લિવિંગ રૂમ અને બેડરૂમમાં ડૉમિનેટ કરતા પેસ્ટલ શેડ્સ હવે કિચનની શોભાને વધારી રહ્યા છે ત્યારે તમે તમારા કિચનને કઈ રીતે પેસ્ટલ બનાવશો એની ગાઇડ આ રહી
પ્રતીકાત્મક તસવીર
અત્યારે જ્યાં જુઓ ત્યાં પેસ્ટલ કલર્સનો જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આંખોને ઠંડક આપતા અને સુંદરતાને વધારતા પેસ્ટલ કલર્સ ફૅશન અને ઇન્ટીરિયર ઇન્ડસ્ટ્રીમાં ટ્રેન્ડ કરી રહ્યા છે. ઇન્ટીરિયરમાં પેસ્ટલ કલર્સ સૌથી વધુ લિવિંગ રૂમ અને બેડરૂમમાં જ વપરાય છે, પણ હવે કિચનમાં પણ આ શેડ્સનો ઉપયોગ થવા લાગ્યો છે. આંખોને કમ્ફર્ટ આપે એવા પેસ્ટલ કલર્સ કઈ રીતે તમારા કિચનની શોભા વધારી શકે છે એ જાણીએ.
કૅબિનેટ્સ
ADVERTISEMENT
જો તમારું કિચન વાઇટ, ક્રીમ કે બેજ કલરનું હોય તો તમે કિચન કૅબિનેટ્સને પેસ્ટલ ગ્રીન અથવા પાઉડર બ્લુ કલરના રાખશો તો એ ફ્રેશ લુક આપશે. કૅબિનેટ્સમાં પણ તમે મોનોક્રોમ અથવા લાઇટ-ડાર્ક શેડ્સ રાખી શકો છો જેથી એ વધુ વાઇબ્રન્ટ દેખાય. જો મલ્ટિકલર કે બે શેડ્સમાં ન જવું હોય તો સિંગલ કલરથી પણ કિચનનો લુક સારો લાગશે, પણ ધ્યાન એટલું રાખવું કે દીવાલ અને કૅબિનેટનો કલર સેમ ન હોય.
વૉલ અને ટાઇલ્સ
જો તમારા કિચનની દીવાલ ક્રીમ અથવા પેસ્ટલ યલો કલરની હોય તો વૉર્મ વાઇબ આવશે અને કિચનમાં ગરમ ફીલ થશે, વૉર્મ ટોનના પેસ્ટલ શેડ્સ કુદરતી પ્રકાશને વધારે છે. એને કારણે કિચનમાં તાજગી અને પૉઝિટિવિટીનો અહેસાસ કરાવશે. જો તમારા ઘરમાં વધુ તડકો ન આવતો હોય તો આ પ્રકારે કિચનને ડિઝાઇન કરશો તો સારું લાગશે, પણ સાથે બૅકસ્પ્લૅશમાં પેસ્ટલ ટોનવાળી પૅટર્ન્સ ખાસ કરીને મોઝેક ટાઇલ્સ કિચનને લાઇવલી બનાવવાનું કામ કરે છે. પેસ્ટલ બ્લુ, મિન્ટ ગ્રીન અથવા પીચ કલરની ટાઇલ્સ વાપરીને કિચનની સરળતામાં નવો એલિમેન્ટ ઍડ કરી શકાય છે. એ સફાઈ કરવામાં પણ સરળ હોય છે અને ટકાઉ પણ હોવાથી આવું ઇન્ટીરિયર કરાવશો તો ફાયદો પણ થશે.
ડેકોર અને ઍક્સેસરીઝ
પેસ્ટલ ટોનનું મૅજિક ફક્ત કિચનની દીવાલ અથવા કૅબિનેટ પૂરતું જ નહીં પણ નાના-મોટા ડેકોર આઇટમ્સમાં પણ ઝળકે છે. પેસ્ટલ પિન્ક કપ, મિન્ટ ગ્રીન પ્લેટ્સ, પાઉડર બ્લુ બાઉલ્સ કિચન કાઉન્ટર પર રાખવાથી તરત જ આખો લુક ચેન્જ થાય છે અને કિચનની સુંદરતા વધે છે. આ ઉપરાંત પેસ્ટલ કલર ટોન્સના તાવેથા અને ચમચા ઉપરાંત મિક્સિંગ બાઉલ્સ પણ કિચનને સ્ટાઇલિશ લુક આપે છે એટલું જ નહીં; ટેબલ ક્લોથ, ચૅર કવર અથવા કર્ટન્સમાં પણ પેસ્ટલ ટોનનો ઉપયોગ કિચનને સૉફ્ટ અને કમ્ફર્ટેબલ લુક આપે છે.
