રિયલ ફ્લાવરથી જાળીવર્ક કરેલી ફ્લોરલ ચાદર સાડી પહેરીને ક્રીએટિવ ગ્લૅમર દર્શાવતી જાહ્નવી કપૂરને અનુસરવાનું તમને મન થતું હોય તો આ નવો ટ્રેન્ડ ખરેખર અપનાવવા જેવો છે કે નહીં એ નિષ્ણાત પાસેથી જાણીએ
રાધિકા મર્ચન્ટ, જાહ્નવી કપૂર
ફૅશન-જગત હંમેશાં કંઈક નવું અજમાવવાની હિંમત રાખે છે. ક્યારેક ડેનિમ પર ડેનિમ, ક્યારેક મેટલિક આઉટફિટ્સ તો ક્યારેક સંપૂર્ણ બ્લૅક લુક. તાજેતરમાં એક એવો એક્સપરિમેન્ટ થયો છે જેને જોઈને સૌકોઈ વાઓ બોલ્યા વિના રહી શક્યા નથી. વાત છે ફ્રેશ ફ્લાવર્સથી બનેલી સાડી અને દુપટ્ટાની. થોડા સમય પહેલાં બૉલીવુડની અભિનેત્રી જાહ્નવી કપૂરે હૅન્ડવર્કવાળા બેબી પિન્ક કલરના બ્લાઉઝ સાથે રજનીગંધાનાં ફૂલોને ગૂંથીને તૈયાર થયેલી સાડી પહેરી હતી. નાની-નાની કળીઓને એક પછી એક ગૂંથીને તૈયાર કરેલી આ સાડી બહુ જ ક્રીએટિવ લાગે છે અને તે જાહ્નવીના ગ્લૅમરસ લુકને એન્હૅન્સ પણ કરે છે. અગાઉ પણ અંબાણી પરિવારની છોટી બહૂ રાધિકા મર્ચન્ટે તેની વેડિંગ ફેસ્ટિવિટીમાં ફૂલોની ચાદર બનાવીને દુપટ્ટાની જેમ પહેરી હતી. રિયલ ફ્લાવરની આ ફૅશનના ટ્રેન્ડને ફૉલો કરવો કેટલો યોગ્ય છે અને બીજી કઈ રીતે કરી શકાય એ વિશે મુલુંડનાં ફૅશન-ડિઝાઇનર ભૂમિકા નિસર પાસેથી જાણીએ તેમના જ શબ્દોમાં...
શું કહે છે ટ્રેન્ડ?
ADVERTISEMENT
જાહ્નવી કપૂરના અટાયરની વાત કરું તો તેણે હૅન્ડવર્કવાળા બ્લાઉઝથી મૅચ થતી બૉર્ડરને અટૅચ કરીને ફૂલોની ચાદર બનાવી છે. નૉર્મલી ફૂલ નીકળે નહીં અથવા તૂટે નહીં એ માટે મેટલના તારનો ઉપયોગ થતો હોય છે પણ જાહ્નવીની સાડીમાં દોરાનો ઉપયોગ થયો છે, જે તેની સાડીને વધુ ડેલિકેટ બનાવે છે. સાડીમાં ફક્ત અઢી મીટરના ભાગ પર જ રિયલ ફ્લાવર્સનું વર્ક થયું છે, સાડીનો બાકીનો ભાગ ફૅબ્રિકનો જ છે. રાધિકા મર્ચન્ટે ફૂલોની ચાદરને દુપટ્ટાની જેમ કૅરી કર્યો હતો અને જાહ્નવીએ સાડીના કાપડમાં અટૅચ કરીને સાડીની જેમ પહેરી હતી. ત્યાર બાદ હવે અન્ય પ્રકારના આઉટફિટ્સમાં પણ આને અજમાવવાની શરૂઆત થઈ છે. પૉન્ચો ટાઇપ ટૉપમાં ફ્રેશ ફૂલોની કળીથી બનેલી સ્લીવ્ઝમાં જાળી-વર્કથી લાઇટ અને સ્ટાઇલિશ લુક મેળવી શકાય. આ ઉપરાંત લાંબા ડ્રેસ કે ગાઉન પર ફૂલોથી બનેલું જૅકેટ પહેરવાથી અલગ જ એલિગન્સ આપે છે. કોઈ પણ ડાર્ક કે પેસ્ટલ શેડના પ્લેન સ્કર્ટ પર નાની ફૂલકળીથી ગૂંથેલું લેયર્ડ સ્કર્ટ ફેરીટેલ લુક આપે છે. બાકી સાડી કે લેહંગા પર લેયર્ડ દુપટ્ટો એકદમ બોલ્ડ ફૅશન-સ્ટેટમેન્ટ લાગે છે.
