ઊનના દોરાથી ગૂંથવામાં આવતાં સ્વેટર, મોજાં અને થાળી ઢાંકવાના રૂમાલ ફક્ત મોટી ઉંમરની સ્ત્રીઓ નવરાશની પળમાં કરતી હતી; પણ હવે એ જ કામને જેન-ઝીએ ફૅશનજગતનો સૌથી ગ્લૅમરસ ટ્રેન્ડ બનાવી દીધો છે.
દાદીમાનો ઊનના દોરાને ગૂંથવાનો શોખ બન્યો જેન-ઝીનો સૌથી હૉટ ટ્રેન્ડ
ઊનના દોરાથી ગૂંથવામાં આવતાં સ્વેટર, મોજાં અને થાળી ઢાંકવાના રૂમાલ ફક્ત મોટી ઉંમરની સ્ત્રીઓ નવરાશની પળમાં કરતી હતી; પણ હવે એ જ કામને જેન-ઝીએ ફૅશનજગતનો સૌથી ગ્લૅમરસ ટ્રેન્ડ બનાવી દીધો છે. અત્યારે એમાંથી સનફ્લાવર્સ, નાનાંક્રીએટિવ ફ્લાવર બુકે, વરમાળા અને હેર-ઍક્સેસરીઝ બનાવવાનું બહુ ટ્રેન્ડમાં છે
અત્યારે યંગસ્ટર્સ હૅન્ડમેડ અને સસ્ટેનેબલ ફૅશનની ડિમાન્ડ કરી રહ્યા છે ત્યારે જરૂર કરતાં વધુ સ્ક્રીન ટાઇમને મર્યાદિત કરવા માટે ઊનના ધાગાને ગૂંથવાનું પસંદ કરી રહ્યા છે. આ ઍક્ટિવિટીને તેઓ સ્ટ્રેસ-બસ્ટર ગણાવે છે ત્યારે એમાંથી ફ્લાવર બુકે, સનફ્લાવર્સ અને ગજરા પણ હવે ક્રોશે એટલે કે ઊનના દોરાથી ગૂંથણકામ કરેલાં મળી રહ્યાં છે. આ ટ્રેન્ડે તો લગ્નોની સદીઓ જૂની પરંપરામાં પણ પ્રવેશ કર્યો છે. હવે કપલ્સ તાજાં ફૂલોની વરમાળાને બદલે ઇકો-ફ્રેન્ડ્લી ક્રોશે વરમાળા પસંદ કરી રહ્યાં છે જે ફક્ત યાદગીરી જ નહીં પણ પર્યાવરણ પ્રત્યેની તેમની સભાનતા પણ દર્શાવે છે.
ADVERTISEMENT
ક્રોશેના કમબૅક પાછળનું કારણ
અત્યારના યંગસ્ટર્સ પર્યાવરણ પ્રત્યે વધુ સભાન છે. ફાસ્ટ ફૅશનને લીધે થતા પ્રદૂષણથી દૂર રહેવા હવે સ્લો ફૅશન તરફ વળી રહ્યા છે. હાથથી ગૂંથેલી ચીજો લાંબા સમય સુધી ટકે છે અને વ્યક્તિગત સંતોષ પણ આપે છે. દાદીમાના સમયની ચીજોનો નોસ્ટૅલ્જિક લુક યુવાનોને ગમે છે. ક્રોશેથી તૈયાર થયેલી બધી ચીજો યુનિક હોય છે, જે મોટા પાયે થતા પ્રોડક્શનવાળી ચીજોથી ખાસ અનુભવ કરાવે છે. સતત સ્ક્રીન પર રહેવાથી કંટાળેલા યુવાનો માનસિક શાંતિ મેળવવા ક્રોશે તરફ વળ્યા છે. આ ગૂંથવાનું કામ એકાગ્રતા વધારવાની સાથે રિલૅક્સ કરતી કળા માનસિક રીતે રાહત આપે છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર ક્રોશેનાં ટ્યુટોરિયલ્સ અને ફૅશન આઇડિયાઝ બહુ પસંદ કરવામાં આવી રહ્યા છે અને યુવા આર્ટિસ્ટ યુનિક ચીજોનું વેચાણ કરીને નાના પાયે બિઝનેસ પણ કરી રહ્યા છે.
