Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > પી શકાય એવું સનસ્ક્રીન સ્કિનને કેટલું રક્ષણ આપે છે?

પી શકાય એવું સનસ્ક્રીન સ્કિનને કેટલું રક્ષણ આપે છે?

Published : 17 March, 2025 01:46 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્કિનકૅર ઇન્ડસ્ટ્રીમાં છાશવારે અવનવા પ્રયોગો થાય છે ત્યારે સ્કિનને સૂર્યનાં હાનિકારક કિરણોથી રક્ષણ આપતાં સનસ્ક્રીન લોશનના રૂપે માર્કેટમાં મળે છે ત્યારે હવે પી શકાય એવાં ડ્રિન્કેબલ સનસ્ક્રીન પણ આવી ગયાં છે. આજે એની અકસીરતા પર વાત કરીએ

પી શકાય એવું સનસ્ક્રીન સ્કિન

પી શકાય એવું સનસ્ક્રીન સ્કિન


ઉનાળો શરૂ થઈ ગયો છે ત્યારે તડકામાં બહાર નીકળતાં પહેલાં સ્કિનને પ્રોટેક્ટ કરવી બહુ જ જરૂરી છે. સૂર્યપ્રકાશમાંથી નીકળતાં હાનિકારક કિરણોથી ત્વચાને રક્ષણ આપવા માટે સ્કિનકૅરમાં સનસ્ક્રીનનું મહત્ત્વ સર્વોપરી છે. સનસ્ક્રીન ત્વચા માટે ખરેખર ઉપયોગી છે એ વાતના પુરાવાઓ હોવા છતાં ઘણા લોકો સનસ્ક્રીનની વૅલ્યુ કરતા નથી અને સન પ્રોટેક્શન આપતા દાવાઓ કરતી અન્ય સ્કિનકૅર પ્રોડક્ટ્સને અપનાવે છે. એમાંથી એક પ્રોડક્ટ અત્યારે ઇન્ટરનેટ પર ચર્ચાનું કારણ બની છે અને એ છે ડ્રિન્કેબલ સનસક્રીન! નામ સાંભળીને તમને એવો સવાલ થતો હશે કે શું પી શકાય એવું સનસ્ક્રીન પણ માર્કેટમાં મળે છે? આ પ્રોડક્ટ વિશે વધુ જાણીએ.


શું છે ડ્રિન્કેબલ સનસ્ક્રીન?



સ્કિનકૅર ઇન્ડસ્ટ્રીમાં દુનિયાનું સૌથી પહેલું ડ્રિન્કેબલ સનસ્ક્રીન અમેરિકામાં બન્યું હતું. ત્યાં વિવાદોમાં સપડાયેલી આ પ્રોડક્ટમાં બીજું કંઈ નહીં પણ UV ન્યુટ્રલાઇઝર હાર્મનાઇઝ્ડ વૉટર છે. પાણીમાં એનાં થોડાં ટીપાં નાખીને પીવાથી એ UVA અને UVB કિરણોથી રક્ષણ આપે છે એવો દાવો કરે છે પણ એ ૧૦૦ ટકા પ્રભાવીપણે કામ કરે છે એવા વૈજ્ઞાનિક પુરાવાઓ ન હોવા છતાં આ સનસ્ક્રીન બનાવતી બ્રૅન્ડ માર્કેટિંગ માટે કસ્ટમર્સનું ધ્યાન આકર્ષિત કરવા માટે આ પ્રકારનું વિચિત્ર બ્રૅન્ડિંગ કરીને ગેરમાર્ગે દોરે છે. ડ્રિન્કેબલ સનસક્રીનનું નામ સાંભળીને લોકોને એવું લાગતું હશે કે આ સનસ્ક્રીનનો વિકલ્પ માર્કેટમાં આવ્યો છે, પણ હકીકતમાં એવું નથી. આ ડ્રિન્કેબલ સનસ્ક્રીનનો કન્સેપ્ટ પણ કંઈ નવો નથી. મૂળ અમેરિકન પ્રોડક્ટ ગણાતું ડ્રિન્કેબલ સનસ્ક્રીન જ્યારે ભારતમાં આવ્યું ત્યારે નામ તો સેમ રહ્યું, પણ પ્રોડક્ટમાં વપરાતી સામગ્રીમાં ફેરફાર થયો. ઘણી કંપનીઓ પી શકાય એવા સનસ્ક્રીન વિશે એવા દાવાઓ કરે છે કે એના ઉપયોગથી સ્કિનને UV કિરણોથી થતા નુકસાનથી બચાવી શકાય છે. આ સનસ્ક્રીન ટૅબ્લેટ અને પૅકેટના ફૉર્મમાં મળે છે. જોકે એમાંના ઘટકો એટલા નૅચરલ નથી હોતા તેથી ડૉક્ટર્સ આ પ્રકારના સનસ્ક્રીનનો ઉપયોગ કરવાની ના પાડે છે.


