી ત્યારથી હું કવિતા લખું છું. થયું એવું કે આ સમયગાળા દરમિયાન અમે મુલુંડથી વાશી રહેવા ગયાં હતાં એટલે મારી સ્કૂલથી લઈને ફ્રેન્ડ્સ બધું બદલાઈ ગયું હતું તેમ જ અમે જૉઇન્ટ ફૅમિલીમાંથી ન્યુક્લિયર ફૅમિલીમાં આવ્યાં હતાં એટલે એ સમયે મનમાં ઘણો ઉચાટ વધી ગયો હતો. એકલું ફીલ થતું હતું. આ બધું મેં કાગળ પર ઉતારવાનું શરૂ કર્યું અને ક્યારે મેં કવિતા લખવા માંડી એ ખબર પણ ન પડી. પછી તો કવિતા પ્રત્યેનો મારો પ્રેમ એટલો વધી ગયો કે પછી તો ડાયરી પણ લખવાની શરૂ કરી દીધી હતી. મારી કવિતા મોટા ભાગે વિમેન એમ્પાવરમેન્ટ પર જ હોય છે. સ્કૂલના સમયમાં મારી કવિતા સ્કૂલના મૅગેઝિનમાં પણ છપાઈ હતી. આજે હું કોચિંગ આપવામાં બિઝી છું છતાં કવિતા લખવા બેસું એટલે એકદમ રિલૅક્સ્ડ ફીલ થાય.’
પોતાના વિચારોને એક્સપ્રેસ કરવાનું માધ્યમ
કાંદિવલીમાં રહેતી ૨૩ વર્ષની ધ્રુવી ખંધેડિયા કહે છે, ‘હું આર્ટ બૅકગ્રાઉન્ડથી છું. મેં ઇંગ્લિશ લિટરેચરનો સબ્જેક્ટ લીધો હતો. આ સબ્જેક્ટ લેવા પાછળનું કારણ એ હતું કે મને મારી ક્રીએટિવિટી કરવા મળે. અને આમ પણ મારો સ્વભાવ એવો છે કે મને બોલવામાં, લખવામાં તેમ જ મારો મુદ્દો મૂકવામાં મને ફ્રીડમ જોઈએ. આ બધી વસ્તુઓ મને કવિતા લખવા તરફ લઈ ગઈ અને સાચું કહું તો કવિતા વિચારોને એક્સપ્રેસ કરવાનું સૌથી યોગ્ય માધ્યમ છે. કોવિડ ટાઇમથી મેં કવિતા લખવાનું શરૂ કર્યું હતું. ત્યારે હું કૉલેજના ફર્સ્ટ યરમાં હતી. મને કોઈ પણ સબ્જેક્ટ આપો, હું એના ઉપર કવિતા લખી શકું છું. હમણાં થોડા સમય પહેલાંની જ વાત કરું તો કૉલેજનું એક મૅગેઝિન નીકળવાનું હતું જેનો સબ્જેક્ટ હતો જેન્ડર રોલ, જેમાં જેન્ડર ઇક્વલિટી પર લખવાનું હતું એમાં મેં મહિલાઓ અને પુરુષો વચ્ચે કામ કરવાની સમાનતા બાબતે લખ્યું હતું. જોકે મેં અત્યાર સુધીમાં એટલી બધી કવિતાઓ તો નથી લખી, પરંતુ જેટલી લખી છે એ ખૂબ વખણાય છે. અત્યારે હું આગળના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત છું એટલે ગતિ થોડી ધીમી પડી ગઈ છે પણ કવિતા સાથે ક્યારે છેડો ફાડીશ નહીં.’
