સિમ્પલ, કમ્ફર્ટેબલ અને સુપરસ્ટાઇલિશ લાગતી એક દોરી અને પેન્ડન્ટના કૉમ્બિનેશનથી બનતી આ જ્વેલરી યંગસ્ટર્સમાં ખૂબ ટ્રેન્ડ કરી રહી છે
લૉન્ગ કૉર્ડ નેકલેસ બની રહ્યો છે નવું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ
આજના ફૅશનયુગમાં જ્યારે મિનિમલિઝમ ટ્રેન્ડ કરી રહ્યું છે ત્યારે કૉર્ડ નેકલેસ દરેક યુવતીની પહેલી પસંદ બની રહ્યો છે. ભારે અને પરંપરાગત ઘરેણાં બાજુ પર મૂકીને આજની જનરેશન સિમ્પલ દોરી, લેધર કે વૅક્સ્ડ કૉટનમાંથી બનેલા આ નેકલેસ તરફ વળી રહી છે. જીન્સ અને ટી-શર્ટ હોય કે કલરફુલ વનપીસ, આ એક નાનકડી દોરી અને એમાં પરોવેલું સુંદર પેન્ડન્ટ તમારા આખા લુકને બદલી નાખવાની તાકાત રાખે છે.
મિનિમલ લુકથી સ્ટેટમેન્ટ લુક સુધી
ADVERTISEMENT
લૉન્ગ કૉર્ડ નેકલેસ દેખાવમાં સરળ હોવા છતાં યોગ્ય રીતે સ્ટાઇલ કરવામાં આવે તો આખા આઉટફિટનું ફોકલ પૉઇન્ટ બની શકે છે. ખાસ કરીને સિમ્પલ ટી-શર્ટ, શર્ટ, ટૉપ અથવા ડ્રેસ સાથે લાંબી કૉર્ડવાળો નેકલેસ પહેરવાથી સાદા લુકમાં પણ તરત જ ડીટેલ ઉમેરાય છે. જેમને મિનિમલ જ્વેલરી પસંદ હોય તેઓ પેન્ડન્ટ વગરનો સાદો લૉન્ગ કૉર્ડ નેકલેસ પસંદ કરી શકે છે. બીજી તરફ મોટા પેન્ડન્ટ, મેટલ ડીટેલ, પથ્થર અથવા ટૅસલ સાથેનો નેકલેસ સ્ટેટમેન્ટ લુક માટે પસંદ કરી શકાય છે.
એક નેકલેસ, અનેક સ્ટાઇલ
આ ટ્રેન્ડને લોકપ્રિય બનાવતી સૌથી મોટી બાબત એની વિવિધ રીતે સ્ટાઇલ કરવાની શક્યતા છે. લાંબી કૉર્ડને ગળામાં બે-ત્રણ વખત વીંટાળીને લેયર્ડ નેકલેસ જેવો લુક બનાવી શકાય છે. કેટલાક લૉન્ગ કૉર્ડ નેકલેસમાં કૉર્ડને આગળથી બાંધી શકાય છે, જ્યારે કેટલાકમાં લંબાઈને પોતાની જરૂરિયાત પ્રમાણે બદલી શકાય એવી ગોઠવણ હોય છે. એટલે એક જ નેકલેસને અલગ-અલગ આઉટફિટ સાથે નવી રીતે પહેરી શકાય છે.
ટૅસલ સાથે બોહો ટચ
લૉન્ગ કૉર્ડ નેકલેસમાં ટૅસલ એટલે કે ગુચ્છા કે ફૂમતાં ઉમેરાય ત્યારે એનો લુક વધુ બોહો બની જાય છે. કૉટન, લિનન અથવા અન્ય ટેક્સ્ચર્ડ દોરી સાથે બનેલા ટૅસલવાળા નેકલેસ ખાસ કરીને કૅઝ્યુઅલ અને સમર આઉટફિટ્સ સાથે સારા લાગે છે. સફેદ અથવા બેજ ડ્રેસ, કૉટન કુરતો, મૅક્સી ડ્રેસ અથવા ફ્લોઇંગ ટૉપ સાથે આવો નેકલેસ પહેરવાથી સહજ અને કૅઝ્યુઅલ લુક બનાવી શકાય છે. ખાસ કરીને વેકેશન કે કૅઝ્યુઅલ આઉટિંગ માટે આ સ્ટાઇલ યોગ્ય છે.