શું કહે છે એક્સપર્ટ?

ડ્રિન્કેબલ સનસ્ક્રીનમાં વનસ્પતિના અર્ક અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ રહેલાં હોય છે જે સ્કિનને UV કિરણોથી થતા સ્કિન ડૅમેજથી બચાવે છે પણ એ SPF બેઝ્ડ સનસ્ક્રીન લોશન જેવું જ પરિણામ આપતું નથી એવો મત ડર્મેટોલૉજિસ્ટે આપ્યો છે. એ સ્કિનને ટૅન થતાં અથવા સનબર્નથી પણ રક્ષણ આપતું નથી. તેથી જો તમે ડ્રિન્કેબલ સનસ્ક્રીન પર જ આધાર રાખો છો તો તમારી સ્કિન સૂર્યકિરણોથી પ્રોટેક્ટેડ રહેશે નહીં. ડ્રિન્કેબલ સનસ્ક્રીનનો કન્સેપ્ટ જાણ્યા બાદ ઘણા લોકોને એવું લાગતું હશે કે ત્વચા માટે આ ડાયટ સારી છે પણ એનો અર્થ એવો નથી કે મૉઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન લોશન અપ્લાય કરવાનું બંધ કરી દેવું. એ લગાવવાની સાથે ઘરની બહાર નીકળતી વખતે સ્કિન ઢંકાયેલી રહે એવું કપડું સાથે લઈને નીકળવું. અંદરથી તમે ગમે તેટલી કોશિશ કરો, પણ સ્કિનને બહારથી પ્રોટેક્શનની જરૂર હોય છે. તેથી જો તમે પી શકાય એવા સનસ્ક્રીનને ડાયટમાં સામેલ કરવાની ઇચ્છા રાખતા હો તો એક વાર એક્સપર્ટની સલાહ લઈ લેવી, કારણ કે જરૂરી નથી કે એ બધાને જ સૂટ થાય.


કેટલું ફાયદાકારક?

ડ્રિન્કેબલ સનસ્ક્રીન ઍન્ટિ-ઑક્સિડન્ટ્સની સાથે વિટામિન C અને Eથી ભરપૂર છે જે સ્કિનને ઑક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવે છે. ઍન્ટિએજિંગ માટે પણ આ સનસ્ક્રીનનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે ત્યારે એ સ્કિનને પણ ગ્લો કરવામાં અથવા સ્કિનના ગ્લોને જાળવી રાખવામાં મદદ કરે છે. સામાન્ય સનસ્ક્રીનનું ટેક્સ્ચર થોડું ચીકણું હોવાથી એ ફેસ પર લગાવ્યા બાદ ઇરિરેટ કરે છે અને ચાર-છ કલાક બાદ એની અસર ઓછી થતાં ફરી લગાવવું પડે છે. જોકે ડ્રિન્કેબલ સનસ્ક્રીનમાં એવું થતું નથી. એની અસર કલાકો સુધી રહે છે. આ પ્રકારના સનસ્ક્રીનના જેટલા ફાયદા છે એનાથી વધુ ગેરફાયદાઓ પણ છે. વધુપડતા ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ અથવા સપ્લિમેન્ટ્સ લેવાથી સમયાંતરે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ડ્રિન્કેબલ સનસ્ક્રીન શરીરને UV કિરણોથી સનસ્ક્રીન લોશન જેટલું જ રક્ષણ પૂરું પાડે છે કે નહીં એ બાબતે હજી વૈજ્ઞાનિક રીતે સાબિત થયું નથી. એ શરીરને અંદરથી રક્ષણ આપે છે, પણ સ્કિન માટે કેટલું કારગત છે એ કહેવું મુશ્કેલ છે. હજી એક ગેરફાયદો એ પણ છે કે કિંમતના મામલે ડ્રિન્કેબલ સનસ્ક્રીન સનસ્ક્રીન લોશન કરતાં ત્રણગણું મોંઘું હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

17 March, 2025 01:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK