હવે ગોવામાં મહિને એક લાખ રૂપિયાના ખર્ચમાં આરામથી જીવે છે
એલિયટ રોસેનબર્ગ અને તેની પત્ની
ભારતીયો વધુ સારી લાઇફસ્ટાઇલના મોહમાં દેશ છોડીને અમેરિકા ભણી દોટ લગાવી રહ્યા છે ત્યારે અમેરિકામાં રહેતા લોકો સુખ, શાંતિ અને સુકૂન માટે ભારત તરફ નજર કરતા હોય એવા કિસ્સાઓ પણ હવે બની રહ્યા છે.
અમેરિકાની મોંઘવારી અને ખર્ચાળ લાઇફસ્ટાઇલથી કંટાળીને એલિયટ રોસેનબર્ગ નામના એક અમેરિકને અમેરિકાને બાય-બાય કરી દીધું હતું અને દુનિયાના અનેક દેશોની મુલાકાત લીધા બાદ ભારતમાં વસવાટ કરવાનો નિર્ણય લીધો હતો. હવે નવ વર્ષ બાદ તેને પોતાનો નિર્ણય સાચો લાગી રહ્યો છે. તે આરામથી ભારતમાં જીવી રહ્યો છે અને ઓછા ખર્ચમાં સુખ ભોગવી રહ્યો છે. તેણે ભારતીય છોકરી સાથે લગ્ન કરી લીધાં છે અને બે બિઝનેસ શરૂ કર્યા છે. તે ગોવામાં રહે છે અને હિન્દી ભાષા પણ શીખી લીધી છે. જોકે તેણે અમેરિકન પાસપોર્ટ સરેન્ડર કર્યો નથી અને એ કરવા માગતો પણ નથી, દર વર્ષે એક વાર તે અમેરિકા જઈ આવે છે.
ADVERTISEMENT
એલિયટ રોસેનબર્ગનું કહેવું છે કે ‘અમેરિકા રોજેરોજ મોંઘું થતું જાય છે અને એમાંય લાઇફસ્ટાઇલ પાછળ ખર્ચ વધી જાય છે. અમેરિકામાં તમારે મિત્રો અને સમાજના હિસાબે મોંઘી રેસ્ટોરાંમાં જમવા જવું, શૉપિંગ કરવું, કૉન્સર્ટમાં જવું જેવા ખર્ચ કરવા પડે છે; જો આ ખર્ચ ન કરો તો તમે એકલા પડી જાઓ છો. બાર વર્ષ પહેલાં મેં નાણાકીય મુદ્દે નિર્ણય લીધો હતો. એણે મારી નાણાકીય સ્થિતિ અને જીવન બન્ને બદલી નાખ્યાં છે.’
રોસેનબર્ગે વર્જિનિયા યુનિવર્સિટીમાંથી કૉમર્સ અને લૅટિન અમેરિકન સ્ટડીઝમાં ડિગ્રી મેળવી છે અને પોતાની કરીઅરમાં ઘણી કંપનીઓ શરૂ કરી છે જેમાંની બે ભારતમાં છે. તેણે ૧૫ મહિનામાં એશિયાના ૧૭ દેશનો નૉનસ્ટૉપ પ્રવાસ કર્યો. સાઉથઈસ્ટ એશિયાના દેશો તેને સસ્તા લાગ્યા, પણ છેવટે તેણે ભારત પર પસંદગી ઉતારી. તે કહે છે, અહીં મને મારી પત્ની મળી, તેના પરિવાર સાથે ગાઢ સંબંધ બનાવ્યો અને હિન્દી ભાષા શીખી લીધી, બે બિઝનેસ શરૂ કર્યા, જે અમેરિકન ક્લાયન્ટ્સને સર્વિસ આપે છે અને ડૉલરમાં નાણાં મળે છે. હવે હું ગોવામાં માત્ર એક લાખ રૂપિયાથી ઓછા ખર્ચમાં શાનદાર જીવન જીવી રહ્યો છું જે અમેરિકામાં અશક્ય હતું. ગયા વર્ષે હું બીચટાઉનમાં રહેવા આવ્યો. અહીં જીવન ૮૦ ટકા સસ્તું છે.’

