આયુર્વેદમાં ચામડીના રોગોના ઉપચાર માટે વપરાતા આ આૅઇલનો વપરાશ હવે સ્કિનકૅરમાં પણ વધી રહ્યો છે
પ્રતીકાત્મક તસવીર
સ્કિનકૅર માટે કેમિકલયુક્ત પ્રોડક્ટ્સને બદલે નૅચરલ ઇન્ગ્રીડિઅન્ટ્સનો ઉપયોગ વધી રહ્યો છે અને એમાં કુમકુમાદિ તેલનો પણ સમાવેશ થાય છે. આયુર્વેદમાં વર્ષોથી આ તેલ ચામડીના રોગના ઉપચાર માટે ઉપયોગમાં લેવાય છે ત્યારે અત્યારે એનો વપરાશ સ્કિનકૅર રૂટીનમાં વધી રહ્યો છે. આયુર્વેદમાં કેસરને કુમકુમ કહેવાયું છે અને આ તેલનું મુખ્ય ઘટક કેસર હોવાથી એનું નામ કુમકુમાદિ પડ્યું છે. કેસરની સાથે ચંદન અને અન્ય જડીબુટ્ટીના સંયોજનથી બનેલું આ હર્બલ ઑઇલ ચહેરા પર લગાવવાથી નેચરલ ગ્લો આવે છે. કુમકુમાદિ તેલને નિયમિત લગાવવાથી ડાર્ક સ્પૉટ્સ, ડાઘ અને ત્વચાનો રંગભેદ દૂર થઈને એક જ ટોનને જાળવવામાં મદદ કરે છે. આ તેલમાં ઍન્ટિસેપ્ટિક અને ઍન્ટિબૅક્ટેરિયલ ગુણ હોવાથી એ બૅક્ટેરિયાથી રક્ષણ આપે છે અને સ્કિન ક્લીન અને ફ્રેશ રહે છે. આ સાથે એમાં રહેલો ઍન્ટિએજિંગનો ગુણ સ્કિનને યંગ રાખવામાં સહાય કરે છે. જેની સ્કિન ડ્રાય હોય તેના માટે કુમકુમાદિ ઑઇલ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. એ ડ્રાય સ્કિનને હાઇડ્રેશન પૂરું પાડવાની સાથે એને મુલાયમ બનાવે છે. એમાં પિત્તશામક ગુણધર્મ હોવાથી ત્વચા સંબંધિત તમામ પ્રકારની પ્રૉબ્લેમ્સ માટે એ ઉપયોગી છે.
ઘરે કેવી રીતે બનાવવું?
ADVERTISEMENT
કુમકુમાદિ તેલને ઘરે બનાવવા માટે એક ગ્રામ કેસર, એક ચમચી ગરમ દૂધ, એક મોટો ચમચો ચંદનનો પાઉડર, એક મોટો ચમચો મંજિષ્ઠા પાઉડર, અડધી ચમચી ખસ પાઉડર, અડધો કપ બદામનું અને અડધો કપ તલનું તેલ લેવું. તેલ બનાવવા માટે સૌથી પહેલાં એક ચમચી ગરમ દૂધમાં કેસરને થોડી વાર પલળવા દેવું. ત્યાર બાદ એક વાટકીમાં બધા પાઉડરને મિક્સ કરી લેવા. પછી એક પૅનમાં બદામ અને તલના તેલને નવશેકું ગરમ કરીને મિક્સ કરેલા પાઉડરને નાખીને ધીમા તાપે હલાવતા રહેવું. પાઉડર તેલમાં બરાબર મિક્સ થઈ જાય ત્યારે કેસરવાળા દૂધને એમાં નાખી દેવું. તેલને ધીમા તાપે બનતાં અડધા કલાકનો સમય લાગી શકે છે. તેલ બની જાય એટલે તેને ઠંડું થવા દેવું, પછી એકદમ પાતળા કાપડની મદદથી ગાળી લઈને ડાર્ક બૉટલમાં સ્ટોર કરી લેવું.
ઉપયોગ કેવી રીતે કરવો?
કુમકુમાદિ તેલનાં બે-ત્રણ ટીપાં ચહેરા પર લગાવવાં અને હળવા હાથેથી મસાજ કરવો. રાત્રે સૂતી વખતે આ પ્રયોગ કરવામાં આવે તો રિઝલ્ટ સારું અને થોડું ઝડપી મળશે. નાઇટ રૂટીનમાં આ તેલનો સમાવેશ કરવો હોય તો સૌથી પહેલાં ફેસ-ક્લેન્ઝરથી ચહેરો સાફ કરો. પછી તેલથી પાંચથી ૧૦ મિનિટ સુધી સર્ક્યુલર મોશનમાં મસાજ કરવો. આંખો અને હોઠ પર વધુ લગાવવું નહીં. જે લોકોની ડ્રાય સ્કિન હોય એ લોકો આખી રાત રહેવા દેશે તો કંઈ વાંધો નહીં આવે પણ ઑઇલી સ્કિન હોય તો મસાજ કર્યાના અડધા કલાક બાદ ચહેરો ધોઈ લેવો, નહીં તો સ્કિન વધુ ઑઇલી થઈ જશે.

