બ્યુટી-પ્રોડક્ટ્સમાં ભલે ગુલાબના ફૂલનો વધુ ઉપયોગ થતો હોય, પણ જાસૂદના ફૂલના ફાયદા કંઈ ઓછા નથી. જાસૂદમાં રહેલા ગુણો વિશે બધાને ખબર હોતી નથી, પણ આ ફૂલ ચહેરા પરના ડાઘ અને કરચલીઓ હટાવીને ચહેરાને કોમળ અને ચમકદાર બનાવી શકે છે
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે ચહેરાની સુંદરતા વધારવા માટે સૌથી વધુ કોઈ ફૂલનો ઉપયોગ થતો હોય તો એ ગુલાબ છે. ગુલાબજળનો ઉપયોગ આપણે ચહેરા પર ટોનર તરીકે કે ફેસપૅકમાં નાખીને એને ચહેરા પર લગાવવા માટે કરીએ જ છીએ. જોકે ગુલાબની જેમ હિબિસ્કસ એટલે કે જાસૂદનાં ફૂલ પણ સુંદરતા વધારવાનું કામ કરે છે. ગણપતિબાપ્પાને ચડાવવામાં આવતાં જાસૂદનાં ફૂલ આરામથી ફૂલહારવાળાની દુકાનમાંથી મળી જાય છે અથવા તો એ ઘરે પણ કૂંડામાં સરળતાથી ઉગાડી શકાય છે. આજે જાસૂદના જાદુઈ ફાયદા વિશે જાણીએ.
જાસૂદમાં મૉઇશ્ચર-રિચ પ્રૉપર્ટીઝ એટલે કે ખાસ એવા ગુણો હોય છે જે ત્વચાને કોમળ અને મુલાયમ રાખવાનું કામ કરે છે. એમાં નૅચરલ ઍસિડ્સ હોય છે જે ત્વચાને એક્સફોલિએટ કરવાનું કામ કરે છે એટલે કે ડેડ સ્કિનને હટાવીને ત્વચાને ચમકદાર બનાવે છે. જાસૂદમાં રહેલું આલ્ફા હાઇડ્રોક્સી ઍસિડ (AHA) ચહેરા પરના ડાઘ ઓછા કરવાનું કામ કરે છે. પરિણામે ચહેરો વધુ સાફ દેખાય છે. જાસૂદમાં વિટામિન C સારા પ્રમાણમાં હોય છે જે કૉલેજનને વધારવાનું કામ કરે છે. કૉલેજન એક પ્રકારનું પ્રોટીન છે જે ત્વચાની લવચીકતાને જાળવી રાખવાનું કામ કરે છે. જાસૂદમાં
ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ હોય છે જે સૂર્યનાં હાનિકારક કિરણો, ધૂળ, પ્રદૂષણ વગેરેથી ત્વચાને નુકસાન થતાં બચાવીને ચહેરા પરની કરચલીઓ ઘટાડે છે.
ADVERTISEMENT
કેવી રીતે ઉપયોગ કરવો?
જાસૂદનાં ફૂલનો તમે ટોનર તરીકે ઉપયોગ કરી શકો છો. જાસૂદની પાંદડીઓને પાણીમાં અડધો કલાક સુધી ઊકળવા દો. પાણી ઠંડું થાય એટલે એને ગાળીને બૉટલમાં ભરી દો. દરરોજ સવારે અને સાંજે ચહેરો પાણીથી ધોઈને સૂકો કર્યા પછી જાસૂદનું આ ટોનર લગાવી શકો. જાસૂદનાં ફૂલને સૂકવીને પાઉડર બનાવીને એનો ફેસમાસ્કમાં પણ ઉપયોગ થઈ શકે છે. ફેસમાસ્ક પણ ઘણી રીતે બની શકે. જેમ કે તમે જાસૂદના પાઉડર સાથે દહીં અને મધ મિક્સ કરી પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી શકો. એવી જ રીતે જાસૂદના પાઉડરને દૂધ અને મધ સાથે કે પછી મુલતાની માટી અને ગુલાબજળ સાથે મિક્સ કરીને ફેસ પર માસ્કની જેમ લગાવી શકાય. પાઉડર બનાવ્યા વગર જાસૂદના ફ્રેશ ફૂલનો ઉપયોગ પણ ફેસમાસ્કમાં થઈ શકે. એમાં તમે કોઈ બીજી સામગ્રી ઍડ ન કરો તો પણ ચાલે. જાસૂદના ફૂલને મિક્સર-ગ્રાઇન્ડરમાં થોડું પાણી નાખીને પીસી લો. સ્મૂધ પેસ્ટ જેવું બની જાય એટલે એને ચહેરા પર લગાવી દો.