કૉન્ટ્રાસ્ટ-મોનોક્રોમની ગેમ
ફક્ત એક જ પેસ્ટલ કલર રાખવાથી કિચન ફ્લૅટ દેખાઈ શકે છે. તેથી થોડી કૉન્ટ્રાસ્ટ અથવા મોનોક્રોમ થીમ રાખશો તો એ વધુ બૅલૅન્સ્ડ લુક આપી શકશે. લાઇટ અથવા મૅપલ ફિનિશવાળા ફર્નિચર અથવા પેસ્ટલ કૅબિનેટ્સ એકબીજાને સુંદર રીતે બૅલૅન્સ કરે છે. નૅચરલ વુડ ટોન સૉફ્ટ પેસ્ટલ કલર્સને વૉર્મ અને ગ્રાઉન્ડેડ ફીલ આપે છે. જો આ રીતે ન કરવું હોય તો ગોલ્ડ કૉપર અથવા મૅટ બ્લૅક કૅબિનેટ હૅન્ડલ્સ કિચનને મૉડર્ન અને સ્ટાઇલિશ ફિનિશ આપે છે અને એ કન્ટેમ્પરરી પણ લાગે છે. મેટાલિક એલિમેન્ટ્સ પેસ્ટલ કલર્સની સૉફ્ટનેસને કટ કરીને એમાં લક્ઝરી ટચ ઉમેરે છે.
ધ્યાનમાં રાખવાની બાબતો
તેલના ડાઘ, ધુમાડો અને ફૂડ સ્પ્લૅશ થવાની શક્યતા વધુ હોવાથી પેસ્ટલ કલરનું કિચન ગંદું દેખાઈ શકે છે. તેથી જો તમે પેસ્ટલ શેડ્સની પસંદગી કરો તો એ વૉશેબલ હોય અને ઈઝી ક્લીન લેમિનેટ્સ હોય એવા પેઇન્ટ્સની પસંદગી કરો.
પેસ્ટલ કલર સારી રીતે દેખાય એ માટે નૅચરલ લાઇટ હોવી જરૂરી છે. જો કિચનમાં નૅચરલ લાઇટ ઓછી હોય તો વૉર્મ લાઇટ અથવા LED લાઇટ્સ વાપરો જેથી કિચનનો રંગ ફીકો ન લાગે.
કિચન અને કૅબિનેટ્સ બન્ને એક જ કલરના હોય તો કિચનનો લુક ફ્લૅટ અને બોરિંગ લાગી શકે છે. તેથી ૭૦ ટકા પેસ્ટલ બેઝ કલર, ૨૦ ટકા કૉન્ટ્રાસ્ટ એટલે કે વુડ કે મેટાલિક અને ૧૦ ટકા આ બન્નેને કૉમ્પ્લીમેન્ટ આપે એવો કલર પસંદ કરવો. આ ૭૦-૨૦-૧૦ની ફૉર્મ્યુલાથી ચાલશો તો તમારું કિચન સૌથી સ્ટાઇલિશ અને ટ્રેન્ડી લાગશે.
આખું કિચન પેસ્ટલમાં પેઇન્ટ કારાવતા પહેલાં દીવાલના નાનકડા ભાગમાં કલર કરાવીને દિવસ-રાત લાઇટિંગમાં જુઓ. જો સારું લાગે તો જ આખું કિચન પેસ્ટલ શેડ્સમાં ડિઝાઇન કરો.
ફ્લોરિંગ માટે લાઇટ વુડ ટેક્સ્ચર પેસ્ટ શેડ્સ સાથે સરસ લુક આપે છે. આ ઉપરાંત ટેક્સટાઇલ્સ માટે પેસ્ટલ પૅટર્ન પ્રિન્ટ વાપરવાથી કિચનની સુંદરતામાં ચાર ચાંદ લાગે છે.

