ફેસ બ્રશ આધુનિક સમયનું એક ઉપયોગી સાધન છે જે બ્યુટી-પાર્લર જેવો મસાજ ઘેરબેઠા આપી શકે છે
ફેસ બ્રશ
સવારે અરીસામાં જોતી વખતે જો તમારો ચહેરો સામાન્ય કરતાં વધુ સોજા આવેલો કે ભારે લાગતો હોય તો તમે એકલા નથી. આ સમસ્યાને ફેશ્યલ પફીનેસ કહેવામાં આવે છે. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ફેસ બ્રશ વાઇરલ થઈ રહ્યું છે એને લિમ્ફેટિક ડ્રેનેજ ફેસ બ્રશ પણ કહેવાય છે. લોકોનો દાવો છે કે આ બ્રશ માત્ર થોડી જ મિનિટોમાં ચહેરાનો સોજો ઉતારીને કુદરતી નિખાર લાવે છે. જોકે શું આ ખરેખર વિજ્ઞાન છે કે માત્ર એક ટ્રેન્ડ?
શું છે આ બ્રશનું કામ?
આપણા ચહેરાના સ્નાયુઓની નીચે લસિકા ગ્રંથિઓ આવેલી હોય છે જે શરીરમાંથી નકામા પ્રવાહી અને ટૉક્સિન્સને દૂર કરવાનું કામ કરે છે. ઘણી વાર જીવનશૈલી કે ઊંઘની અનિયમિતતાને કારણે આ પ્રવાહી ચહેરા પર જમા થાય છે. લિમ્ફેટિક ડ્રેનેજ ફેસ બ્રશ ખાસ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હોય છે કે એ ત્વચા પર હળવું દબાણ પેદા કરીને આ પ્રવાહીના વહનને ગતિ આપે છે. એનાથી બ્લડ-સર્ક્યુલેશન વધે છે અને ત્વચાને અંદરથી પોષણ મળે છે.
ADVERTISEMENT
ઉપયોગ કેવી રીતે કરવો?
આ બ્રશ ત્યારે જ કારગત નીવડે છે જ્યારે એનો ઉપયોગ સાચી દિશામાં કરવામાં આવે. એને ખોટી રીતે ઘસવાથી ત્વચાને નુકસાન થઈ શકે છે. સૌથી પહેલાં ચહેરાને હળવા ફેસવૉશથી સાફ કરી લો. ક્યારેય કોરી ત્વચા પર બ્રશ ન ફેરવવું. ફેસ ઑઇલ સિરમ અથવા મૉઇશ્ચરાઇઝર લગાવો જેથી બ્રશ સરળતાથી સરકી શકે. પછી હંમેશાં ગળાના ભાગથી શરૂઆત કરીને જોલાઇન તરફ જાઓ. ત્યાર બાદ ગાલ પર અંદરથી બહારની તરફ બ્રશ ફેરવો. આંખોની નીચેના ભાગમાં ખૂબ જ હળવા હાથે બહારની તરફ બ્રશ લઈ જાઓ. એક જ જગ્યાએ બ્રશને વારંવાર જોરથી ન ઘસવું.
આ બ્રશ કેટલું કારગત છે?
આ બ્રશ પફીનેસ ઘટાડવામાં કારગત સાબિત થઈ શકે છે, ખાસ કરીને સવારના સમયે. એ ત્વચાને લિફ્ટેડ બનાવે છે અને ચીકબોન્સને શાર્પ બનાવે છે. ત્વચાની અંદર રહેલાં નકામાં તત્ત્વો દૂર થતાં ખીલની સમસ્યામાં ઓછી થઈ શકે છે અને ચહેરાના સ્નાયુઓને રિલૅક્સ કરવાની સાથે કરચલીઓ રોકવામાં મદદરૂપ થાય છે. જો સોજો સ્વાસ્થ્યની કોઈ ગંભીર સમસ્યા અથવા ઍલર્જીને કારણે હોય તો આ બ્રશ માત્ર કામચલાઉ રાહત આપશે.
સાવચેતી રાખો
બજારમાં મળતાં સૉફ્ટ બ્રિસ્ટલ્સ અથવા સિલિકૉન બ્રશ વધુ સુરક્ષિત છે. જો તમારી ત્વચા અત્યંત સંવેદનશીલ હોય અથવા ચહેરા પર એક્ને હોય તો આ બ્રશનો ઉપયોગ ટાળવો જોઈએ, કારણ કે એનાથી ઇન્ફેક્શન ફેલાઈ શકે છે. અઠવાડિયામાં ત્રણથી ૪ વખત પાંચથી ૭ મિનિટનો ઉપયોગ પૂરતો છે.
