મૉડર્ન ફૅશનમાં ફુટવેઅર માત્ર ઍક્સેસરી નથી, આખા આઉટફિટનો મેઇન આધારસ્તંભ બની શકે છે. તમારા કબાટમાં પડેલાં સાદાં કે જૂનાં બૂટને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને સૉફિસ્ટિકેટેડ લુક કેવી રીતે આપવો એ જાણી લો
જૂનાં પડેલાં ફુટવેઅરને ઘેરબેઠાં જ બનાવી દો સ્ટેટમેન્ટ ઍક્સેસરી
અત્યાર સુધી મિનિમલિઝમ એટલે કે સાદગી, સિંગલ કલર્સ અને પ્લેન ડિઝાઇનનો દબદબો હતો. હવે મૅક્સિમલિઝમ ફૅશન એન્ટ્રી કરી ચૂકી છે. નવા ટ્રેન્ડ મુજબ જેટલું વધારે ડીટેલિંગ, રંગો અને ટેક્સ્ચર હશે એટલું જ એ આકર્ષક દેખાશે. આ ટ્રેન્ડમાં સૌથી વધુ ધ્યાન ખેંચી રહ્યાં છે મૅક્સિમલિસ્ટ બોલ્ડ બૂટ. ખાસ કરીને પરંપરાગત ટેક્સટાઇલ અને જરી-વર્ક ધરાવતાં સ્ટેટમેન્ટ બૂટ. હાલમાં સોશ્યલ મીડિયા પર જે જરી
બૂટનો ટ્રેન્ડ વાઇરલ થઈ રહ્યો છે એ હકીકતમાં ભારતીય ભરતકામની વિરાસતનું એક આધુનિક સ્વરૂપ છે. જરી બૂટ એ હાથથી બનાવેલા પૅચવર્ક, રંગો અને ટેક્સટાઇલનું સંયોજન છે. આ પ્રકારનાં બૂટ સામાન્ય પ્લેન લેધર કે કૅન્વસ બૂટ કરતાં તદ્દન અલગ પડે છે. એમાં એમ્બ્રૉઇડરી અને જરી-વર્ક ઉપરાંત ફ્લોરલ ઍપ્લિક અને પૅચવર્ક તૈયાર કરવામાં આવે છે. ફૅશનની દુનિયામાં કહેવાય છે કે આ પ્રકારનાં બૂટ પોતે જ એક વાતચીતની શરૂઆત બની રહે છે. તમારી ડિઝાઇન અને પૅટર્ન જેટલી મોટી અને બોલ્ડ હશે, લોકોનું ધ્યાન એટલું જ વધુ આકર્ષિત થશે.
જૂનાં બૂટને કેવી રીતે બનાવશો સૉફિસ્ટિકેટેડ?
ADVERTISEMENT
જો તમારી પાસે જૂનાં પ્લેન ઍન્કલ બૂટ, ની-હાઇ બૂટ કે કૅન્વસ બૂટ પડેલાં હોય તો એને ફેંકી દેવાને કે ચીપ લુક આપવાને બદલે ખૂબ જ રૉયલ અને સૉફિસ્ટિકેટેડ લુક આપી શકાય છે. એના માટે બચેલા બનારસી કાપડ, જૂની જરીવાળી સાડી કે હૅન્ડલૂમ કટ-પીસનો ઉપયોગ કરો. બૂટના ઉપરના ભાગ પર ફૅબ્રિક ગ્લુ અથવા શૂ-ક્રાફ્ટ પ્રોસેસથી આ કાપડનું સુંદર પેચવર્ક લગાવો.
જો આખા બૂટ પર કાપડ ન લગાવવું હોય તો માત્ર બૂટની સાઇડમાં અથવા પાછળના ભાગે ગોટાપટ્ટી અથવા ભરતકામવાળી બૉર્ડર ઉમેરીને એને સ્ટેટમેન્ટ લુક આપી શકાય છે.
બૂટના અમુક ચોક્કસ ભાગ પર હાથથી થોડું મિરરવર્ક, નાના બીડ્સ સીવી અથવા ચીપકાવીને એને મૅક્સિમલિસ્ટ એલિમેન્ટ આપી શકાય છે.
જૂનાં બૂટને વેસ્ટમાંથી બેસ્ટ બનાવતી વખતે ધ્યાનમાં રાખવું કે એ વધુ પડતું અસ્તવ્યસ્ત ન લાગે. સૉફિસ્ટિકેટેડ લુક મેળવવા માટે બૂટના મૂળ સોલ અને હીલની ક્વૉલિટી સારી હોવી જરૂરી છે અને ફિનિશિંગ હંમેશાં સુઘડ હોવું જોઈએ.
કેવી રીતે સ્ટાઇલ કરવાં?
તમારાં ફુટવેઅર જ્યારે આટલાં બોલ્ડ અને ડિઝાઇનર હોય ત્યારે આખા આઉટફિટનું સંતુલન જાળવવું ખૂબ મહત્ત્વનું છે. આ પ્રકારનાં બૂટને નીચે મુજબની શૈલીમાં પર્ફેક્ટલી સ્ટાઇલ કરી શકાય છે. તમે બેજ, ઑફ-વાઇટ, બ્લૅક, કૅમલ અથવા ગ્રે કલરના પ્લેન ઓવરસાઇઝ્ડ કોટ, ટ્રેન્ચ કોટ કે પ્લેન મૉનોક્રોમ ડ્રેસ સાથે આ બૂટ પહેરો. આનાથી તમારા આખા લુકનું આકર્ષણ બૂટ બનશે.
આ ઉપરાંત કુરતી, લૉન્ગ પ્લેન અનારકલી અથવા ઇન્ડો-વેસ્ટર્ન શ્રગ આઉટફિટ સાથે આ બૂટ સૉફિસ્ટિકેટેડ લુક આપે છે. એ ફ્યુઝન ફૅશન માટે સારું પણ લાગશે.
પ્લેન વાઇટ શર્ટ, બેઝિક ડેનિમ અને એક સ્ટ્રક્ચર્ડ બ્લેઝર સાથે જરી બૂટ પહેરવાથી કૅઝ્યુઅલ લુક પણ તરત હાઈ-ફૅશન લુકમાં ફેરવાઈ જાય છે.
આર્ટ એક્ઝિબિશન, સાંસ્કૃતિક પ્રોગ્રામ્સ, ફૅશન-ઇવેન્ટ્સ અથવા તો લગ્નપ્રસંગોના સંગીત અને મેંદી ફંક્શન્સમાં જ્યાં તમારે ટ્રેડિશનલ છતાં આધુનિક દેખાવું હોય ત્યાં આ સ્ટેટમેન્ટ બૂટ બેસ્ટ ચૉઇસ છે.