ફૂલોના શોખીનો માટે પર્ફેક્ટ ટ્રેન્ડ
નેચર-લવર્સ અથવા ખાસ કરીને ફૂલોના શોખીનો માટે ફ્રેશ ફ્લાવર્સથી બનતાં આઉટફિટ્સનો આ ટ્રેન્ડ જાણે તેમના માટે જ બનેલો છે એમ કહી શકાય. તેમના માટે આવાં આઉટફિટ્સ માત્ર વસ્ત્ર નહીં પણ જીવંત આર્ટ છે. એને પહેરવાં એ ફૅશન નહીં પણ એક પ્રકારની લાઇફસ્ટાઇલ ચૉઇસ છે. મોટા ભાગના લોકો હવે ફૅશનને જાણી અને સમજી રહ્યા હોવાથી દરેકને અલગ અને હટકે દેખાવું હોય છે અને એ માટે ઇન્ટરનેટ પર આઇડિયાઝ શોધે છે. ફ્રેશ ફ્લાવર આઉટફિટ્સ એક સફળ પ્રયોગ છે જે તમને લાઇમલાઇટમાં લાવવાની ખાતરી આપ છે. રાધિકા મર્ચન્ટ અને જાહ્નવી કપૂરે આ ટ્રેન્ડને અપનાવ્યા બાદ હવે ડિઝાઇનર્સ ફૂલથી નવા એક્સપરિમેન્ટ્સ કરી રહ્યા છે તેથી આવનારી વેડિંગ સીઝનમાં બ્રાઇડ્સ કે બ્રાઇડમેડ્સ જો ફ્લોરલ આઉટફિટ પહેરતી દેખાશે તો નવાઈ નહીં લાગે.
કૅરી કરવું ચૅલેન્જ
ફૂલોથી બનેલાં આઉટફિટ્સ લુકને જેટલા એન્હૅન્સ કરે છે એટલા જ પડકારો એને કૅરી કરવામાં આવે છે. ફૂલોની લાઇફ ટૂંકી હોય છે એથી જો મહામહેનતે આઉટફિટ તૈયાર પણ થાય તો એ વધુમાં વધુ બે દિવસ સુધી ટકી શકે. એ પછી ફૂલો સુકાઈ જાય છે અને કરમાઈ પણ જાય છે. બીજું, સૌથી મોટો પડકાર એને કૅરી કરવાનો છે. ફૂલો એટલાં ડેલિકેટ હોય છે કે એને કૅરી કરવાં બહુ જ ડિફિકલ્ટ હોય છે. ચાલતી વખતે જો એ કોઈ ચીજમાં અટવાઈ જાય તો તરત જ એ તૂટી જાય છે. ખાસ કરીને જો થ્રેડથી કામ કર્યું હશે તો એને સંભાળવામાં બહુ જ કાળજી રાખવી પડશે. ત્રીજો પડકાર છે કિંમત. ફૂલોમાંથી આઉટફિટ બનાવવાનો ખર્ચ બધાને પરવડી શકે એવો નથી. મેકર્સને ફૂલ ગૂંથવામાં કલાકો લાગે છે. ટૂંકમાં કહું તો આ આઉટફિટ્સ ડેઇલી વેઅર માટે નથી; સ્પેશ્યલ ઈવનિંગ, પ્રી-વેડિંગ ફંક્શન્સ માટે યુનિક એથ્નિક-વેઅર બની શકે છે. જો ટ્રેન્ડમાં રહેવું હોય તો એક વાર ફ્રેશ ફ્લાવર્સના ચાલી રહેલા આ ટ્રેન્ડને ટ્રાય કરવો જોઈએ. આ આઉટફિટ પહેરવું એ ફક્ત ફૅશન-ચૉઇસ નથી પણ એ માટે મેન્ટલ રેડીનેસ પણ જરૂરી છે. એને પહેરતી વખતે બહુ કાળજી લેવી પડે છે. લાંબો સમય બેસવાનું કે ડાન્સ કરવાનું મુશ્કેલ બની શકે છે. દરેક મોમેન્ટમાં સંભાળીને કૅરી કરવું પડે છે.