પરંપરામાં આધુનિક સ્પર્શ
લગ્નમાં વર અને વધૂ એકબીજાને તાજાં ફૂલોથી બનેલી વરમાળાને પહેરાવે છે એ કલાકોમાં કરમાઈ જાય છે અને અંતે ફેંકવામાં જાય છે, પણ ઊનના ધાગાની બનેલી વરમાળા ક્યારેય કરમાતી નથી અને આનાથી લગ્ન પછી પણ સુંદર કાયમી યાદગીરી બની રહે છે. કપલ્સ પોતાના આઉટફિટના રંગો સાથે મૅચ થાય એવાં ગુલાબ, ટ્યુલિપ કે મોગરાનાં ફૂલો જે ગૂંથીને બનાવી શકાય એવી વરમાળા બનાવડાવે છે જે પર્સનલ અને ઇમોશનલ વૅલ્યુ ઍડ કરે છે.
સનફ્લાવરનો એવરગ્રીન ટ્રેન્ડ
ક્રોશે સનફ્લાવરનો ટ્રેન્ડ મુખ્યત્વે સોશ્યલ મીડિયાનાં વિવિધ પ્લૅટફૉર્મ્સ પરથી વિકસ્યો છે. ૨૦૨૦માં કોરોનાકાળ દરમિયાન યુવાનોએ સ્ક્રીન ટાઇમથી દૂર રહીને એન્ગેજિંગ ઍક્ટિવિટી તરીકે ઊનના ગૂંથણકામને અપનાવ્યું. એનાં ટ્યુટોરિયલ્સ સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં સનફ્લાવર જેવા સરળ મોટિફ્સ બનાવવાનું શરૂ થયું. શરૂઆતમાં એનો ઉપયોગ હેડબૅન્ડ અને કી-ચેઇન તરીકે થયો હતો; ધીરે-ધીરે ક્રૉપ ટૉપ્સ, હેર ઍક્સેસરીઝ, ડેકોરેટિવ ચીજોમાં ફેરવાયો. સનફ્લાવર અને સૂર્ય અને તેજસ્વિતાનું પ્રતીક છે. આ ક્રોશે ફૂલો જોવામાં આનંદદાયક અને પૉઝિટિવ વાઇબ આપનારાં છે. તાજાં ફૂલો થોડા દિવસોમાં કરમાઈ જાય છે, જ્યારે ક્રોશે સનફ્લાવર કાયમ ફ્રેશ વાઇબ આપે છે. એનો આકાર, રંગ અને કદને ક્રોશે કલાકારો ગ્રાહકની જરૂરિયાત મુજબ બનાવી આપે છે. હવે આ ફ્લાવર વ્યક્તિ પ્રત્યે કૅરિંગ ઇમોશનને વ્યક્ત કરવાની વ્યક્તિગત રીત બની ગઈ છે. સનફ્લાવર મોટિફ ખાસ કરીને ક્રોશે હૅટ્સ (ટોપીઓ), ક્રોશે ટૉપ્સ અને ઘરમાં ડેકોરેશન માટે બનાવવામાં આવતા ફૂલદાનીના સેટમાં સૌથી વધુ ટ્રેન્ડમાં છે.
આ યુનિક પ્રોડક્ટ્સનો પણ છે ટ્રેન્ડ
ફૅશન અને લાઇફસ્ટાઇલનો મુખ્ય ભાગ બની ચૂકેલા ક્રોશેનાં બ્રિઝી ક્રૉપ ટૉપ્સ, હૉલ્ટર નેક ટૉપ્સ, કૉર્ડ સેટ્સ, બોહો વાઇબ આપતી ક્રોશે બૅગ્સ, બકેટ હૅટ્સ ફૅશન સ્ટેટમેન્ટ બની ગયાં છે. આ ઉપરાંત નાનકડા ક્યુટ થ્રી-ડી પ્રાણી કે કાર્ટૂન જેવી દેખાતી ઢીંગલીઓ પણ બને છે. આને એમિગુરુમી નામની જૅપનીઝ કળા કહેવાય. ફૂલોવાળી ઇઅર-રિંગ્સ અને હલ્દીમાં પહેરાતી એસ્થેટિક વાઇબ આપતી ક્રોશે જ્વેલેરી પણ અત્યારે માર્કેટમાં જોવા મળે છે. હેર ઍક્સેસરીઝની વાત કરીએ તો ક્રોશે સ્ક્રન્ચિઝ, સનફ્લાવર, ડેઝી, લવેન્ડર જેવી ડિઝાઇનની ફ્લોરલ હેર ક્લિપ્સ, બટરફ્લાય ક્લિપ્સ, હેડ સ્કાર્ફ્સ, હેડ બૅન્ડ્સ, ગજરા, ખુલ્લા વાળમાં નાખી શકાય એવી પરાંદીને લોકો બહુ પસંદ કરી રહ્યા છે.


