લોકો રેટ્રો ફૅશન તરફ વળી રહ્યા છે ત્યારે આજકાલ બબલ સ્કર્ટ ફરી ટ્રેન્ડમાં આવી રહ્યાં છે. ચાલો એને મૉડર્ન જમાના અનુસાર સ્ટાઇલ કઈ રીતે કરવાં એ જાણીએ.
બબલ સ્કર્ટની ફૅશનમાં રી-એન્ટ્રી
અત્યારે દુનિયાભરમાં ૯૦ના દાયકાના અંતની અને ૨૦૦૦ની શરૂઆતની ફૅશન પાછી આવી રહી છે. બબલ સ્કર્ટ ડ્રામેટિક અને પ્લેફુલ લુક આપે છે. લોકોને હવે કંઈક એવું પહેરવું છે જે થોડું અલગ દેખાય અને જેમાં વૉલ્યુમ હોય. સોશ્યલ મીડિયા પર અત્યારે ફેમિનિન, સૉફ્ટ અને ગર્લી લુક ખૂબ લોકપ્રિય છે. બબલ સ્કર્ટ એ ગર્લી અને ફ્લફી લુકમાં એકદમ ફિટ બેસે છે એટલે યંગ ગર્લ્સમાં એ ઝડપથી ફેમસ થઈ રહ્યાં છે. ડિઝાઇનર્સે હવે બબલ સ્કર્ટને પહેલાં કરતાં વધુ મૅચ્યોર બનાવ્યાં છે. પહેલાં એ માત્ર ફ્રૉક જેવાં લાગતાં, પણ હવે એ સ્માર્ટ કટ સાથે આવે છે જે એને મૉડર્ન સ્ત્રીઓ માટે પહેરવા લાયક બનાવે છે. આ સ્કર્ટ પહેરવામાં ખૂબ જ આરામદાયક હોય છે કારણ કે એ પગ પાસે ટાઇટ નથી હોતાં.
બબલ સ્કર્ટ એની ખાસ બનાવટને કારણે અન્ય સ્કર્ટ કરતાં સાવ અલગ દેખાય છે. આ સ્કર્ટ નીચેની કિનારી અંદરની તરફ વળેલી અને સીવેલી હોય છે. એને કારણે એ નીચેથી ફૂલેલું અથવા બબલ જેવું દેખાય છે. આમાં કાપડનો ઘેરાવો વધારે હોય છે એટલે એ થોડું ફ્લફી અને ભરાવદાર લાગે છે. સામાન્ય રીતે આ સ્કર્ટ સિલ્ક, ટાફેટા કે સૅટિન જેવા કાપડમાંથી બને છે જેથી એનો ફૂલેલો આકાર જળવાઈ રહે, પણ અત્યારે કૉટનમાં પણ એ ખૂબ જોવા મળે છે. એ મોટા ભાગે મિની (ટૂંકા) અથવા મિડી (ઘૂંટણ સુધી) હોય છે. તમે જ્યારે એને પહેરો ત્યારે એ કમર પાસે ફિટ હોય છે અને નીચે જતાં-જતાં પફ જેવો આકાર લે છે. એ દેખાવમાં થોડું રેટ્રો છતાં ખૂબ જ સ્ટાઇલિશ અને અટ્રૅક્ટિવ લાગે છે.
કેવી રીતે સ્ટાઇલ કરશો?
બબલ સ્કર્ટ અત્યારે પાછાં આવ્યાં છે, પણ એની સ્ટાઇલ કરવાની રીત બદલાઈ ગઈ છે.
બૅલૅન્સ છે જરૂરી : બબલ સ્કર્ટમાં ઘેરાવો વધુ હોય છે એટલે એને બૅલૅન્સ કરવા માટે ઉપરના ભાગમાં હંમેશાં બૉડી-ફિટિંગ ટૉપ્સ પહેરો. ફિટેડ ટર્ટલનેક અથવા બૉડીસૂટ એકદમ સ્લિક અને મૉડર્ન લુક આપે છે. જો સ્કર્ટ હાઈ-વેસ્ટ હોય (જે અત્યારે ટ્રેન્ડમાં છે) તો એની સાથે સિમ્પલ ક્રોપ ટૅન્ક ટૉપ પહેરો.
લેયરિંગ : જો તમારે સૉફ્ટ લુકને બદલે થોડો સ્માર્ટ કે પ્રોફેશનલ ટ્વિસ્ટ આપવો હોય તો આ લુક ટ્રાય કરી શકો. ટૂંકા બબલ સ્કર્ટ સાથે થોડું લાંબું બ્લેઝર પહેરો. એમાં સ્કર્ટ નીચેથી થોડું દેખાશે જે અત્યારે હાઈ-ફૅશનમાં ખૂબ ચાલે છે. ક્યુટ બબલ સ્કર્ટને રફ ઍન્ડ ટફ લુક આપવા માટે લેધર જૅકેટ સાથે પેર કરી શકો.
ફુટવેઅરની પસંદગી : જો તમારે પાર્ટીમાં જવું હોય તો પૉઇન્ટેડ હીલ્સ એને વધુ એલિગન્ટ બનાવશે. કૅઝ્યુઅલ ડે-આઉટ માટે વાઇટ ચન્કી સ્નીકર્સ બેસ્ટ છે. એ લુકને કુલ અને આરામદાયક બનાવે છે. મૉડર્ન સ્ટ્રીટ સ્ટાઇલ માટે લૉન્ગ બૂટ અને બબલ સ્કર્ટનું કૉમ્બિનેશન ગૉર્જિયસ લાગે છે.
મોનોક્રોમ લુક : આખા આઉટફિટને એક જ કલરમાં રાખો. જેમ કે ઑલ બ્લૅક અથવા ઑલ વાઇટ. આ ટ્રિકથી બબલ સ્કર્ટ ચાઇલ્ડિશ લાગવાને બદલે ખૂબ જ સૉફિસ્ટિકેટેડ અને મૉડર્ન લાગે છે.
મટીરિયલ પર ધ્યાન આપો : જો તમારે રેગ્યુલર પહેરવું હોય તો ડેનિમ મટીરિયલમાં બબલ સ્કર્ટ શોધો. એ એકદમ નવો અને લેટેસ્ટ ટ્રેન્ડ છે.
