આજે વિદેશી ફૅશનમાં જે નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે એ જોઈને કોઈ પણ ભારતીયને ૨૦૦૦ના દાયકાના બૉલીવુડની યાદ આવી જાય એ સ્વાભાવિક છે
ગ્રેસી અબ્રામ્સે, બેલા હદીદ
આજે વિદેશી ફૅશનમાં જે નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે એ જોઈને કોઈ પણ ભારતીયને ૨૦૦૦ના દાયકાના બૉલીવુડની યાદ આવી જાય એ સ્વાભાવિક છે. જે સ્ટાઇલને આજે હૉલીવુડના સ્ટાર્સ કંઈક નવું ગણાવીને પહેરી રહ્યા છે એ ખરેખર તો ૨૦ વર્ષ પહેલાં બૉલીવુડની અભિનેત્રીઓએ આપણા સિનેમામાં ફેમસ કરી દીધી હતી
ફૅશન હંમેશાં પાછી આવે છે એ વાત આજે ફરી સાબિત થઈ રહી છે. અત્યારે પશ્ચિમી દેશોમાં જે નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે એ જોઈને આપણને ૨૦૦૦ના દાયકાના બૉલીવુડની યાદ આવી જાય છે. જે કપડાં એ સમયે કરીના કપૂર કે ઐશ્વર્યા રાય જેવી હિરોઇનો પહેરતી હતી એને જ આજે હૉલીવુડની જાણીતી મૉડલ્સ અને સિંગર્સ નવા અંદાજમાં પહેરી રહી છે. આપણા માટે જે જૂની યાદો છે એ હવે દુનિયા માટે લેટેસ્ટ ફૅશન બની ગઈ છે.
ADVERTISEMENT
તાજેતરની કેટલીક ઘટનાઓ જોઈએ તો સમજાય છે કે આ ફૅશન કેટલી ઝડપથી ફેલાઈ રહી છે. જાણીતી મૉડલ કેન્ડલ જેનર જ્યારે કાળા ટ્રાઉઝર અને સ્લીવલેસ ટૉપ સાથે ગળામાં લાંબો સ્કાર્ફ પહેરીને બહાર નીકળી ત્યારે સોશ્યલ મીડિયા પર તરત જ લોકોએ એને ૨૦૦૦ના દાયકાના કુરતા-પાયજામા લુક સાથે સરખાવ્યો. એવી જ રીતે બેલા હદીદ એક પાર્ટીમાં સફેદ ટૉપ અને લાંબા સ્કર્ટ સાથે રેશમી સ્કાર્ફ પહેરેલી જોવા મળી હતી. આ સ્ટાઇલ સેમ આપણા લેહંગા-ચોલી અને દુપટ્ટા જેવી જ લાગતી હતી. ગાયિકા ગ્રેસી અબ્રામ્સે પણ એક એવો ડ્રેસ પહેર્યો હતો જેમાં સ્કાર્ફને ગળામાં બિલકુલ દુપટ્ટાની જેમ જ લપેટવામાં આવ્યો હતો.
પશ્ચિમના લોકો ભલે આને કો-ઑર્ડ સેટ કે સ્કૅન્ડિનેવિયન સ્કાર્ફ કહેતા હોય, પણ કોઈ પણ ભારતીય કહી શકે છે કે આ તો આપણી જૂની સ્ટાઇલ જ છે. ૨૦૦૦ના દાયકાની એ ફૅશન એકદમ સિમ્પલ અને કૂલ હતી. એ સમયે શૉર્ટ કુરતા (જે ક્યારેક કમર સુધીના જ હોય) અને નીચેથી પહોળા હોય એવાં પૅન્ટ્સ ખૂબ ચાલતાં હતાં. આ લુકની સૌથી ખાસ વાત હતી દુપટ્ટો. એ સમયે દુપટ્ટાને ગળાની આસપાસ એવી રીતે વીંટાળવામાં આવતો કે એના બન્ને છેડા પાછળની તરફ રહે. આ લુક જેટલો આરામદાયક હતો એટલો જ સ્ટાઇલિશ પણ લાગતો હતો.
ફૅશન ક્યારેય એક જગ્યાએ અટકતી નથી, એ એક દેશમાંથી બીજા દેશમાં ફરતી રહે છે. આજે જ્યારે આખી દુનિયા એસ્થેટિક લુકની પાછળ છે ત્યારે ૨૦૦૦ના દાયકાની આ બૉલીવુડ સ્ટાઇલ એમાં બરાબર ફિટ બેસે છે. ભલે પશ્ચિમમાં એને અત્યારે ગમે તે નામ આપવામાં આવે, પણ આપણા માટે તો આ ૨૦૦૦ના દાયકાનો નોસ્ટૅલ્જિયા જ છે. જે કપડાં પહેરીને આપણે મોટા થયા છીએ એ જ આજે આખી દુનિયામાં ફૅશન-સ્ટેટમેન્ટ બની રહ્યાં છે. આના પરથી એટલું તો ચોક્કસ કહી શકાય કે બૉલીવુડની એ સમયની ફૅશન એના સમય કરતાં ઘણી આગળ હતી.