મેટલ ડીટેલનો કૉન્ટ્રાસ્ટ
માત્ર કૉર્ડ પૂરતી નથી. ઘણા લૉન્ગ કૉર્ડ નેકલેસમાં મેટલ બીડ્સ, ચાર્મ્સ, જિયોમેટ્રિક શેપ અથવા મોટા પેન્ડન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. કૉર્ડની સૉફ્ટ ટેક્સ્ચર અને મેટલની ચમક વચ્ચેનો કૉન્ટ્રાસ્ટ આ જ્વેલરીને વધુ આધુનિક બનાવે છે. બ્લૅક કૉર્ડ સાથે સિલ્વર અથવા ગોલ્ડ મેટલ ડીટેલ પસંદ કરવામાં આવે તો લુક વધુ સૉફિસ્ટિકેટેડ લાગે છે, જ્યારે રંગીન કૉર્ડ સાથે અલગ-અલગ બીડ્સ અથવા ચાર્મ્સ ઉમેરવાથી પ્લેફુલ લુક મળે છે.
ઇન્ડિયન આઉટફિટ સાથે પણ કરી શકાય સ્ટાઇલ
આ ટ્રેન્ડ માત્ર વેસ્ટર્ન આઉટફિટ પૂરતો સીમિત નથી. લૉન્ગ કૉર્ડ નેકલેસને ભારતીય વસ્ત્રો સાથે પણ સરળતાથી પહેરી શકાય છે. સિમ્પલ કૉટન સાડી, કુરતી અથવા ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસ સાથે લૉન્ગ કૉર્ડ નેકલેસ આધુનિક ટચ આપી શકે છે. સાડી સાથે પહેરતી વખતે ખૂબ હેવી જ્વેલરીને બદલે પેન્ડન્ટવાળો લૉન્ગ કૉર્ડ નેકલેસ પસંદ કરવાથી લુક મૉડર્ન છતાં સોબર રહી શકે છે. ખાસ કરીને સાદી અથવા સિંગલ કલરની સાડી સાથે કૉન્ટ્રાસ્ટ કલરની કૉર્ડ સારી રીતે ઊભરી શકે છે.
લેયરિંગનો નવો રસ્તો
જો એક નેકલેસ પૂરતો ન લાગે તો લૉન્ગ કૉર્ડ નેકલેસને બીજી નાની ચેઇન અથવા પેન્ડન્ટ નેકલેસ સાથે લેયર કરી શકાય છે. જોકે લેયરિંગ કરતી વખતે દરેક નેકલેસની લંબાઈમાં થોડો તફાવત રાખવો જરૂરી છે, જેથી દરેક પીસ અલગથી દેખાય.
કોણે આ ટ્રેન્ડ અજમાવવો જોઈએ?
જેમને જ્વેલરીમાં કંઈક અલગ અજમાવવું હોય પરંતુ બહુ હેવી જ્વેલરી પહેરવી ન ગમતી હોય તેમના માટે લૉન્ગ કૉર્ડ નેકલેસ સારો વિકલ્પ છે. આ ઉપરાંત જૂના પેન્ડન્ટ અથવા ચાર્મ્સને નવી કૉર્ડ સાથે જોડીને પોતાની પસંદગીનો લૉન્ગ કૉર્ડ નેકલેસ પણ બનાવી શકાય છે. એટલે આ ટ્રેન્ડ માત્ર તૈયાર નેકલેસ ખરીદવા પૂરતો નથી, એને પોતાની સ્ટાઇલ પ્રમાણે કસ્ટમાઇઝ પણ કરી શકાય છે.