કવિતાની બુક પણ છપાઈ છે
કવિતા સ્ટ્રેસ-બસ્ટરનું કામ કરે છે એમ જણાવતાં ૧૬ વર્ષની ધ્રિવી તન્ના કહે છે, ‘હાલમાં જ મેં દસમા ધોરણની એક્ઝામ આપી છે. જોકે બોર્ડ એક્ઝામ હોવાથી હું કવિતા પાછળ એટલો સમય આપી શકી નહોતી પરંતુ આ એક્ઝામના સ્ટ્રેસમાં મને મારી કવિતાએ ઘણી મદદ કરી હતી. મને બરાબર યાદ છે, ત્યારે હું છઠ્ઠા ધોરણમાં હતી. એક દિવસ હું મ્યુઝિક સાંભળી રહી હતી. એ સમયે મારા મગજમાં એક-બે સુંદર મજાની પંક્તિઓ ઝબકી આવી. તરત મેં એ કાગળ પર ટપકાવી દીધી અને પછી આખી કવિતા બની ગઈ. પછી તો ધીરે-ધીરે કવિતા લખવામાં એટલોબધો રસ વધી ગયો કે મેં આજ સુધીમાં ૩૫ કરતાં પણ વધુ કવિતા લખી નાખી છે જેની એક બુક પણ પબ્લિશ થઈ ચૂકી છે. મારી સ્કૂલમાં હું પ્રથમ જ હતી જેની સ્કૂલ-ટાઇમમાં બુક પબ્લિશ થઈ હતી. મારી એ બુકનાં ઘણાં વખાણ પણ થયાં હતાં અને અનેક લોકોએ એ લીધી પણ હતી જેને લીધે મને વધુ કવિતા લખવાનું પ્રોત્સાહન મળ્યું છે.’
મારાં વિચારો અને લાગણીનો આયનો એટલે કવિતા
સાચો કવિ અને વાર્તાકાર તે જ કહેવાય જે શબ્દોના માધ્યમ થકી વાચકને જે કહેવાનું હોય અને જે સમજાવવાનું હોય એ સમજાવી શકે. ઘાટકોપરમાં રહેતાં અને જૉબ કરતાં ૩૨ વર્ષનાં હિના ખાંડવાલા કહે છે, ‘મારી કોઈ કવિતા વાંચે તો તેને ખબર પડી જાય કે હું એ સમયે કેવી લાગણી અનુભવી રહી હતી. ક્યારેક હું ખૂબ જ ડિસ્ટર્બ હોઉં, ક્યારેક ખૂબ જ ખુશ હોઉં તો ક્યારેક એકદમ રેસ્ટલેસ હોઉં તો એ સમયે મારી આ ફીલિંગને કાગળ પર કવિતા રૂપે ઉતારી દઉં છું અને મને ઘણું સારું લાગે છે. લગભગ ૧૦ વર્ષથી હું કવિતા લખતી આવી છું. આ અરસામાં મેં બે ડઝન કરતાં પણ વધુ કવિતાઓ લખી છે. મેં હજી સુધી કોઈ બુકમાં કે મૅગેઝિનમાં કવિતાઓ આપી નથી, પણ સોશ્યલ મીડિયાના પ્લૅટફૉર્મ પર મારી કવિતાઓ પોસ્ટ કરતી રહું છું જેમાં પણ ઘણી કમેન્ટ આવે છે જેને લીધે મને ખૂબ જ પ્રોત્સાહન પણ મળે છે. મારી કવિતા મારા બૉસને એટલી બધી ગમી ગઈ હતી કે તેમણે ઑફિસ માટે એક કવિતા લખવા કહ્યું અને એ પણ રમૂજી રીતે જેમાં જેને- જેને પ્રમોશન આપવાનું હતું તેના નામની સાથે તેને મળેલા પ્રમોશન મળવા પાછળનાં કારણને કવિતાની અંદર સાંકળી લેવાનું હતું. જોકે એ સુપર્બ લખાઈ હતી અને એના માટે મારી ખૂબ જ પ્રશંસા પણ થઈ હતી. મને ઘણા બુક લખવા માટે પણ કહે છે, પણ એ માટે હજી હિંમત આવી નથી.’

