રાજ-સ્મિતાના દીકરાએ જણાવ્યું કે મમ્મીના અવસાન પછી એક તબક્કે જાવેદ-શબાના મને અડૉપ્ટ કરવા તૈયાર હતાં
પ્રતીક બબ્બર
પ્રતીક બબ્બર તેની કરીઅરને બદલે તેની સાથે જોડાયેલા વિવાદોને કારણે ચર્ચામાં વધુ રહે છે. સ્મિતા પાટીલ અને રાજ બબ્બરના દીકરા પ્રતીકે હાલમાં એક ઇન્ટરવ્યુમાં તેના જીવન સાથે જોડાયેલી કેટલીક હકીકતોનો ખુલાસો કર્યો છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં પ્રતીકે જણાવ્યું છે કે તેને હાલમાં ખબર પડી છે કે મમ્મી સ્મિતાના અવસાન બાદ જાવેદ અખ્તર અને શબાના આઝમી તેને દત્તક લેવા માગતાં હતાં. સ્મિતા પાટીલ સાથે રિલેશનશિપ શરૂ થઈ ત્યારે રાજ બબ્બર પરણેલા હતા, પણ તેમણે સ્મિતા સાથે લગ્ન કરવા માટે પત્ની નાદિરાને છોડી દીધી હતી. જોકે ૧૯૮૬માં પ્રતીકના જન્મ બાદ સ્મિતા પાટીલનું તબીબી કૉમ્પ્લીકેશનને કારણે અવસાન થયું હતું. સ્મિતાના અવસાન પછી પ્રતીકનો ઉછેર સ્મિતાનાં માતા-પિતાએ કર્યો હતો.
પ્રતીકે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘મને તાજેતરમાં ખબર પડી કે શબાનાજી અને જાવેદસાહેબ મારી મમ્મીના અવસાન બાદ મને અડૉપ્ટ કરવા માગતાં હતાં. મારો કેસ થોડો કૉમ્પ્લીકેટેડ હતો. જો બધું બરાબર થયું હોત તો હું ફરહાન અખ્તરનો સાવકો ભાઈ બન્યો હોત. મને હંમેશાં મારા વિશે નવી-નવી વાતો જાણવા મળતી રહે છે. જો આવું થયું હોત તો ખબર નહીં હું કેવું જીવન જીવતો હોત. મને મારા બાળપણ વિશે ઘણી વાતો સાંભળવા મળે છે. બાળપણમાં મારા માટે કસ્ટડીની લડાઈ થઈ હતી. હું ખૂબ નાનો હતો ત્યારે ફક્ત રડતો રહેતો.’
ADVERTISEMENT
પ્રતીકે બૉલીવુડમાં તેને મળેલા સપોર્ટ વિશે કહ્યું હતું કે ‘હું નસીબદાર છું કે મને બાળપણમાં બૉલીવુડમાંથી ઘણા લોકોનો પ્રેમ મળ્યો હતો. જાવેદસાહેબ અને શબાનાજીએ હંમેશાં મારા પ્રત્યે લાગણી દર્શાવી છે. અમિતાભ બચ્ચન, નસીરસાહેબ, રત્ના પાઠક શાહ, સ્વ. શ્યામ બેનેગલ જેવા લોકોએ મને હંમેશાં મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો. મને હાલમાં ખબર પડી કે મારી મમ્મીએ મને ૧૯૮૭માં રિલીઝ થયેલી ‘મિર્ચ મસાલા’ના સેટ પર કન્સીવ કર્યો હતો. આ વાત ખબર પડ્યા પછી મેં આ ફિલ્મ બહુ ધ્યાનથી ફરી પાછી જોઈ હતી.’
શું કામ પપ્પાને નહોતા બોલાવ્યા લગ્નમાં? પ્રતીકે કરી સ્પષ્ટતા
પ્રતીકે ૨૦૨૫ની ૧૪ ફેબ્રુઆરીએ બીજાં લગ્ન કર્યાં ત્યારે તેણે તેના પપ્પા અને તેમના પરિવારને આમંત્રણ નહોતું આપ્યું. આ મુદ્દે વિવાદ થયો હતો. હવે એક ઇન્ટરવ્યુમાં પ્રતીકે આ મામલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ‘મારા પપ્પાની પહેલી પત્ની અને મારી મમ્મી વચ્ચે ભૂતકાળમાં ઘણી સમસ્યા હતી. જો તમે ૩૮-૪૦ વર્ષ પહેલાંનાં અખબાર ખોલીને જુઓ તો એવી ઘણી વાતો ખબર પડશે જે એ સમયે કહેવામાં આવી હતી. મારાં લગ્ન મારી મમ્મીએ ખરીદેલા એ ઘરમાં હતાં જેમાં તે સિંગલ મધર તરીકે મારી સાથે જીવન જીવવા માગતી હતી. હવે આ ઘરમાં મારા પપ્પા અને તેના પરિવારને લગ્નમાં બોલાવવાનું મને નૈતિક રીતે યોગ્ય નહોતું લાગ્યું. આ નિર્ણય કોઈનું અપમાન કરવા માટે નહીં પણ મારી મમ્મી અને તેમની ઇચ્છાઓનું સન્માન કરવાની વાત હતી. બાકી, હું આજે પણ બદલાયો નથી, પહેલાં જેવો જ છું.’

